Loading Please Wait !!!
યુરોપમાં ભીષણ ગરમીથી 35,000 લોકોના મોત: નદીઓ સુકાઈ અને જંગલોમાં લાગી આગ

 

  • યુરોપિયન કમિશનના અધ્યક્ષ ઉર્સુલા વોન ડેર લેયેને નવી હીટવેવ યોજનાની કરી ઘોષણા 

  • આગના સૌથી વધુ ખતરાવાળા 100 વિસ્તારોની ઓળખ કરીને સુરક્ષા વધારાશે

  • ઇટાલીના સિસિલીમાં તાપમાન 46.5 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું હતું

સિટી ન્યુઝ @ યુરોપ

યુરોપમાં આ વર્ષે પડેલી ભીષણ ગરમીએ વ્યાપક તબાહી મચાવી છે, જેમાં હીટવેવના કારણે લગભગ ૩૫ હજાર લોકોનાં મોત થયા છે, જ્યારે ડેન્યુબ અને રાઈન જેવી મોટી નદીઓ સુકાઈ ગઈ છે અને જંગલોમાં ભયાનક આગ લાગવાથી ૬.૬૦ લાખ હેક્ટર જમીન બળીને ખાખ થઈ ગઈ છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને યુરોપિયન યુનિયન (EU) હવે ગરમીને પણ મોટી કુદરતી આપત્તિ ગણીને તેનો સામનો કરવા માટે એક નવી સિસ્ટમ અને હીટવેવ યોજના બનાવવાની તૈયારી કરી રહ્યું છે. યુરોપિયન કમિશનના અધ્યક્ષ ઉર્સુલા વોન ડેર લેયેને સંસદમાં જણાવ્યું હતું કે આ વર્ષની ગરમીએ મોટો પાઠ શીખવ્યો છે અને આગામી સમયમાં જોખમી ૧૦0 વિસ્તારોની ઓળખ કરીને ફાયરફાઇટિંગ અને રાહત વ્યવસ્થાને વધુ વિશાળ બનાવવામાં આવશે.

વર્લ્ડ વેધર એટ્રિબ્યુશનના અભ્યાસ મુજબ, આબોહવા પરિવર્તનને કારણે યુરોપ દુનિયાની સરેરાશ ગતિ કરતા લગભગ બમણી ઝડપથી ગરમ થઈ રહ્યું છે. આ વર્ષે ઇટાલીના સિસિલીમાં તાપમાન ૪૬.૫ ડિગ્રી અને ફ્રાન્સ તથા સ્પેનમાં પણ ૪૨ ડિગ્રીથી ઉપર નોંધાયું હતું. આર્કટિકની નિકટતા, જમીનની ભૌગોલિક સ્થિતિ અને પવનની બદલાતી પેટર્નને કારણે હીટવેવ વધુ તીવ્ર બની છે. સંસદમાં આ ગરમી સામે લડતા દરમિયાન જીવ ગુમાવનાર ડેનમાર્કના હેલિકોપ્ટર પાયલટ રૂને કિંડલને પણ શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

આબોહવા પરિવર્તન અને વૈશ્વિક ચિંતા

વૈશ્વિક તાપમાનમાં થઈ રહેલો વધારો અને આ પ્રકારની આત્યંતિક આબોહવાકીય ઘટનાઓ માનવ જીવન, પર્યાવરણ અને અર્થવ્યવસ્થા સામે સૌથી મોટા પડકારો ઊભા કરી રહી છે, જેના માટે આંતરરાષ્ટ્રીય સ્તરે નક્કર નીતિઓ અપનાવવી અનિવાર્ય છે.