ગાંધીનગરમાં 'રમોત્સવ-2026' નો દબદબાભેર પ્રારંભ: હર્ષ સંઘવીએ મેદાન પર બેટિંગ કરી ચોગ્ગા-છગ્ગા ફટકાર્યા!
- સેક્ટર-11 રામકથા મેદાન ખેલદિલીથી ગુંજી ઉઠ્યું - 36-GNPL ક્રિકેટ સહિત મલ્ટી-સ્પોર્ટ્સ ઇવેન્ટનું ભવ્ય આયોજન
- ભાજપ અને સહાય ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે રમોત્સવનો પ્રારંભ - ધારાસભ્ય રીટાબેન પટેલની ઉપસ્થિતિમાં ખેલ મહાકુંભ.
- ચેસ, વોલીબોલ અને દોડ જેવી સ્પર્ધાઓમાં જામશે રસાકસી - સ્થાનિક પ્રતિભાઓને મળશે નવું પ્લેટફોર્મ
ગાંધીનગરના સેક્ટર-11 સ્થિત રામકથા મેદાન પર ગઈકાલે રાત્રે એક અલગ જ નજારો જોવા મળ્યો હતો. તકોની શોધમાં રહેતા યુવા ખેલાડીઓ માટે આયોજિત 'રમોત્સવ-2026'ના પ્રારંભે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પોતાની આક્રમક બેટિંગથી વાતાવરણમાં જોશ ભરી દીધો હતો. ગાંધીનગર ઉત્તર વિધાનસભા ભાજપ અને સહાય ફાઉન્ડેશન દ્વારા આયોજિત આ મલ્ટી-સ્પોર્ટ્સ ઇવેન્ટ આગામી દિવસોમાં શહેરના રમતપ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે.
ગૃહમંત્રીનો પ્રોફેશનલ અંદાજ કાર્યક્રમના ઉદ્ઘાટન બાદ જ્યારે રમત શરૂ કરવાની ક્ષણ આવી ત્યારે હર્ષ સંઘવી પોતે પિચ પર પહોંચી ગયા હતા. તેમણે કોઈ રીતસરના પ્રોફેશનલ ક્રિકેટરની જેમ બેટ પકડીને ફટકા લગાવ્યા હતા, જેને જોઈને મેદાનમાં હાજર હજારો યુવાનો 'હર્ષભાઈ.. હર્ષભાઈ'ના નારા લગાવવા માંડ્યા હતા. તેમની આ ખેલદિલીના વીડિયો અત્યારે સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યા છે. શહેર ભાજપ પ્રમુખ આશિષભાઈ દવે અને અન્ય પદાધિકારીઓએ પણ આ પ્રસંગે હાજર રહી ખેલાડીઓનું મનોબળ વધાર્યું હતું.
ક્રિકેટથી ચેસ સુધીની સ્પર્ધાઓ આ રમોત્સવમાં માત્ર ક્રિકેટ જ નહીં, પણ વિવિધ ક્ષેત્રના ખેલાડીઓને તક આપવામાં આવી છે. મુખ્ય આકર્ષણ 36-GNPL (Gandhinagar North Premier League) ક્રિકેટ ટુર્નામેન્ટ છે, પરંતુ સાથે જ વોલીબોલ, ચેસ અને દોડ જેવી એથ્લેટિક્સ સ્પર્ધાઓનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. ધારાસભ્ય રીટાબેન પટેલે જણાવ્યું કે ગાંધીનગરના યુવાનોમાં છુપાયેલી પ્રતિભાને બહાર લાવવા અને તેમને યોગ્ય પ્લેટફોર્મ આપવા માટે આ રમોત્સવ એક સેતુ સમાન સાબિત થશે. આગામી દિવસોમાં આ મેદાન પર રમતગમતનો રોમાંચ ચરમસીમાએ પહોંચશે.