Loading Please Wait !!!
મંગળ પર ખડકો નીચે છુપાયેલા બરફના ગ્લેશીયર મળ્યા!

  • 738 ક્રેટર્સની તપાસમાં 29 રચનાઓ સામે આવી છે!
  • 3 કિમી ફેલાયેલા અને 209 મીટર ઊંચા ગ્લેશીયર!
  • ભવિષ્યના અવકાશયાત્રીઓ માટે પાણીનો મોટો સ્ત્રોત બની શકે!

    સિટી ન્યુઝ @ નવી દિલ્હી

    ધરતીથી લગભગ 22.5 કરોડ કિલોમીટર દૂર આવેલા મંગળ ગ્રહ પર ઈન્ટરનેશનલ રિસર્ચની ટીમે ખડકો નીચે છુપાયેલા પ્રાચીન બરફના વિશાળ ગ્લેશીયર હોવાની સંભાવના સાથે 29 અજબ રચનાઓની ઓળખ કરી છે, જે શોધ મંગળના ઉત્તરી ગોળાર્ધમાં આવેલા અલ્બા મોન્સ જ્વાળામુખી આસપાસ કરવામાં આવી છે.

    અર્થ એન્ડ પ્લેનેટરી સાયન્સ લેટર્સ જર્નલમાં પ્રકાશિત અભ્યાસ મુજબ ટીમે કુલ 738 ક્રેટર્સની તપાસ કરી હતી, જેમાંથી 29 જગ્યાએ 3 કિલોમીટર સુધી ફેલાયેલા અને 209 મીટર ઊંચા ગ્લેશીયર મળ્યા છે, અને જો આ બરફ સુરક્ષિત સાબિત થાય તો ભવિષ્યમાં મંગળ પર જનારા એસ્ટ્રોનોટ્સ માટે તે પાણીનો સ્ત્રોત બની શકે છે.

    મંગળ ગ્રહનું વાયુમંડળ આજે એટલું પાતળું અને ઠંડું છે કે ત્યાં પ્રવાહી પાણીનું ટકવું મુશ્કેલ છે, છતાં ધ્રુવીય વિસ્તારોમાં સપાટી પર બરફ મોજૂદ છે અને ઉપરના પડ નીચે પણ બરફ છવાયેલો હોવાના અનુમાન વચ્ચે સંશોધકોએ નાસાના માર્સ રિકોનિસેન્સ ઓર્બિટર અને યુરોપીય અંતરિક્ષ એજન્સીના એકસોમાર્સ ગેસ ઓર્બિટરની તસવીરોનો ઉપયોગ કર્યો છે.

    ટીમે અલ્બા મોન્સ વિસ્તારમાં 738 ક્રેટર્સની તપાસ કરીને સેટેલાઈટ તસવીરો દ્વારા 3D મેપ બનાવ્યા અને કોમ્પ્યુટર મોડલિંગથી ગ્લેશીયર બનવાની પ્રક્રિયા સમજી હતી, તેમજ તુલના માટે પૃથ્વી પર આઈસલેન્ડની બર્ફીલી રચનાઓનો અભ્યાસ કર્યો છે જે મંગળના જૂના જલવાયુને સમજવામાં મદદરૂપ બની શકે છે.

    પોતાની ધુરી પર મંગળનો ઝુકાવ બદલવાથી ત્યાંના તાપમાન અને બરફ ખસવાની પેટર્નમાં ફેરફાર થતો રહ્યો છે અને કોમ્પ્યુટર મોડેલ મુજબ આ ગ્લેશીયર હાલના ઠંડા સમયગાળાનો બચેલો ભાગ છે, જેથી ભવિષ્યમાં માણસના પગલાં માટે બરફ અને તેની ઉપર જામેલા કાટમાળની જાણકારી અત્યંત જરૂરી છે.

    અવકાશ સંશોધન અને ભવિષ્યના મિશન માટે જળ સંસાધન

    મંગળ ગ્રહ પર છુપાયેલા બરફના સ્ત્રોતોની ઓળખ ભવિષ્યના અવકાશ અભિયાનો માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. ઉપગ્રહ તસવીરો, 3D મેપિંગ અને કોમ્પ્યુટર મોડલિંગ દ્વારા થતા સંશોધનો દૂરના ગ્રહોના જલવાયુ અને સંસાધનોને સમજવામાં નવી દિશા આપે છે.