Loading Please Wait !!!
સોશિયલ મીડિયાના વધતા વળગણ સામે કડક નિયમો

 

  • બાળ-કિશોર માનસિક અસરને ધ્યાનમાં રાખી નિર્ણય

  • કેન્દ્ર સરકાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સાથે ચર્ચામાં

  • ભારતીય કાનૂન મુજબ નવા નિયંત્રણો અમલી બનશે

સિટી ન્યુઝ @ નવી દિલ્હી

આજના આધુનિક યુગમાં બાળકો અને કિશોરોમાં સોશિયલ મીડિયાનું વળગણ અને તેનાથી થતી માનસિક અસરો ચિંતાનો વિષય બની રહી છે. વિશ્વના અનેક દેશોની જેમ હવે ભારતમાં પણ 18 વર્ષથી ઓછી ઉમરના ટીનએજર્સના સોશિયલ મીડિયા ઉપયોગ પર કડક અંકુશ લાવવાની દિશામાં ગંભીર ચર્ચાઓ શરૂ થઈ ચૂકી છે, જેથી યુવાધન સુરક્ષિત રહી શકે.

સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે સરકાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ અને મધ્યસ્થીઓ સાથે મળીને એક અસરકારક નિયમન અમલમાં મૂકવા જઈ રહી છે. આ નિયમો હેઠળ 18 વર્ષથી ઓછી ઉમરના સગીરો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવવા અને તેના સ્વતંત્ર ઉપયોગ પર કાયદાકીય મર્યાદાઓ લાદવામાં આવશે.

મુખ્ય ન્યાયમૂર્તિ સૂર્યકાંત અને ન્યાયમૂર્તિ જોય માલ્યા બાગ્ચીની ખંડપીક્ષ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી કે મોટાભાગના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ વિદેશી કાનૂન હેઠળ નોંધાયેલા હોવાથી ભારતમાં તેના પર નિયંત્રણ લાવવું અનિવાર્ય છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટપણે જણાવ્યું છે કે સરકારે ભારતના પ્રવર્તમાન કાનૂન સાથે સુસંગત હોય તેવા કડક નિયંત્રણો અને નિયમોને તાત્કાલિક ધોરણે અમલમાં મૂકવા પડશે.

સોલિસિટર જનરલે પણ આ વાતનો સ્વીકાર કર્યો હતો કે બાળકોની સુરક્ષા માટે કડક પગલાં લેવા અનિવાર્ય છે અને સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવવા માટે લઘુતમ ઉમર 18 વર્ષની નિશ્ચિત કરવા માટે ભારતીય કાનૂનમાં જરૂરી સુધારા કરવામાં આવશે. આ પ્રક્રિયા માટે માતા-પિતાની સંમતિ અનિવાર્ય બનશે અને બાળકો સ્વેચ્છાએ આવા પ્લેટફોર્મનો ઉપયોગ નહીં કરી શકે.

સુપ્રીમ કોર્ટે સોશિયલ મીડિયા પર દેખરેખ રાખવા અને કાયદાનું પાલન કરાવવા માટે એક સમર્પિત રેગ્યુલેટરી ઓથોરિટીની નિયુક્તિ કરવા માટે પણ મહત્વપૂર્ણ સૂચન કર્યું છે. આ કાયદાકીય પહેલથી સોશિયલ મીડિયાના દુરુપયોગને અટકાવી શકાશે અને દેશના ભાવિ નાગરિકોનું ડિજિટલ માર્ગે રક્ષણ થઈ શકશે.

બાળ સુરક્ષા અને સોશિયલ મીડિયા નિયમન

ટેકનોલોજીના યુગમાં બાળકોના માનસિક સ્વાસ્થ્ય અને સુરક્ષાની જાળવણી કરવી એ સમાજ અને સરકારની સંયુક્ત જવાબદારી છે. કડક કાયદાકીય નિયમો અને વાલીઓની સજ્જતાથી જ સોશિયલ મીડિયાના જોખમોથી નવી પેઢીને બચાવી શકાય છે.