પ્રાથમિક શાળાઓમાં 35 દિવસનું વેકેશન જાહેર: 4 મેથી રજાઓ પડશે
- શિક્ષણ વિભાગનો મહત્વપૂર્ણ પરિપત્ર; ગરમીના તાપમાં વિદ્યાર્થીઓને મળશે મોટી રાહત
- 4 મે થી 7 જૂન સુધી શાળાઓ બંધ રહેશે; જિલ્લા શિક્ષણ અધિકારીઓને અમલ કરવા આદેશ.
- રાજ્ય સરકારે વેકેશનની તારીખોમાં સમાનતા જાળવી; 35 દિવસ સુધી ગુંજશે બાળકોનો કિલકિલાટ
સિટી ન્યુઝ @ ગાંધીનગર
રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ઉનાળુ વેકેશનને લઈને મહત્વપૂર્ણ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. આ પરિપત્ર મુજબ રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં આગામી તારીખ 04/05/2026 થી 07/06/2026 સુધી કુલ 35 દિવસનું ઉનાળુ વેકેશન રહેશે. વેકેશન પૂર્ણ થયા બાદ તારીખ 08/06/2026 થી નવા શૈક્ષણિક સત્રની શરૂઆત કરવામાં આવશે.
સરકારે આ વખતે પ્રાથમિક અને માધ્યમિક બંને વિભાગોમાં વેકેશનની તારીખો એકસમાન રાખી છે, જેથી વાલીઓ અને વિદ્યાર્થીઓને વેકેશનના આયોજનમાં અનુકૂળતા રહે. આ નિયમ રાજ્યની તમામ સરકારી, ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર શાળાઓમાં સમાન રીતે લાગુ કરવામાં આવશે. જિલ્લા શિક્ષણ અધિકારીઓ અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીઓને આ સમયપત્રકનો ચુસ્તપણે અમલ કરાવવાની સૂચના પણ આપવામાં આવી છે.
ઉનાળાની વધતી જતી ગરમીને ધ્યાનમાં રાખીને લેવાયેલા આ નિર્ણયથી લાખો વિદ્યાર્થીઓને રાહત મળશે. જોકે, પરિપત્રમાં એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે શૈક્ષણિક વર્ષ 2026 માટેની D.El.Ed. પ્રવેશ પ્રક્રિયા અને અન્ય અનિવાર્ય શૈક્ષણિક કામગીરી માટે જરૂર જણાય તો સંબંધિત સંસ્થાઓ વિદ્યાર્થીઓ માટે અલગથી નિર્ણય લઈ શકશે. આ વેકેશનના સમયગાળા દરમિયાન વિદ્યાર્થીઓ ઇતર પ્રવૃત્તિઓ અને આરામ માટે પૂરતો સમય મેળવી શકશે.