Loading Please Wait !!!
ધોરણ 6 ના વિદ્યાર્થી ધાર્મિકે હાઈડ્રોપાવર પ્લાન્ટનો પ્રોજેક્ટ પ્રસ્તુત કરીને ભાલારા પરિવારનું ગૌરવ વધાર્યું

સિટી ન્યૂઝ@રાજકોટ

 રાજકોટની કે.જી. ધોળકિયા સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓમાં રહેલી વૈજ્ઞાનિક પ્રતિભાને બહાર લાવવા અને નવી શોધ માટે પ્રોત્સાહન આપવાના હેતુથી સાયન્સ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓએ વિવિધ વૈજ્ઞાનિક પ્રોજેક્ટ રજૂ કર્યા હતા. આ દરમિયાન ધોરણ ૬માં અભ્યાસ કરતા ધાર્મિક ભાલારાએ હાઈડ્રોપાવર પ્લાન્ટનો પ્રોજેક્ટ રજૂ કરી સૌનું ધ્યાન ખેંચ્યું હતું. ધાર્મિક ભાલારા નાણપણથી જ કંઈક નવું કરવાની રુચિ ધરાવે છે અને અગાઉ પણ અનેક પ્રોજેક્ટ બનાવી ચૂક્યો છે. સાયન્સ ફેરમાં તેણે
હાઈડ્રોપાવર પ્લાન્ટનું મોડેલ બનાવી મુલાકાતીઓને સરળ ભાષામાં તેની કાર્યપદ્ધતિ અને ઉપયોગિતા અંગે માહિતી આપી હતી.

ધાર્મિકે જણાવ્યું હતું કે દેશમાં અનેક સ્થળોએ ભારે વરસાદને કારણે નદીઓ અને ડેમ ઓવરફ્લો થાય છે. આવા સ્થળોએ નાના-મોટા હાઈડ્રોપાવર પ્લાન્ટ સ્થાપવામાં આવે તો પાણીનો ઉપયોગ કરીને વધુ વીજળીનું ઉત્પાદન કરી શકાય છે. સૌરાષ્ટ્રમાં પણ અનેક ડેમ અને નદીઓનું પાણી ઓવરફ્લો થઈ દરિયામાં ભળી જાય છે. કેટલાક ડેમ પર હાઈડ્રોપાવર પ્લાન્ટ બનાવવામાં આવે તો વીજ ઉત્પાદન માટે તેનો ઉપયોગ થઈ શકે છે. પ્રોજેક્ટ તૈયાર કરવા માટે ધાર્મિકને તેના માતા-પિતા જયેશભાઈ અને મીરાબેન તેમજ મોટી બહેન નેત્રિબેને પ્રોત્સાહન આપ્યું હતું.

શાળાના સંચાલકો અને શિક્ષકોએ પણ તેની પ્રતિભાને બિરદાવી ઉત્સાહ વધાર્યો હતો. ધાર્મિક ભાલારા અભ્યાસ અને વૈજ્ઞાનિક પ્રયોગોની સાથે તબલાવાદનમાં પણ રસ ધરાવે છે. તાજેતરમાં શાળાના કાર્યક્રમમાં તેણે પોતાની તબલાવાદનની કલા રજૂ કરી હતી. હાઈડ્રોપાવર પ્લાન્ટનો પ્રોજેક્ટ રજૂ કરીને ધાર્મિકે પોતાની વૈજ્ઞાનિક જિજ્ઞાસાનો પરિચય આપવાની સાથે ભાલારા પરિવારનું ગૌરવ વધાર્યું છે.