સરગમ ક્લબનો ફ્રી જયપુર ફૂટ કેમ્પ
- સરગમ ક્લબ અને લંડનના ઠકરાર પરિવારના સહયોગથી આયોજન
- 3 દિવસના કેમ્પમાં 80 દર્દીઓને વિનામૂલ્યે કૃત્રિમ પગ અપાયા
- આગામી નવો કેમ્પ હવે 1 જૂનના રોજ 3 દિવસ માટે યોજાશે
સિટી ન્યૂઝ@રાજકોટ : સાંસ્કૃતિક, સામાજિક અને તબીબી ક્ષેત્રે અગ્રેસર સરગમ ક્લબ દ્વારા શહેરમાં દિવ્યાંગો માટે વધુ એક ઉત્તમ સેવા પ્રવૃત્તિ કરવામાં આવી છે. સરગમ ક્લબ અને લંડન નિવાસી મંજુલા ઠકરારના સંયુક્ત ઉપક્રમે 1 મે થી 3 મે 2026 દરમિયાન ત્રિ-દિવસીય ફ્રી જયપુર ફૂટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં કુલ 80 જેટલા જરૂરિયાતમંદ દર્દીઓએ વિનામૂલ્યે સેવાનો લાભ લીધો હતો.
સરગમ ક્લબના પ્રમુખ ગુણવંત ડેલાવાળાના જણાવ્યા અનુસાર, આ 3 દિવસના કેમ્પમાં 34 દર્દીઓને કેલિપર્સ, 32 દર્દીઓને કૃત્રિમ પગ અને 14 દર્દીઓને રિપેરિંગની સેવા વિનામૂલ્યે પૂરી પાડવામાં આવી હતી. રાજસ્થાનથી આવેલા નિષ્ણાત ડોક્ટરો જગનલાલ ચૌધરી, હેમંત શર્મા અને તુફાનસિંહ તોમરે દર્દીઓને તપાસીને કૃત્રિમ અંગો બેસાડવાની સેવા આપી હતી. કેમ્પમાં આવનારા તમામ દર્દીઓ માટે ચા-પાણીની નિશુલ્ક વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી હતી.
આ સેવાકીય કેમ્પમાં લંડનના મંજુલા ઠકરાર, જયુ ઠકરાર અને શિલ્પા ઠકરાર પરિવારનો મુખ્ય આર્થિક સહયોગ મળ્યો હતો. કેમ્પને સફળ બનાવવા કમાણી ફાઉન્ડેશનના માર્ગદર્શન હેઠળ દીપક કમાણી, રશ્મિ કમાણી, કિશોર પરમાર, જે. કે. સરાઠે, કનૈયાલાલ ગજેરા, મધુરીકા જાડેજા, કૈલાશ વાળા, સુધા દોશી, જયશ્રી વ્યાસ, હર્ષા પીઠડીયા, આશા ભૂછડા અને ભાવના મહેતા સહિતની કમિટીએ ભારે જહેમત ઉઠાવી હતી.
દિવ્યાંગોની મુશ્કેલી સમજીને લંડન નિવાસી દાતા મંજુલા ઠકરાર દ્વારા એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે કે, હવેથી દર વર્ષે 1 મેના રોજ આ ફ્રી જયપુર ફૂટ કેમ્પ યોજવામાં આવશે. આ ઉપરાંત, દર્દીઓની જરૂરિયાતને જોતા આગામી નવો કેમ્પ તારીખ 1 જૂન 2026 ના રોજ 3 દિવસ માટે યોજવાનું સત્તાવાર આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વધુ લાભાર્થીઓને કૃત્રિમ અંગોની ભેટ આપવામાં આવશે.