Loading Please Wait !!!
રાજકોટમાં હાંડા ગેંગ સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો!

  • 15 શખ્સોએ 10 વર્ષમાં 50 ગંભીર ગુના આચર્યા!
  • ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહી, 14 ઝડપાયા અને 1 કબ્જે!
  • ડ્રગ પેડલર સુધા ધામેલિયા સહિત 15 સામે પગલાં!

    સિટી ન્યુઝ @ રાજકોટ 

    રાજકોટની કુખ્યાત હાંડા ગેંગ સામે શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગુજસીટોક હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં ભવદિપ ઉર્ફે યશ ઉર્ફે હાંડો ડાભી સહિત 15 આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરીને 14 આરોપીની ધરપકડ કરાઈ છે તથા જેલમાં બંધ 1 આરોપીનો કબ્જો મેળવી આગળની તપાસ ACP પશ્ચિમને સોંપવામાં આવી છે.

    ક્રાઇમ DCP જગદીશ બાંગરવાના જણાવ્યા મુજબ આ ગેંગના 15 સભ્યો વિરુદ્ધ છેલ્લા 10 વર્ષમાં હત્યા, હત્યાની કોશિશ, મારામારી, રાયોટિંગ, આર્મ્સ એક્ટ, લૂંટ અને NDPS સહિત કુલ 50 ગુના નોંધાયા છે, જેમાં મહિલા ડ્રગ પેડલર સુધા ધામેલિયાનો પણ સમાવેશ થાય છે.

    ક્રાઇમ બ્રાન્ચે ભવદિપ ઉર્ફે યશ ઉર્ફે હાંડો ડાભી, રોહિત ઉર્ફે પિયુષ ડાભી, ધર્મેશ ઉર્ફે ધમો ડાભી, ઋષિક ઉર્ફે ઋત્વિક ડાભી, સુધા ધામેલિયા, મયુર ધામેલિયા, વિશાલ ગોહિલ, શક્તિ રાઠોડ, વિપુલ બગથરીયા, રાજ કાપડી, હિતેશ ધામેલિયા, વિનય ઉકેડીયા, સચિન વોરા, આકાશ વારગીયા અને મિત ખગ્રામ સામે કાર્યવાહી કરી છે.

    આરોપીઓના 10 વર્ષના ગુનાહિત ઇતિહાસમાં વિપુલ બગથરીયા સામે 12, રોહિત ડાભી સામે 9, ભવદિપ ડાભી સામે 8, હિતેશ ધામેલિયા સામે 7, વિનય ઉકેડીયા સામે 6 તથા ધર્મેશ ડાભી, સુધા ધામેલિયા, મયુર ધામેલિયા અને મિત ખગ્રામ સામે 5-5 ગુના નોંધાયા છે, જ્યારે ગેરકાયદે મિલકતો ટાંચમાં લેવા અને અનધિકૃત બાંધકામ તોડવાની કાર્યવાહી પણ કરાશે.

    ગુજસીટોક કાયદા હેઠળ રાજકોટમાં અત્યાર સુધીમાં કુલ 12 ગુના નોંધાયા છે જેમાંથી 10 ગુના છેલ્લા 1 વર્ષમાં નોંધાયા છે, જેમાં 10 ગેંગના કુલ 128 શખ્સો સામે કાર્યવાહી થઈ છે અને અન્ય 2 ગેંગ સામે ગુનો દાખલ કરવાની તૈયારી ચાલી રહી છે.

    સંગઠિત ગુનાખોરી સામે કડક કાયદાકીય કાર્યવાહી

    સંગઠિત ગુનાખોરી, ડ્રગ્સ અને હિંસક પ્રવૃત્તિઓ પર અંકુશ મેળવવા માટે કડક કાયદાકીય જોગવાઈઓનો અમલ અત્યંત મહત્વપૂર્ણ છે. આરોપીઓની ધરપકડની સાથે ગેરકાયદે મિલકતો પર કાર્યવાહી ગુનાહિત નેટવર્કને નબળું પાડવામાં મદદરૂપ બને છે.