Loading Please Wait !!!
રાજુ કરપડાની સંપત્તિમાં 5 ગણો તોતિંગ ઉછાળો: 3.5 વર્ષમાં 61 લાખની મિલકત 3.12 કરોડે પહોંચી

 

  • સુરેન્દ્રનગરના ખેડૂત નેતા અને ભાજપ ઉમેદવાર રાજુ કરપડાની સંપત્તિ 61 લાખથી વધીને 3.12 કરોડ થઈ.

  • છેલ્લા સાડા ત્રણ વર્ષમાં 40 વીઘા નવી જમીન અને 21 તોલા સોનાની ખરીદી કરવામાં આવી.

  • દંપતી પાસેના સોનાની કિંમત 12.50 લાખથી વધીને 69 લાખે પહોંચી, પત્ની પાસે 400 ગ્રામ સોનું.

    આગામી 26 એપ્રિલે યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સુરેન્દ્રનગર જિલ્લાની મૂળી-2 બેઠક અત્યારે આખા રાજ્યમાં ચર્ચાનું કેન્દ્ર બની છે. તેનું કારણ છે ભાજપના ઉમેદવાર અને જાણીતા ખેડૂત નેતા રાજુ કરપડા. તાજેતરમાં જ આમ આદમી પાર્ટી (AAP) માંથી રાજીનામું આપી ભાજપમાં જોડાયેલા કરપડાએ ભરેલા ઉમેદવારી ફોર્મના સોગંદનામામાં તેમની સંપત્તિનો જે આંકડો સામે આવ્યો છે, તેણે રાજકીય વિશ્લેષકો અને સામાન્ય જનતાને ચોંકાવી દીધા છે. માત્ર સાડા ત્રણ વર્ષના ટૂંકા ગાળામાં તેમની કુલ સંપત્તિમાં 5 ગણો તોતિંગ વધારો નોંધાયો છે.

    વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણી વખતે રાજુ કરપડાએ રજૂ કરેલા એફિડેવિટ મુજબ તેમની કુલ સંપત્તિ અંદાજે 61 લાખ રૂપિયા હતી. જોકે, 2026ની સ્થાનિક ચૂંટણી માટેના લેટેસ્ટ સોગંદનામામાં આ આંકડો વધીને 3.12 કરોડ રૂપિયા પર પહોંચી ગયો છે. સૌથી વધુ ચોંકાવનારી વિગત એ છે કે તેમની પાસે રહેલી 55 વીઘા જમીનમાંથી અંદાજે 40 વીઘા જમીનનો વધારો માત્ર વર્ષ 2023ના પ્રથમ પાંચ મહિનામાં જ થયો છે. આટલા ટૂંકા સમયમાં આટલી જંગી જમીન ખરીદવાના સોદા અત્યારે ટોક ઓફ ધ ટાઉન બન્યા છે.

    સ્થાવર મિલકતની સાથે સોના-ચાંદી અને વાહનોના કાફલામાં પણ મોટો ઉછાળો જોવા મળ્યો છે. દંપતી પાસેના દાગીનાની કિંમત 12.50 લાખથી વધીને 69 લાખ રૂપિયા સુધી પહોંચી છે, જેમાં તેમની પત્ની પાસે જ 60 લાખની કિંમતનું 400 ગ્રામ સોનું હોવાનો ઉલ્લેખ છે. લક્ઝરી લાઈફસ્ટાઈલની વાત કરીએ તો, કરપડાના કાફલામાં હવે 20 લાખની કિંમતની ઇનોવા ક્રિસ્ટા અને મારુતિ અર્ટિગા સહિત કુલ 5 વાહનોનો સમાવેશ થાય છે, જેની અંદાજિત કિંમત 28.50 લાખ રૂપિયા આંકવામાં આવી છે.

    જોકે, આ આર્થિક ઉન્નતિની સાથે કાયદાકીય અને નાણાકીય મુશ્કેલીઓ પણ વધી હોય તેમ જણાય છે. વર્ષ 2022માં રાજુ કરપડા પર વિવિધ બેંક લોન પેટે 24.97 લાખનું દેવું હતું, જે 2026માં વધીને 48.59 લાખ રૂપિયા પર પહોંચ્યું છે. તેવી જ રીતે, તેમની વિરુદ્ધ નોંધાયેલા કોર્ટ કેસોની સંખ્યા પણ 3 થી વધીને 6 થઈ ગઈ છે. એક તરફ રોકડ રકમમાં ઘટાડો (1.54 લાખથી ઘટીને 62,170 રૂપિયા) થયો છે, તો બીજી તરફ કરોડોની મિલકતોના ઉમેરાએ વિપક્ષને ટીકા કરવાની તક આપી છે.

    ઉલ્લેખનીય છે કે રાજુ કરપડાએ પોતાની રાજકીય સફર ખેડૂત આંદોલનો અને પાક વીમાના પ્રશ્નોથી શરૂ કરી હતી. 2022માં 'આપ' તરફથી ચોટીલા બેઠક પર લડીને બીજા ક્રમે રહેલા કરપડાએ 11 ફેબ્રુઆરી 2026ના રોજ રાજીનામું આપ્યું હતું અને 9 એપ્રિલે ભાજપમાં જોડાયા હતા. ખેડૂતોના પ્રશ્નો ઉઠાવનારા નેતાની પોતાની જ સંપત્તિમાં થયેલો આ આકસ્મિક વધારો લોકોમાં અનેક તર્ક-વિતર્ક સર્જી રહ્યો છે. હવે જોવાનું એ રહેશે કે આ કરોડોની સંપત્તિનો વિવાદ તેમને જીત અપાવવામાં નડતર બને છે કે કેમ?