હૂતીઓએ સ્થાનિક મિસાઈલથી સાઉદી અરેબિયાનું F-15 ફાઇટર જેટ તોડી પાડ્યું
-
યમનની સશસ્ત્ર સેનાએ સત્તાવાર નિવેદન જાહેર કરીને કર્યો મોટો દાવો
-
વીડિયો ફૂટેજમાં વિમાનના કાટમાળ પર સાઉદી ધ્વજ અને અરબી લખાણ નજરે પડ્યું
-
સાઉદી 'વિંગ લૂંગ 2' સશસ્ત્ર તોહી સૈન્ય ડ્રોનને પણ આકાશમાં તોડી પાડ્યું
સિટી ન્યુઝ @ સના/રિયાધ
યમનના મારબ પ્રાંતમાં હૂતી વિદ્રોહીઓએ સાઉદી અરેબિયાનું એક F-15 ફાઈટર જેટ તોડી પાડ્યાનો દાવો કર્યો છે. હૂતીઓના જણાવ્યા અનુસાર, આ યુદ્ધવિમાન મારબના આકાશમાં કાર્યવાહી કરી રહ્યું હતું ત્યારે તેને સ્થાનિક સ્તરે નિર્મિત મિસાઈલ દ્વારા નિશાન બનાવાયું હતું. આ ઘટના એવા સમયે સામે આવી છે જ્યારે સાઉદી અરેબિયા દ્વારા યમનમાં હવાઈ હુમલાઓનું પ્રમાણ વધારવામાં આવ્યું છે. હૂતી સમર્થિત મીડિયા દ્વારા આ ઘટનાના ફૂટેજ પણ જાહેર કરાયા છે, જેમાં વિમાનના કાટમાળ અને પૂંછડી પર સાઉદી ધ્વજ તથા અરબી લખાણ જોઈ શકાય છે. આ સાથે જ હૂતીઓએ એક સાઉદી 'વિંગ લૂંગ 2' સશસ્ત્ર સૈન્ય ડ્રોનને પણ તોડી પાડ્યાનો દાવો કર્યો છે.
આ સશસ્ત્ર સંઘર્ષની સીધી અસર વૈશ્વિક ઊર્જા બજાર અને દરિયાઈ માર્ગો પર પડી રહી છે. પર્શિયન ગલ્ફ તથા સ્ટ્રેટ ઓફ હોરમુઝમાં શિપિંગ પ્રવૃત્તિઓ પહેલેથી જ પ્રભાવિત છે, અને તાજેતરના આવા હવાઈ સંઘર્ષોને કારણે વૈશ્વિક સ્તરે તેલ પુરવઠા સામે ગંભીર જોખમ ઊભું થયું છે, જે વૈશ્વિક અર્થવ્યવસ્થા પર મોટું દબાણ સર્જી રહ્યું છે.
પ્રાદેશિક સંઘર્ષ અને વૈશ્વિક અસરો
મધ્ય પૂર્વમાં વધી રહેલા આ સૈન્ય તણાવ અને હવાઈ હુમલાઓ માત્ર સ્થાનિક સુરક્ષા જ નહીં, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે ઊર્જા સુરક્ષા અને વેપાર માર્ગો માટે પણ ચિંતાનો વિષય બન્યા છે.