Loading Please Wait !!!
"પત્રકાર કે શૂટર? ગાંધીનગરમાં નાણાકીય લેતીદેતીમાં પત્રકાર પક્ષે ચલાવી ગોળીઓ, એક યુવક લોહીલુહાણ

  • ઉનાવાના જીતુ રાઠોડ અને હિતેશ રબારીએ મચાવ્યો આતંક - ભરચક સર્કલ પર દિવસે-દહાડે ફાયરિંગથી ફફડાટ
  • પત્રકાર જીતુ રાઠોડ રબારી શખ્સને લઈને ઉઘરાણી કરવા આવ્યો ને મામલો બિચક્યો - સેક્ટર-7 પોલીસ ઘટનાસ્થળે
  • એસપી અને ડીવાયએસપી સહિતનો કાફલો દોડ્યો - ઈજાગ્રસ્ત યુવક સિવિલમાં જિંદગી અને મરણ વચ્ચે ઝોલા ખાય છે

ગુજરાતના પાટનગર ગાંધીનગરના સૌથી વ્યસ્ત ગણાતા ગ-2 સર્કલ પાસે આજે ધોળે દિવસે થયેલા ફાયરિંગથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. નાણાકીય લેતીદેતીના વિવાદમાં એક પત્રકાર અને તેના સાથીદારે સામે પક્ષના યુવક પર બે રાઉન્ડ ગોળીબાર કરતા વાતાવરણ તંગ બની ગયું હતું. આ હિંસક અથડામણમાં પ્રદીપ જાડેજા નામના યુવકને પેટના ભાગે ગંભીર ઈજા થતા તેને તાત્કાલિક લોહીલુહાણ હાલતમાં સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

પોલીસ તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ, આ સમગ્ર વિવાદ પ્લોટના સોદામાં નીકળતા 20 લાખ રૂપિયાની ઉઘરાણીને લઈને શરૂ થયો હતો. ઉનાવા ગામનો જીતુ રાઠોડ નામનો પત્રકાર, હિતેશ રબારી નામના શખ્સને લઈને પ્રદીપ જાડેજા પાસે ઉઘરાણી કરવા માટે ગાંધીનગર આવ્યો હતો. ગ-2 સર્કલ પાસે બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. વાત એટલી વણસી હતી કે ઉશ્કેરાટમાં આવીને હિતેશ રબારીએ પોતાની પાસે રહેલા હથિયારમાંથી બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જેમાંથી એક ગોળી પ્રદીપના પેટમાં આરપાર નીકળી ગઈ હતી.

ઘટનાની જાણ થતા જ જિલ્લા પોલીસ વડા (SP), ડીવાયએસપી અને સેક્ટર-7 પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. રસ્તા પર લોહીના ડાઘ અને ફૂટેલી ગોળીઓના ખોખા જોઈ રાહદારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. સેક્ટર-7 પીઆઈ બી. બી. ગોયલે જણાવ્યું હતું કે, પત્રકાર જીતુ રાઠોડની હાજરીમાં હિતેશ રબારીએ ફાયરિંગ કર્યું હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે. હાલમાં પોલીસે આરોપીઓને ઝડપી લેવા માટે નાકાબંધી કરી છે અને સીસીટીવી ફૂટેજ ચકાસવાની કામગીરી હાથ ધરી છે.

ઈજાગ્રસ્ત પ્રદીપ જાડેજાની હાલત નાજુક હોવાનું તબીબો જણાવી રહ્યા છે. પાટનગરના હાર્દ સમાન વિસ્તારમાં અને તે પણ પોલીસ સ્ટેશનની નજીકના વિસ્તારોમાં આ રીતે પત્રકારના નામે ઓળખ આપતા શખ્સો દ્વારા થયેલા હુમલાએ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે.