પૂજ્ય સુનીતાબાઈ સ્વામીની 50 મી સંયમ સુવર્ણ જયંતી
મનહર પ્લોટમાં વિશ્વ શાંતિ જપ અને ભક્તિ ગીતોથી ઉજવણી
સિટી ન્યૂઝ@રાજકોટ : 'સન્મતિ શિશુ' મધુરભાસી પૂજ્ય સુનીતાબાઈ સ્વામીના સંયમ જીવનના 50 વર્ષ પૂર્ણ થતા તેમની સંયમ સુવર્ણ જયંતી (દીક્ષા જયંતી) નો મંગલ પ્રવેશ થયો છે. 9 મે 2026, શનિવારના રોજ વૈશાખ વદ સાતમના પવિત્ર દિવસે રાજકોટના મનહર પ્લોટ-2 સ્થિત અતુલ્યા એપાર્ટમેન્ટ ખાતે તેમની 50 મી દીક્ષા જયંતીની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ગુરુભક્ત બકુલ શેઠ, જતીન, ચિરાગ અને ધ્વનિના આંગણે આ મંગલ અવસરની ભવ્ય ઉજવણી થઈ હતી.
આ મંગલ અવસરે મનહર પ્લોટ સંઘના શ્રાવક-શ્રાવિકાઓ તેમજ આત્મીય ગુરુભક્તો દ્વારા વિશ્વ શાંતિ જપ સાધના કરવામાં આવી હતી. આ ઉપરાંત સુમધુર ગુરુભક્તિ ગીતો દ્વારા પૂજ્ય સુનીતાબાઈ સ્વામી પ્રત્યે અહોભાવ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ગોંડલ સંપ્રદાયના પ્રમુખ સી. એમ. શેઠે વિશેષ ઉપસ્થિત રહીને ભાવપૂર્વક શુભેચ્છા પાઠવી હતી. તેમજ કલ્પેશ ગોડાએ શુભેચ્છાઓ પાઠવી હતી અને ભારતી ખોખાણીએ પોતાના સુમધુર કંઠે શુભેચ્છા ગીત રજૂ કર્યું હતું.
50 મી દીક્ષા જયંતીના આ ઐતિહાસિક અને પવિત્ર અવસરે ઉપસ્થિત રહેલા તમામ ગુરુભક્તોએ પૂજ્ય સુનીતાબાઈ સ્વામીના સંયમ જીવનની અનુમોદના કરી હતી. આ કાર્યક્રમમાં બકુલ શેઠ, કલ્પેશ ગોડા, દિવ્યા, સુનીલ, જુલી બદાણી, શિલ્પા રૂપાણી, ભારતી ખોખાણી અને ભાવેશ વૈદ સહિતના અનેક ગુરુભક્તોએ લાભ લીધો હતો અને વાતાવરણને ધાર્મિક તેમજ ભક્તિમય બનાવી દીધું હતું.