અમેરિકામાં ગોલ્ડી બરાડ પર દસ કરોડનું ઇનામ
-
ઉત્તર અમેરિકામાં મુખ્ય ઓપરેશનલ લીડર ગણવામાં આવ્યો
-
દસ લાખ ડોલર સુધીનું ઇનામ જાહેર કરાયું
-
ઓપરેશન હાર્ડ બોલ હેઠળ અનેક ધરપકડો થઈ
સિટી ન્યુઝ @ નવી દિલ્હી
અમેરિકન તપાસ એજન્સી એફબીઆઈ (FBI) દ્વારા કુખ્યાત ગેંગસ્ટર સતિન્દરજીત સિંહ ઉર્ફે ગોલ્ડી બરાડને તેમની અત્યંત મહત્વપૂર્ણ એવી ટોપ 10 મોસ્ટ વોન્ટેડ ફ્યુજિટિવ્સની યાદીમાં સત્તાવાર રીતે સામેલ કરવામાં આવ્યો છે. ગોલ્ડી બરાડ વિશે ચોક્કસ માહિતી આપીને તેની ધરપકડ કરાવવામાં મદદ કરનાર વ્યક્તિને 10 લાખ ડોલર એટલે કે લગભગ 9.5 કરોડ રૂપિયા સુધીનું તોતિંગ ઇનામ આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે.
અમેરિકન સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર, બરાડને લૉરેન્સ ઑર્ગેનાઇઝ્ડ ક્રાઇમ ગ્રુપનો ઉત્તર અમેરિકા સ્થિત મુખ્ય ઑપરેશનલ લીડર ગણવામાં આવ્યો છે. આ ગેંગ પર વર્ષ 2023 દરમિયાન કેનેડામાં ખાલિસ્તાની નેતા હરદીપ સિંહ નિજ્જરની હત્યા કરાવવાનો ગંભીર આરોપ પણ મૂકવામાં આવ્યો છે, જેને લઈને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ભારે ચર્ચા જાગી છે.
અમેરિકન સરકાર અને તપાસ એજન્સીઓના જણાવ્યા મુજબ, લૉરેન્સ બિશ્નોઈ ભારતની જેલની અંદર બેસીને પણ આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાનું અપરાધ નેટવર્ક અવિરત ચલાવી રહ્યો હતો. જેલની અંદર ગેરકાયદેસર રીતે પહોંચાડવામાં આવેલા મોબાઇલ ફોન અને ઇન્ટરનેટ વૉઇસ કોલિંગ ડિવાઇસના માધ્યમથી તે હત્યા, ખંડણી, અપહરણ, ડ્રગ્સ અને માનવ તસ્કરી જેવી ગંભીર ગુનાહિત પ્રવૃત્તિઓના આદેશ આપતો હતો.
આંતરરાષ્ટ્રીય સ્તરે સક્રિય આ ગુનાહિત નેટવર્કને નેસ્તનાબૂદ કરવા માટે અમેરિકા, કેનેડા અને યુરોપ દ્વારા સંયુક્ત રીતે 'ઓપરેશન હાર્ડ બોલ' અભિયાન ચલાવવામાં આવ્યું હતું. આ વિશેષ અભિયાન અંતર્ગત કુલ 37 જેટલા કુખ્યાત આરોપીઓ સામે ગંભીર આરોપો ઘડવામાં આવ્યા છે અને અત્યાર સુધીમાં 24 જેટલા આરોપીઓની ધરપકડ કરીને જેસલ ભેગા કરવામાં આવ્યા છે.
ગોલ્ડી બરાડ જેવા આંતરરાષ્ટ્રીય સ્તરના અપરાધીઓ સામે વૈશ્વિક સ્તરે લેવાઈ રહેલા કડક પગલાંઓથી સંગઠિત ગુનાખોરી આચરતા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. કાયદાકીય શંકાજા વચ્ચે ગુનેગારો ગમે તેટલા છુપાવવાનો પ્રયાસ કરે, પરંતુ વૈશ્વિક સુરક્ષા એજન્સીઓનો સકંજો તેમના પર કડક બની રહ્યો છે.
આંતરરાષ્ટ્રીય ગુનાખોરી અને વૈશ્વિક સુરક્ષા
વિશ્વના અલગ-અલગ દેશોમાં ફેલાયેલા આંતરરાષ્ટ્રીય અપરાધ સંગઠનો અને ગેંગસ્ટરો વૈશ્વિક શાંતિ તથા સુરક્ષા માટે મોટો ખતરો છે. વિવિધ દેશોની કાયદાકીય અને તપાસ એજન્સીઓ વચ્ચે પરસ્પર સંકલન અને સહયોગ વધવાથી જ આવા ખતરનાક નેટવર્ક્સનો સફાયો થઈ શકે છે અને કાયદાનું શાસન સ્થાપિત થઈ શકે છે.