ભારતમાં પ્લાસ્ટિક કરન્સી લાવવા RBI સક્રિય: BRBNMPL ના ગ્લોબલ ટેન્ડરમાં વિશ્વની અગ્રણી કંપનીઓ મેદાનમાં
-
'કોસ્મો ફર્સ્ટ' અને બ્રિટનની 'ડી લા રૂ' ની ભાગીદારી, ઓસ્ટ્રેલિયાની CCL સિક્યોર પણ રેસમાં
-
ધાર્મિક લાગણીઓને ધ્યાને રાખી પોલિમર મટીરિયલમાં પ્રાણી ચરબી મુક્ત હોવાનું પ્રમાણપત્ર ફરજિયાત
-
ચીન અને પાકિસ્તાનમાં ચાલતી કામગીરીથી ભારતના ડેટા અને સપ્લાયને અલગ રાખવાની લેખિત બાંહેધરી
સિટી ન્યુઝ @ નવી દિલ્હી
ભારતમાં કાગળની કરન્સી નોટોના સ્થાને નીચા મૂલ્યની ટકાઉ અને સુરક્ષિત પ્લાસ્ટિક (પોલિમર) નોટો ચલણમાં મૂકવા માટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ મહત્વપૂર્ણ કવાયત શરૂ કરી છે. આરબીઆઈની પૂર્ણ માલિકીની સબસિડિયરી કંપની ‘ભારતીય રિઝર્વ બેંક નોટ મુદ્રણ પ્રાઈવેટ લિમિટેડ’ (BRBNMPL) દ્વારા મંગાવવામાં આવેલી વૈશ્વિક બોલીઓ (EOI) માં ભારત અને વિદેશની ખ્યાતનામ કંપનીઓએ ભાગ લીધો છે.
આ ગ્લોબલ ટેન્ડર પ્રક્રિયામાં ભારતીય પેકેજિંગ ક્ષેત્રની અગ્રણી કંપની ‘કોસ્મો ફર્સ્ટ’ એ બ્રિટનની વિશ્વપ્રસિદ્ધ નોટ ઉત્પાદક ‘ડી લા રૂ’ (De La Rue) સાથે ભાગીદારી કરી છે. આ ઉપરાંત વિશ્વના 40 થી વધુ દેશોમાં પોલિમર કરન્સી પૂરી પાડતી ઓસ્ટ્રેલિયાની ‘CCL સિક્યોર’ તેમજ વિયેતનામની કંપની પણ આ સ્પર્ધામાં સામેલ થઈ છે.
રાષ્ટ્રીય સુરક્ષા અને ગોપનીયતાને ધ્યાનમાં રાખીને RBI એ સપ્લાયર કંપનીઓ માટે અત્યંત કડક સુરક્ષા શરતો નિર્ધારિત કરી છે. કંપનીઓએ સિક્યોરિટી પેક્ટ સાઇન કરીને બાંહેધરી આપવી પડશે કે તેઓ ભારત માટેના પોલિમર સપ્લાય અને કામકાજને ચીન તથા પાકિસ્તાન ખાતેની કામગીરીથી સંપૂર્ણપણે અલગ રાખશે.
ધાર્મિક અને સામાજિક સંવેદનશીલતાને ધ્યાને રાખીને એવી સ્પષ્ટ શરત રાખવામાં આવી છે કે પોલિમર મટીરિયલમાં કોઈપણ પ્રકારની એનિમલ ટેલો (પ્રાણીઓની ચરબી) કે તેના ડીએનએનો ઉપયોગ કરવામાં આવ્યો નથી તેવું કાનૂની પ્રમાણપત્ર આપવું પડશે. હાલ તમામ કંપનીઓ દ્વારા અપાયેલા સેમ્પલ્સને દેશના વિવિધ વાતાવરણ અને હવામાન ઝોનમાં સઘન ટેસ્ટિંગમાંથી પસાર કરવામાં આવશે, ત્યારબાદ સફળ કંપનીઓને જ અંતિમ ટેન્ડર પ્રક્રિયામાં સામેલ કરાશે.
- RBI લાવશે પ્લાસ્ટિકની નોટો
રિઝર્વ બેંક (BRBNMPL) દ્વારા ભારતમાં નીચા મૂલ્યની પ્લાસ્ટિક (પોલિમર) નોટો છાપવા માટે વૈશ્વિક બિડ મંગાવવામાં આવી છે. જેમાં ભારત, બ્રિટન અને ઓસ્ટ્રેલિયાની ટોચની કંપનીઓએ ભાગ લીધો છે. RBI એ સપ્લાયર્સ માટે સુરક્ષા પેક્ટ અને પ્રાણીઓની ચરબીનો ઉપયોગ ન હોવાનું પ્રમાણપત્ર આપવું ફરજિયાત બનાવ્યું છે. સેમ્પલ ટેસ્ટિંગ બાદ ઉત્પાદન શરૂ થશે.
- પ્રથમ તબકકે રૂા.10 અને 20ની નોટ જારી થશે
યોજના અનુસાર પ્રથમ તબક્કામાં રૂ. 10 અને રૂ. 20 ની નાની કિંમતની નોટો પોલિમર મટીરીયલમાં બહાર પાડવામાં આવશે. પ્લાસ્ટિક નોટો સામાન્ય કાગળની નોટો કરતાં વધુ સાફ-સુધરી, પર્યાવરણને અનુકૂળ અને જલ્દી ફાટે નહીં તેવી ટકાઉ હોય છે. નિષ્ણાતોના મતે, આ પોલિમર નોટો કાગળની નોટો કરતાં આશરે છ ગણું વધુ આયુષ્ય ધરાવે છે અને તેના કારણે નકલી નોટો (કાઉન્ટરફિટિંગ) બનાવવાનું પણ લગભગ અશક્ય બની જશે.