ધુરંધર ફિલ્મનું સંગીત ગ્રેમી એવોર્ડ્સમાં મોકલાયું
-
રણવીર સિંહ અભિનીત ફિલ્મની વૈશ્વિક સફળતા
-
આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિષ્ઠિત ગ્રેમીમાં સંગીત રજૂ
-
ટી-સીરીઝ અને સ્ટુડિયોઝ દ્વારા સત્તાવાર જાહેરાત
સિટી ન્યુઝ @ મુંબઈ
આદિત્ય ધરના નિર્દેશન હેઠળ બનેલી અને બોલિવૂડ સુપરસ્ટાર રણવીર સિંહ અભિનીત ધમાકેદાર ફિલ્મ 'ધુરંધરઃ ધ રિવેન્જ' એ ભારતીય બોક્સ ઓફિસ પર સફળતાનાં ધ્વજ ફરકાવ્યા બાદ હવે વૈશ્વિક મંચ પર પણ પોતાની મજબૂત છાપ છોડી છે. દેશભરનાં સિનેમાઘરોમાં જંગી કમાણી કરનાર આ એક્શન-થ્રિલર ફિલ્મનાં સંગીતને વિશ્વભરમાં ખૂબ જ પ્રશંસા મળી રહી છે. જાણીતી મ્યુઝિક કંપની ટી-સીરીઝ અને B62 સ્ટુડિયોઝ દ્વારા અધિકૃત રીતે આ જાહેરાત કરવામાં આવી છે કે ફિલ્મનાં આખા મ્યુઝિક આલ્બમને આંતરરાષ્ટ્રીય સ્તરે અત્યંત પ્રતિષ્ઠિત ગણાતાં ગ્રેમી એવોર્ડ્સની સ્પર્ધામાં મોકલવામાં આવ્યું છે.
ટી-સીરીઝ અને B62 સ્ટુડિયોઝ દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો અનુસાર, આ ફિલ્મનાં પ્રતિભાશાળી મ્યુઝિક ડિરેક્ટર શાશ્વત સચદેવને 'વિઝ્યુઅલ મીડિયા માટે શ્રેષ્ઠ સંકલન સાઉન્ડટ્રેક' શ્રેણીમાં નામાંકિત કરવામાં આવ્યાં છે. આ ઉપરાંત, પ્રેક્ષકોમાં અત્યંત લોકપ્રિય થયેલાં ગીત 'ફિર સે'ને 'વિઝ્યુઅલ મીડિયા માટે લખાયેલા શ્રેષ્ઠ ગીત'ની કેટેગરીમાં સ્થાન મળ્યું છે. તે સિવાય આલ્બમના અન્ય લોકપ્રિય ટ્રેક્સ જેવા કે 'જાન સે ગુજારતે હૈં' અને 'ક્નહૈયા'ને 'શ્રેષ્ઠ વૈશ્વિક સંગીત પ્રદર્શન' તેમજ ધમાકેદાર ચાર્ટબસ્ટર ગીત 'આરી આરી'ને 'શ્રેષ્ઠ એશિયન પોપ સંગીત પ્રદર્શન' શ્રેણી હેઠળ ઉમેદવારી માટે રજૂ કરાયાં છે.
આ આલ્બમની સૌથી મોટી ખાસિયત એ છે કે તેમાં સંગીતની વિવિધ શૈલીઓનો અદ્ભુત સમન્વય જોવા મળે છે, જે દરેક વર્ગનાં સંગીતપ્રેમીઓને આકર્ષિત કરે છે. ફિલ્મનાં અન્ય ગીતોને પણ તેમની અલગ-અલગ શૈલી મુજબ ગ્રેમીમાં સ્થાન મળ્યું છે. જેમાં 'જાએ સજન' ગીતને 'શ્રેષ્ઠ પોપ ડ્યુએટ/ગ્રુપ પરફોર્મન્સ', જોશથી ભરેલા ગીત 'ડેસ્ટિની - માન અટકેયા'ને 'શ્રેષ્ઠ રેપ પરફોર્મન્સ', 'વારી જવાન'ને 'શ્રેષ્ઠ ડાન્સ/ઇલેક્ટ્રોનિક રેકોર્ડિંગ' અને શ્રોતાઓને ઘેલા કરનાર ગીત 'હમ પ્યાર કરને વાલે'ને 'શ્રેષ્ઠ રીમિક્સ રેકોર્ડિંગ'ની કેટેગરીમાં મોકલવામાં આવ્યાં છે.
સંગીત જગતનાં નિષ્ણાતોના મતે, ગ્રેમી એન્ટ્રી મેળવવી એ કોઈ પણ ભારતીય ફિલ્મ માટે એક મોટો સીમાચિહ્નરૂપ વિજય ગણાય છે. જોકે, અહીં એ બાબત સમજવી જરૂરી છે કે ગ્રેમી ઝુંબેશ હેઠળ આલ્બમને માત્ર સમીક્ષા અને વિચારણા માટે પ્રક્રિયામાં રજૂ કરવામાં આવ્યું છે, જે સીધી રીતે કોઈ પણ ટ્રોફી જીતવાની કે ફાઇનલ નોમિનેશનની ગ્રેરંટી આપતું નથી. આ આલ્બમને અંતિમ નોમિનેશનમાં જગ્યા બનાવવા માટે 'ધ રેકોર્ડિંગ એકેડેમી'ના કડક નિયમો, પાત્રતાની શરતો અને તેમની કઠોર વોટિંગ પ્રક્રિયામાંથી સફળતાપૂર્વક પસાર થવું પડશે.
ભારતીય સંગીતકારો અને કલાકારો દ્વારા વૈશ્વિક સ્તરે કરવામાં આવતા આવા પ્રયાસો આપણા દેશના સંગીત જગતને એક નવી જ ઊંચાઈઓ પર લઈ જઈ રહ્યા છે, જેનાથી સમગ્ર દેશનું નામ રોશન થઈ રહ્યું છે.
વૈશ્વિક સંગીત અને ગ્રેમી એન્ટ્રી
ભારતીય સિનેમાના સંગીતને આંતરરાષ્ટ્રીય મંચ પર માન્યતા મળવી એ આપણા સંગીતકારોની અદભુત પ્રતિભા અને મહેનતનું પરિણામ છે.