ઇસરોના ખાનગીકરણ સામે કર્મચારીઓનો વિરોધ: અધ્યક્ષને પત્ર લખી માંગી સ્પષ્ટતા
-
દેશભરના 9 કર્મચારી સંગઠનોએ ઇસરો અધ્યક્ષ વી. નારાયણનને પત્ર પાઠવી જવાબ માંગ્યો
-
રોકેટ-સેટેલાઇટ ઉત્પાદન ઇસરોની સાચી ઓળખ, તેને એસેમ્બલી કામ ન ગણવા રજૂઆત
-
ઇન-સ્પેસના ચેરમેન પવન કુમાર ગોયનકાના નિવેદન બાદ કર્મચારીઓમાં અસુરક્ષાની લાગણી
સિટી ન્યુઝ @ નવી દિલ્હી
ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) માં રોકેટ અને સેટેલાઇટ નિર્માણનું કાર્ય ખાનગી કંપનીઓને સોંપવાના સંકેતો વચ્ચે કર્મચારીઓમાં ભારે અસંતોષ ફેલાયો છે. દેશભરના વિવિધ ઇસરો સેન્ટરોના 9 જેટલા અગ્રણી કર્મચારી સંગઠનોએ એક થઈને ઇસરોના અધ્યક્ષ વી. નારાયણનને સંયુક્ત પત્ર લખીને આ સમગ્ર મામલે તાત્કાલિક સ્થિતિ સ્પષ્ટ કરવાની માંગ કરી છે. કર્મચારીઓએ ભારપૂર્વક જણાવ્યું છે કે આટલો મોટો નીતિવિષયક નિર્ણય સ્ટાફને અંધારામાં રાખીને લઈ શકાય નહીં.
કર્મચારી સંગઠનોએ પત્રમાં ગંભીર ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું છે કે રોકેટ, સેટેલાઇટ અને લોન્ચ વ્હીકલ્સનું નિર્માણ એ કોઈ સામાન્ય કોન્ટ્રાક્ટ કે એસેમ્બલીનું કામ નથી, પરંતુ તે ઇસરોની સાચી રાષ્ટ્રીય ઓળખ છે. જો મેન્યુફેક્ચરિંગનું કામ સંપૂર્ણપણે ખાનગી કંપનીઓને સોંપી દેવાશે, તો ઇસરો માત્ર એક રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ (R&D) બુટીક પૂરતું સીમિત બનીને રહી જશે. આ સંજોગોમાં સંસ્થામાં વર્ષોથી સેવા આપતા હજારો કુશળ ટેકનિશિયનો અને વૈજ્ઞાનિકોના ભવિષ્ય તેમજ સુરક્ષા સામે મોટો પ્રશ્નાર્થ ઊભો થશે.
આ વિવાદની શરૂઆત ઇન-સ્પેસ (IN-SPACe) ના ચેરમેન પવન કુમાર ગોયનકાના નિવેદન બાદ થઈ હતી. તેમણે જાહેરાત કરી હતી કે ઇસરો ભવિષ્યમાં માત્ર ઉચ્ચ સ્તરીય સંશોધન પર ધ્યાન કેન્દ્રિત કરશે, જ્યારે સેટેલાઇટ અને રોકેટ લોન્ચર્સ બનાવવાની કામગીરી ખાનગી ક્ષેત્રને હવાલે કરવામાં આવશે. આ નિવેદન બહાર આવતાં જ શ્રીહરિકોટા, બેંગલુરુ, તિરુવનંતપુરમ અને અમદાવાદ સ્થિત SAC એમ્પ્લોઇઝ વેલ્ફેર એસોસિએશન સહિતના 9 સંગઠનોએ મેદાનમાં આવીને મોરચો માંડ્યો છે.
પત્રમાં એવો પણ ગંભીર દાવો કરવામાં આવ્યો છે કે સ્મોલ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ (SSLV) નું નિર્માણ ખાનગી કંપનીઓને સોંપવાની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. આ ઉપરાંત આગામી સમયમાં દેશના સૌથી ભરોસાપાત્ર અને વિશાળ રોકેટ એવા PSLV અને LVM3 નું ઉત્પાદન પણ ખાનગી હાથોમાં સોંપવાની પૂરજોશમાં તૈયારી ચાલી રહી છે. કર્મચારીઓના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં 120 જેટલી ટેકનોલોજી ખાનગી કંપનીઓને ટ્રાન્સફર કરી દેવામાં આવી છે.
કર્મચારી આગેવાનોએ ભારપૂર્વક જણાવ્યું છે કે ઇસરો દ્વારા વિકસાવવામાં આવેલી ટેકનોલોજી દેશની અમૂલ્ય રાષ્ટ્રીય સંપત્તિ છે. તેને ખાનગી કંપનીઓને સોંપતાં પહેલાં રાષ્ટ્રીય સુરક્ષા, પારદર્શિતા, જવાબદારી અને કર્મચારીઓના રોજગારી હિતોનું રક્ષણ કરવું અનિવાર્ય છે. આથી સરકારે અને વહીવટી તંત્રે કર્મચારી પ્રતિનિધિઓ સાથે સીધી ચર્ચા કરીને આ અસમંજસનો તાત્કાલિક ઉકેલ લાવવો જોઈએ.
ઇસરોના ખાનગીકરણ સામે કર્મચારીઓમાં રોષ
ઇસરોમાં રોકેટ અને સેટેલાઇટ લોન્ચર્સ બનાવવાની કામગીરી ખાનગી કંપનીઓને સોંપવાના નિર્ણય સામે 9 કર્મચારી સંગઠનોએ મોરચો માંડ્યો છે. સંગઠનોએ અધ્યક્ષ વી. નારાયણનને પત્ર લખી ભવિષ્ય અને રોજગારી અંગે સ્પષ્ટતા માંગી છે. કર્મચારીઓએ જણાવ્યું કે ઉત્પાદન ઇસરોની મુખ્ય ઓળખ છે, જેને ખાનગી હાથોમાં સોંપીને સંસ્થાને માત્ર રિસર્ચ પૂરતી સીમિત ન કરવી જોઈએ.