IPO માર્કેટમાં સપ્ટેમ્બરમાં ધમાકો: કંપનીઓ રૂ. 20,000 થી 25,000 કરોડ એકત્ર કરશે
-
સપ્ટેમ્બર મહિનામાં વિવિધ સેક્ટરની કંપનીઓ દ્વારા રૂ. 25,000 કરોડ સુધીનું ફંડ ઊભું કરાશે
-
સેબીની મંજૂરીની સમયસીમા પૂર્ણ થતી હોવાથી 25 જેટલી કંપનીઓ બજારમાં ઉતરશે
-
અગાઉ અનિશ્ચિતતાના કારણે અટકેલા આઈપીઓ હવે સુધરેલા માહોલમાં ઝડપથી લોન્ચ થશે
સિટી ન્યુઝ @ નવી દિલ્હી
ભારતના પ્રાયમરી માર્કેટ એટલે કે IPO માર્કેટ માટે સપ્ટેમ્બર મહિનો અત્યંત ધમાકેદાર અને સક્રિય રહેવાની પૂરેપૂરી શક્યતા છે. દેશની અગ્રણી કંપનીઓ આ એક જ મહિના દરમિયાન આઈપીઓ મારફતે અંદાજે રૂ. 20,000 થી 25,000 કરોડ એકત્ર કરવાની તૈયારીઓ કરી રહી છે. અગાઉ શેરબજારની અસ્થિરતાને કારણે વિલંબમાં પડેલા આઈપીઓ હવે માર્કેટ સેન્ટિમેન્ટ સુધરતાં લોન્ચ થઈ રહ્યા છે.
મૂડીબજાર નિયામક સેબીની મંજૂરીની સમયસીમા પૂર્ણ થઈ રહી હોવાથી લગભગ 25 જેટલી કંપનીઓ સપ્ટેમ્બરના અંત પહેલાં પોતાના પબ્લિક ઈશ્યૂ મૂકવા માટે સક્રિય બની છે. આ લિસ્ટમાં નાની, મધ્યમ અને મોટી એમ દરેક કદની કંપનીઓ સામેલ છે. તે પૈકીની ઘણી કંપનીઓ રૂ. 500 કરોડથી વધુ રકમનું ભંડોળ એકત્ર કરવાનું લક્ષ્ય ધરાવે છે.
અગાઉ એપ્રિલ મહિનામાં સેબીએ તે તમામ કંપનીઓને ખાસ રાહત આપી હતી જેમના આઈપીઓ મંજૂરીની મુદત એપ્રિલથી સપ્ટેમ્બર 2026 વચ્ચે પૂર્ણ થતી હતી. વૈશ્વિક પરિસ્થિતિઓ અને બજારની અનિશ્ચિતતાને પગલે સેબીએ તેમને 30 સપ્ટેમ્બર સુધીનો સમય આપ્યો હતો. હવે જો આ કંપનીઓ 30 સપ્ટેમ્બર પહેલાં IPO નહીં લાવે તો તેમણે ફરીથી સંપૂર્ણ પ્રક્રિયા કરી નવી મંજૂરી મેળવવી પડશે.
જેએમ ફાઇનાન્શિયલના ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ વિભાગના એમડી અને સીઇઓ સોનિયા દાસગુપ્તાના જણાવ્યા અનુસાર વર્ષના પ્રથમ 6 મહિનામાં રોકાણકારો અને કંપનીઓમાં જોવા મળતો સાવચેતીનો માહોલ હવે દૂર થયો છે. તાજેતરમાં લિસ્ટ થયેલા આઈપીઓના શ્રેષ્ઠ દેખાવને કારણે કંપનીઓ ઉત્સાહપૂર્વક મૂડીબજારમાં પ્રવેશી રહી છે.
નિષ્ણાતોના મતે સપ્ટેમ્બરમાં આવી રહેલો આઈપીઓનો ઉભરો ભારતીય અર્થતંત્ર અને મૂડીબજારની મજબૂતી દર્શાવે છે. રોકાણકારો માટે આગામી દિવસોમાં વિવિધ ક્ષેત્રોમાં રોકાણ કરવા માટે ઉત્તમ તકો ઉપલબ્ધ બનશે અને પ્રાયમરી માર્કેટમાં મોટો આર્થિક સળવળાટ જોવા મળશે.
IPO માર્કેટમાં ધમાકેદાર તેજીના એંધાણ
સપ્ટેમ્બર મહિનામાં દેશની આશરે 25 કંપનીઓ IPO મારફતે રૂ. 20,000 થી 25,000 કરોડ એકત્ર કરવાની તૈયારી કરી રહી છે. સેબી દ્વારા આપવામાં આવેલી રાહતની મુદત 30 સપ્ટેમ્બર 2026 ના રોજ પૂર્ણ થતી હોવાથી કંપનીઓ ઝડપથી બજારમાં ઉતરી રહી છે. સુધરેલા માર્કેટ સેન્ટિમેન્ટના કારણે રોકાણકારોને નવી તકો મળશે.