અયોધ્યા, મથુરા અને કાશીના મંદિરોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી!
- આઠથી સત્તાવીસ નવેમ્બર વચ્ચે ધમાકા કરવાની ઈ-મેલ દ્વારા ચેતવણી!
- સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર, તમામ ધાર્મિક સ્થળોએ સઘન ચેકિંગ!
- ખાલિસ્તાન નેશનલ આર્મીના નામે મોકલાયો ધમકીભર્યો ઈ-મેલ!
સિટી ન્યુઝ @ નવી દિલ્હી
ઉત્તર પ્રદેશના અયોધ્યા, મથુરા અને કાશી (વારાણસી) જેવા દેશના અત્યંત પ્રમુખ અને સંવેદનશીલ ધાર્મિક શહેરોના પ્રસિદ્ધ મંદિરોને બોમ્બથી ઉડાવી દેવાની ગંભીર ધમકી મળતા સુરક્ષા એજન્સીઓમાં ભારે દોડધામ મચી ગઈ છે અને સમગ્ર રાજ્યમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
મળતી માહિતી મુજબ, એક ધમકીભર્યા ઈ-મેલમાં આગામી ૮ નવેમ્બરથી ૨૭ નવેમ્બર વચ્ચે અને ખાસ કરીને દિવાળીના દિવસે સવારે મંદિરોમાં શ્રેણીબદ્ધ ધમાકા કરવાની ચેતવણી આપવામાં આવી છે.
મંદિરોની સાથોસાથ કેટલીક શાળાઓ તેમજ પ્રખ્યાત પંજાબી ગાયક દિલજીત દોસાંજ અને બોલિવૂડ અભિનેતા અમિતાભ બચ્ચન સાથે જોડાયેલા કાર્યક્રમોને પણ આઈઈડી (IED) ધમાકાથી ઉડાવી દેવાની ધમકી આ ઈ-મેલ દ્વારા આપવામાં આવી છે.
કથિત રીતે 'ખાલિસ્તાન નેશનલ આર્મી' નામના આતંકી સંગઠન સાથે આ ઈ-મેલ જોડાયેલો હોવાનો દાવો કરવામાં આવ્યો છે, જોકે ગુપ્તચર અને તપાસ એજન્સીઓ હાલમાં આ દાવાની સત્યતા ચકાસવા માટે કામે લાગી ગઈ છે.
ધમકી મળ્યાની સાથે જ અયોધ્યા રામ મંદિર, મથુરાના શ્રી કૃષ્ણ જન્મભૂમિ, બાંકે બિહારી મંદિર અને કાશી વિશ્વનાથ મંદિર સહિતના તમામ મુખ્ય ધાર્મિક સ્થળો તેમજ રેલવે સ્ટેશનો પર સુરક્ષા વ્યવસ્થા અત્યંત સઘન કરીને બોમ્બ ડિસ્પોઝલ અને ડોગ સ્કવોડ દ્વારા ચેકિંગ અભિયાન તેજ કરી દેવામાં આવ્યું છે.
ધાર્મિક સ્થળોની સુરક્ષા અને અસામાજિક તત્વોની નાપાક હરકતો
દેશના પવિત્ર ધાર્મિક સ્થળો અને સાંસ્કૃતિક કેન્દ્રો હંમેશાં શ્રદ્ધાળુઓની આસ્થાનું પ્રતીક રહ્યા છે, પરંતુ કેટલાક અસામાજિક કે આતંકવાદી તત્વો આવા સ્થળોને નિશાન બનાવીને સમાજમાં ભય અને અસંતોષ ફેલાવવાની કુચેષ્ટા કરતા હોય છે. સુરક્ષા એજન્સીઓની સતર્કતા, અદ્યતન ટેકનોલોજી અને ચુસ્ત બંદોબસ્ત આવા નાપાક મસૂબાઓને નિષ્ફળ બનાવવા માટે અત્યંત આવશ્યક સાબિત થતા હોય છે.