અમેરિકા અને ઈરાન ફરી એકવાર સૈન્ય મોરચે સામ-સામે!
- બહેરીનમાં અમેરિકન રડાર સિસ્ટમ પર ઈરાનનો હુમલો!
- ઈરાનના કેશમ દ્વીપ પર અમેરિકાના હવાઈ પ્રહાર!
- હોર્મુઝની ખાડીમાં જહાજો પર હુમલાથી ક્રૂડ ઓઈલ ઉછળ્યું!
સિટી ન્યુઝ @ આંતરરાષ્ટ્રીય
મધ્ય પૂર્વમાં લાંબા સમયથી ચાલી રહેલા સંઘર્ષને ખતમ કરવાના કૂટનીતિક પ્રયાસો વચ્ચે અમેરિકા અને ઈરાન ફરી એકવાર સૈન્ય મોરચે આમને-સામને આવી ગયા છે, જેના કારણે વૈશ્વિક સ્તરે ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
બહેરીનમાં અમેરિકન સૈન્ય રડાર સિસ્ટમ પર ઈરાન દ્વારા હુમલો કરવામાં આવ્યાના દાવા બાદ, અમેરિકાએ વળતો પ્રહાર કરીને હોર્મુઝ સ્થિત ઈરાનના કેશમ દ્વીપ પર આવેલી મિસાઈલ લોન્ચ સાઈટને હવાઈ હુમલાથી નિશાન બનાવી હતી.
આ સૈન્ય ટકરાવ વચ્ચે હોર્મુઝ જળડમરુમધ્યમાં ઓમાનના તટીય વિસ્તાર પાસે ટેન્કરો અને જહાજો પર હુમલાની ઘટનાઓ બનતા ક્રૂ મેમ્બર્સ લાપતા થયા છે અને આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડની કિંમતમાં પણ ઉછાળો જોવા મળ્યો છે.
અગાઉના હુમલાઓ અને ઈરાનના આંશિક અવરોધને કારણે વૈશ્વિક તેલ અને એલએનજી પુરવઠો પ્રભાવિત થયો છે, જેને અટકાવવા માટે હવે કતર અને ઓમાન જેવા દેશો સક્રિય થઈને કૂટનીતિક બેઠકો યોજી રહ્યા છે.
ઈરાન અને કતરના અધિકારીઓ વચ્ચે યુદ્ધ સમાપ્તિના પ્રસ્તાવો પર ચર્ચા ચાલી રહી છે, જ્યારે ઈરાનના વિદેશ મંત્રીએ પણ ઓમાન પહોંચીને સમુદ્રી સુરક્ષા અને વ્યાપારિક ગતિવિધિઓ અંગે મહત્વપૂર્ણ ચર્ચા કરી છે.
મધ્ય પૂર્વનું સંઘર્ષ અને વૈશ્વિક ઉર્જા સુરક્ષા
મધ્ય પૂર્વના જળમાર્ગો અને હોર્મુઝની ખાડી વિશ્વના ઉર્જા વેપાર માટે અત્યંત સંવેદનશીલ ધરી સમાન છે. અહીં સર્જાતા સૈન્ય તણાવ અને યુદ્ધની પરિસ્થિતિ વૈશ્વિક અર્થવ્યવસ્થા અને ક્રૂડ ઓઈલની કિંમતો પર સીધી અસર કરતી હોય છે.