કાજલ મહેરિયાના લગ્નનો ‘હાઈવોલ્ટેજ ડ્રામા’: પરિવારના આક્ષેપો સામે ગાયિકાએ તોડ્યું મૌન, કહ્યું- "મેં સંવિધાન મુજબ લગ્ન કર્યા છે"
-
દીકરીને લેવા ગયેલા 70 લોકોના ટોળાને સાસરી પક્ષે કાઢ્યા બહાર; ગાયિકાએ કહ્યું- "ધમકીઓ મળી રહી છે, હવે સીધી કાયદેસરની કાર્યવાહી થશે"
-
અલ્પેશ ઠાકોર સાથે દોઢ વર્ષથી હતો સંબંધ; પરિવારની મરજી ન હોવાથી લીધો મોટો નિર્ણય, પોલીસને મળ્યા લગ્નના પુરાવા
-
અડાલજ પોલીસ એક્શનમાં; સોશિયલ મીડિયા પર અભદ્ર ટિપ્પણી કરનારાઓ સામે ગાયિકાએ આપી લાલબત્તી
ગુજરાતની જાણીતી લોકગાયિકા કાજલ મહેરિયા હાલ તેના ગીતોના કારણે નહીં, પરંતુ તેના અંગત જીવનમાં સર્જાયેલા વિવાદને કારણે ચર્ચામાં છે. ગત ઓક્ટોબર ૨૦૨૫માં પરિવારની મરજી વિરુદ્ધ અલ્પેશ ઠાકોર સાથે કરેલા પ્રેમલગ્નનું સર્ટિફિકેટ સામે આવતા મહેરિયા પરિવારમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ વિવાદ હવે પોલીસ સ્ટેશનના ઉંબરે અને સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર પહોંચ્યો છે.
માતાના આક્ષેપો અને સાસરીમાં હોબાળો કાજલની માતા શારદાબેન મહેરિયાએ સોશિયલ મીડિયા પર ભાવુક વીડિયો જાહેર કરી આક્ષેપ કર્યો છે કે, છોકરાનો પરિવાર માત્ર પૈસા માટે તેમની દીકરીને ઉશ્કેરી રહ્યો છે. જ્યારે પરિવારના ૭૦ જેટલા લોકો કાજલને પરત લેવા માટે શેરથા (સાંસરી) પહોંચ્યા ત્યારે તેમને અપમાનિત કરીને કાઢી મૂકવામાં આવ્યા હતા. આ દરમિયાન પરિસ્થિતિ તંગ બનતા અડાલજ પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.
કાજલ મહેરિયાની સ્પષ્ટતા લાંબા મૌન બાદ આજે ૨૧ એપ્રિલે કાજલે વીડિયો સંદેશ દ્વારા પોતાનો પક્ષ રજૂ કર્યો છે. તેણે જણાવ્યું કે, "મેં કોઈ પણ દબાણ વગર, પૂરી સ્વસ્થ અવસ્થામાં અને ભારતીય સંવિધાન મુજબ લગ્ન કર્યા છે. અલ્પેશ સાથે મારો દોઢ વર્ષથી સંબંધ હતો અને મેં પરિવારને જાણ કરી હતી, પણ મંજૂરી ન મળતા મારે આ નિર્ણય લેવો પડ્યો." કાજલે વધુમાં ઉમેર્યું કે તે સનાતન ધર્મમાં જ માને છે અને ધર્મ પરિવર્તનનો સવાલ જ ઊભો થતો નથી.
કાયદેસરની લડાઈના સંકેત કાજલે આક્ષેપ કર્યો છે કે તેને અને તેના સાસરિયાઓને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. જો સોશિયલ મીડિયા પર તેના વિશે અભદ્ર ટિપ્પણીઓ થશે તો તે ન્યાયતંત્રની મદદ લેશે. બીજી તરફ, પોલીસ તપાસમાં લગ્નનું સર્ટિફિકેટ કાયદેસર હોવાનું જાણવા મળ્યું છે. વિવાદો વચ્ચે પણ કાજલના આગામી પ્રોગ્રામો યથાવત છે અને તે ટૂંક સમયમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જવાની છે.