Loading Please Wait !!!
IPL 2026 નો ‘સુપર સેટરડે’: 220 રન અને સદી પણ જીતની ગેરંટી નથી, ક્રિકેટના નવા યુગની શરૂઆત

 

  • વૈભવ સૂર્યવંશીની 36 બોલમાં સદી અને કેએલ રાહુલના 150+ રન છતાં ટીમો હારી- 75% ઇનિંગ્સમાં 12 ઓવરમાં 100 રન પૂરા

  •  પંજાબ કિંગ્સનો ઇતિહાસનો સૌથી મોટો રન ચેઝ- અનકેપ્ડ ખેલાડીઓનો દબદબો; હૈદરાબાદે જયપુરમાં સર્જ્યો ચમત્કાર

  • બુમરાહ-કમિન્સ જેવા દિગ્ગજોને વૈભવે બતાવી તાકાત- કેએલ રાહુલે 150+ રન ફટકારી ટીકાકારોના મોઢા બંધ કર્યા

    ટી-20 ક્રિકેટના આધુનિક યુગમાં હવે કોઈ પણ સ્કોર સુરક્ષિત નથી. શનિવારે દિલ્હી અને જયપુરમાં રમાયેલી બે અલગ-અલગ મેચોએ સાબિત કરી દીધું છે કે 200 થી વધુ રન કે વ્યક્તિગત સદી પણ હવે જીતની ગેરંટી આપી શકતી નથી. IPL 2026 ની આ સિઝનમાં રનનો એવો વરસાદ થઈ રહ્યો છે કે 72 માંથી 31 ઇનિંગ્સમાં ટીમોએ 200 થી વધુનો સ્કોર ખડકી દીધો છે. દિલ્હી સામે પંજાબ કિંગ્સે ટી-20 ઇતિહાસનો સૌથી સફળ રન ચેઝ હાંસલ કર્યો, જ્યારે સનરાઇઝર્સ હૈદરાબાદે રાજસ્થાન રોયલ્સ સામે 220 થી વધુનો લક્ષ્યાંક પાર પાડીને અશક્યને શક્ય કરી બતાવ્યું.

    શનિવારની મેચોમાં બે અલગ-અલગ પેઢીના ખેલાડીઓનો જાદુ જોવા મળ્યો હતો. એક તરફ 34 વર્ષીય અનુભવી કેએલ રાહુલ હતો, જે 150+ રન બનાવનાર પ્રથમ ભારતીય બનીને ટીકાકારોને જડબાતોડ જવાબ આપ્યો હતો. રાહુલે 187.89 ના સ્ટ્રાઇક રેટથી રમીને સાબિત કર્યું કે તે હજુ પણ ફોર્મેટમાં શ્રેષ્ઠ છે. બીજી તરફ, 15 વર્ષનો ‘વંડર વર્લ્ડ’ ખેલાડી વૈભવ સૂર્યવંશી ક્રિકેટના ભવિષ્ય તરીકે ઉભરી આવ્યો છે. વૈભવે માત્ર 36 બોલમાં સદી ફટકારીને આશ્ચર્ય સર્જ્યું હતું. નોંધપાત્ર બાબત એ છે કે આ બંને સદી ફટકારનારા ખેલાડીઓની ટીમો મેચ હારી ગઈ હતી, જે કદાચ IPL ઇતિહાસમાં પ્રથમવાર બન્યું છે.

    વૈભવ સૂર્યવંશીએ પેટ કમિન્સ અને બુમરાહ જેવા વિશ્વના શ્રેષ્ઠ બોલરોને પણ પહેલા જ બોલથી નિશાન બનાવ્યા હતા. તેની નિર્ભય રમતનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેણે પોતાની સદી દરમિયાન 26 બાઉન્ડ્રી ફટકારી હતી, એટલે કે સરેરાશ દર 1.2 બોલે તેણે બોલને સીમારેખાની બહાર મોકલ્યો હતો. આ સિઝનમાં બેટિંગની આક્રમકતા એટલી વધી ગઈ છે કે 75 ટકા ઇનિંગ્સમાં ટીમોએ 12 ઓવર પહેલા જ 100 રન પૂરા કરી લીધા છે. વિરાટ કોહલી જેવા ટોપ ઓર્ડર બેટ્સમેનોની વિસ્ફોટક શરૂઆતથી ટીમોને મોટો ફાયદો મળી રહ્યો છે.

    આ સિઝનમાં ‘અનકેપ્ડ’ ખેલાડીઓ એટલે કે જેમણે આંતરરાષ્ટ્રીય મેચ રમી નથી, તેઓ ધૂમ મચાવી રહ્યા છે. પ્રભસિમરન અને પ્રિયાંશ જેવા બેટ્સમેનો પંજાબ માટે નીડર ક્રિકેટના નવા ધોરણો સ્થાપિત કરી રહ્યા છે. બોલિંગમાં પણ અંશુલ કંબોજ અને પ્રિન્સ જેવા યુવા પ્રતિભાઓ મોટા મોટા આંતરરાષ્ટ્રીય નામોને પાછળ છોડી રહ્યા છે. આ ખેલાડીઓએ બતાવ્યું છે કે જીતવા માટે આંતરરાષ્ટ્રીય અનુભવ કરતા ‘માઇન્ડસેટ’ વધુ મહત્વનું છે. યુવાનોની આ અજેય શ્રેણીને કારણે જ ઘણી ટીમો મુશ્કેલ લક્ષ્યાંકો પણ આસાનીથી પાર કરી રહી છે.

    વૈશ્વિક સ્તરે ટી-20 ફોર્મેટમાં આ ટ્રાન્ઝીશન ચર્ચાનો વિષય બન્યું છે. બોલરો માટે હવે પિચ પર બચવું મુશ્કેલ બન્યું છે કારણ કે બેટ્સમેનો દરેક બોલ પર હુમલો કરી રહ્યા છે. શનિવારની આ બે મેચોમાં કુલ 17.7 ઓવરમાં રેકોર્ડ 986 રન બન્યા હતા અને 59 છગ્ગાની રમઝટ બોલી હતી. જો રન રેટની વાત કરીએ તો તે 12.75 જેટલો ઊંચો રહ્યો હતો. ક્રિકેટના આ ઝડપી સ્વરૂપમાં હવે રક્ષણાત્મક રમત માટે કોઈ સ્થાન નથી, માત્ર આક્રમકતા જ વિજયની ચાવી બની રહી છે તે સ્પષ્ટ થઈ ગયું છે.