મ્યાનમારના રાખાઈન રાજ્યમાં સેનાની એરસ્ટ્રાઈક
-
બજારમાં દુકાનદારો અને ગ્રાહકોની ભારે ભીડ હતી
-
બાવીસ ઘાયલોની પ્રકૃતિ અત્યંત નાજુક અને ગંભીર
-
અરાકાન આર્મી દ્વારા વળતી કાર્યવાહીની ચેતવણી અપાઈ
સિટી ન્યુઝ @ નેપીડૉ
મ્યાનમારની સેના દ્વારા પશ્ચિમી રાખાઇન રાજ્યમાં આવેલા એક બજાર પાસે અત્યંત ઘાતક હવાઈ હુમલો (એરસ્ટ્રાઈક) કરવામાં આવ્યો છે, જેમાં ઓછામાં ઓછા 49 નિર્દોષ લોકોનાં કમકમાટીભર્યા મોત નીપજ્યાં છે અને અન્ય 58 જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઘટનાને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ભારે ચિંતા અને રોષની લાગણી ફેલાઈ ગઈ છે.
આ પ્રદેશ હાલમાં મ્યાનમારના એક શક્તિશાળી બળવાખોર સંગઠન અરાકાન આર્મીના સંપૂર્ણ કબજા હેઠળ છે. હુમલો થયો ત્યારે બજારમાં સ્થાનિક દુકાનદારો અને ખરીદી કરવા આવેલા ગ્રાહકોની ભારે ભીડ જોવા મળતી હતી, અને સેનાના લડાકુ વિમાનોએ અચાનક બે બોમ્બ ફેંકીને આ વિનાશ વેર્યો હતો.
અરાકાન આર્મી દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે ઘાયલ થયેલા લોકોમાંથી 22 જેટલા નાગરિકોની સ્થિતિ અત્યંત ગંભીર છે, જેના કારણે મૃત્યુઆંક વધવાની પૂરી આશંકા છે. મ્યાનમારની સેનાએ આ હુમલા અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ નિવેદન આપ્યું નથી, પરંતુ સેના હંમેશા પોતાના નિશાનો માત્ર સૈન્ય ઠેકાણાઓ હોવાનો દાવો કરતી રહી છે.
આ નિર્દયી હુમલાના વિરોધમાં અરાકાન આર્મીએ સખત પ્રતિક્રિયા આપતા આ હુમલા માટે જવાબદાર લોકો અને સંગઠનો સામે ટૂંક સમયમાં જ કઠોર વળતી કાર્યવાહી કરવાની ખુલ્લી ચેતવણી આપી છે. વર્ષ 2021 ના સૈન્ય બળવા પછીથી મ્યાનમારમાં સતત ચાલી રહેલા સશસ્ત્ર સંઘર્ષ અને ગૃહયુદ્ધને કારણે સામાન્ય પ્રજાનું જીવન અત્યંત દુષ્કર બની ગયું છે.
રાખાઈનમાં લડાઈ તેજ થવાને કારણે મ્યાનમારની સેનાએ તમામ મુખ્ય વેપારી માર્ગો પર કડક પ્રતિબંધો લાદી દીધા છે, જેના પરિણામે સમગ્ર વિસ્તારમાં ખાદ્ય સામગ્રી અને પીવાના પાણીની ગંભીર અછત ઊભી થઈ છે. નિર્દોષ નાગરિકો પર થતા આવા હુમલાઓ માનવાધિકારના ગંભીર ઉલ્લંઘન સમાન છે.
ગૃહયુદ્ધ અને માનવીય સંકટ
વિશ્વના કોઈપણ ખૂણે ચાલતા સશસ્ત્ર સંઘર્ષો અને ગૃહયુદ્ધમાં હંમેશા નિર્દોષ નાગરિકો જ તેનો ભોગ બનતા હોય છે. યુદ્ધ અને હિંસાનો માર્ગ ક્યારેય કાયમી ઉકેલ આપી શકતો નથી, ત્યારે નાગરિકોની સુરક્ષા અને માનવતાનું રક્ષણ કરવું એ કોઈપણ શાસન કે સંગઠનની પ્રાથમિક નૈતિક ફરજ હોવી જોઈએ.