ચંદ્રાલા હાઈવે પર કાળમુખો અકસ્માત: કન્ટેનર ચાલકે અચાનક બ્રેક મારતા આઈસર અથડાઈ, સારવાર લઈ પરત ફરેલા ડ્રાઈવરનું કરુણ મોત!
- હોસ્પિટલથી ઘટનાસ્થળે આવતા જ અચાનક દુખાવો ઉપડ્યો અને દમ તોડ્યો – ચિલોડા પોલીસે તપાસ હાથ ધરી
- અકસ્માત બાદ પેટમાં અસહ્ય દુખાવો અને ઉલટીઓ થઈ – 108 પહોંચે તે પહેલા જ હિમાચલના ચાલકે જીવ ગુમાવ્યો
- આગમન હોટલ સામે સર્જાયો ગમખ્વાર અકસ્માત – ક્લીનરની ફરિયાદના આધારે પોલીસની કાનૂની કાર્યવાહી
ગાંધીનગરના ચિલોડા-હિંમતનગર હાઈવે પર શુક્રવારે વહેલી સવારે એક અત્યંત કરુણ અકસ્માત સર્જાયો હતો. ચંદ્રાલા ગામ પાસે આવેલી આગમન હોટલ સામેના રોડ પર એક કન્ટેનરના ચાલકે અચાનક બ્રેક મારતા પાછળ પૂરપાટ ઝડપે આવી રહેલી આઈસર ગાડી તેમાં ધડાકાભેર ઘૂસી ગઈ હતી. આ અકસ્માત એટલો જોરદાર હતો કે આઈસરના આગળના ભાગનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને કેબિનના ફુરચા ઉડી ગયા હતા.
હિમાચલ પ્રદેશના રહેવાસી 48 વર્ષીય સંદીપકુમાર પોતાની આઈસર ગાડી લઈને જઈ રહ્યા હતા ત્યારે આ કાળમુખો અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ ત્યાંથી પસાર થતા અન્ય ટ્રક ચાલકો અને ક્લીનર રાહુલ તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. સંદીપકુમારને ઈજાગ્રસ્ત હાલતમાં છાલા સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાં પ્રાથમિક સારવાર લીધા બાદ તેઓ પોતાની ગાડી પાસે ઘટનાસ્થળે પરત ફર્યા હતા, પરંતુ કદાચ કાળ તેમને આંબી જવા માંગતો હતો.
ઘટનાસ્થળે પરત આવ્યાના થોડી જ વારમાં સંદીપકુમારને પેટમાં અસહ્ય દુખાવો ઉપડ્યો હતો અને અચાનક ઉલટીઓ થવા લાગી હતી. આંતરિક ઈજાઓને કારણે તેમની હાલત કથળી હોય તેમ લાગતું હતું. તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી હતી, પરંતુ તબીબોએ તપાસતા તેમને મૃત જાહેર કર્યા હતા.
ચિલોડા પોલીસે આ મામલે ક્લીનર રાહુલકુમારની ફરિયાદ નોંધી છે અને કન્ટેનર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. હાઈવે પર અચાનક બ્રેક મારવાના કારણે સર્જાતા અકસ્માતોમાં આ એક વધુ કિસ્સો ઉમેરાયો છે, જેણે એક પરિવારનો મોભી છીનવી લીધો છે.