મુનીર અને શહબાઝ સામે બળવો: એલઓસી ગૂંજી
-
115 દિવસથી ચાલતા આંદોલનમાં મંધોલમાં ભવ્ય જનમેદની
-
પાકિસ્તાને સપ્લાય લાઇન કાપી, છતાં જનતા મક્કમ
-
જોઈન્ટ અવામી લીગે પૂંછ-મેંધર રસ્તો ખોલવા હાકલ કરી
સિટી ન્યુઝ @ મંધોલ
પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર (પીઓકે) માં આઝાદીના અવાજો વધુ તેજ બન્યા છે. LOCથી લગભગ 7 કિમી દૂર આવેલા મંધોલમાં 25,000 લોકોની વિશાળ ભીડ આંદોલન પર બેઠી છે. આ પ્રદર્શનકારીઓ પાકિસ્તાની શાસકો સામે ઉગ્ર વિરોધ નોંધાવી રહ્યા છે.
પાકિસ્તાની સેનાના વડા આસિમ મુનીર અને પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફ વિરુદ્ધ સતત નારા ગુંજી રહ્યા છે. જોઈન્ટ અવામી લીગ (JAL) ના નેતાઓએ આરપારની લડાઈ લડવા માટે કમર કસી લીધી છે. તેમણે સ્પષ્ટ જાહેરાત કરી છે કે પાકિસ્તાન સરકારે ભારત તરફ જતા પૂંછ અને મેંધરનો રસ્તો તાત્કાલિક ખોલવો પડશે.
સ્થાનિક પ્રદર્શનકારીઓનું કહેવું છે કે તેઓ ભારત સાથે જોડાવા માંગે છે. આ આંદોલનથી ગભરાઈને પાકિસ્તાની સરકારે પીઓકેની તમામ સપ્લાય લાઇન કાપી નાખી છે, જેના કારણે સામાન્ય લોકો પાસે લોટ અને અન્ય આવશ્યક ખાદ્ય સામગ્રીનો ભારે દુષ્કાળ સર્જાયો છે.
5 જૂનથી પીઓકેમાં ચાલી રહેલા આંદોલનના 115મા દિવસે સોમવારે મંધોલ વિસ્તારમાં ભારે ગતિવિધિ જોવા મળી હતી. મુઝફ્ફરાબાદથી લોકો હવે મોટી સંખ્યામાં એલઓસી નજીક એકત્ર થવા લાગ્યા છે. જોઈન્ટ અવામી લીગના નેતાઓની અપીલ બાદ દરરોજ સરહદ પર ભીડ વધી રહી છે.
પીઓકેના નાગરિકોનું કહેવું છે કે પાકિસ્તાન સરકારનું ક્રૂર દમન હવે તેમના બળવાને દબાવી શકશે નહીં. પાકિસ્તાને દાયકાઓથી તેમના મૂળભૂત અધિકારો છીનવી લીધા છે, પરંતુ હવે સહનશક્તિની હદ આવી ગઈ છે અને આરપારનો નિર્ણય થઈને જ રહેશે.
પીઓકેમાં આઝાદીના સૂર અને ભારતની માંગ
પીઓકેના મંધોલમાં 25,000 લોકો આસિમ મુનીર અને શહબાઝ શરીફ સામે આંદોલને બેઠા છે. 115 દિવસથી ચાલતા આંદોલન વચ્ચે પાકિસ્તાને સપ્લાય લાઇન કાપી નાખતાં લોટની પણ તંગી સર્જાઈ છે. લોકોએ ભારત તરફ જતા પૂંછ અને મેંધરના રસ્તા ખોલવા અને ભારત સાથે જોડાવાની સ્પષ્ટ માંગણી સાથે એલઓસી નજીક જમાવડો શરૂ કર્યો છે.