"UCC બિલ પાસ થયાની ખુશીમાં 'ઠંડા-ઠંડા કુલ-કુલ': વિધાનસભામાં 7 કલાકની ગરમાગરમ ચર્ચા બાદ નેતાઓએ માણ્યો બરફ ગોળાનો સ્વાદ"
- ગાંધીનગરના ઘ-4 સર્કલ પર શંકર ચૌધરી અને હર્ષ સંઘવી સહિતના નેતાઓનો જમાવડો - રાજકીય ગરમી વચ્ચે ઠંડકનો અહેસાસ
- પ્રોટોકોલ બાજુ પર મૂકી મંત્રીઓ સામાન્ય જનતા વચ્ચે ઉમટી પડ્યા - ડિસગોલા સેન્ટર પર જામી નેતાઓની ભીડ
- મધરાત સુધી ચાલેલા ગૃહના કામકાજ બાદ ગાંધીનગરના માર્ગો પર મંત્રીમંડળની મજાક-મસ્તી
ગુજરાત વિધાનસભામાં ગઈકાલે (24 માર્ચ) ઐતિહાસિક ક્ષણો જોવા મળી હતી. ઉત્તરાખંડ બાદ યુનિફોર્મ સિવિલ કોડ (UCC) બિલ પસાર કરનાર ગુજરાત દેશનું બીજું રાજ્ય બન્યું છે. ગૃહમાં 7 કલાક સુધી ચાલેલી ગરમાગરમ ચર્ચાઓ અને 'જય શ્રી રામ'ના નારાઓ વચ્ચે બિલ પાસ થતા જ શાસક પક્ષના નેતાઓ ભારે હળવાશના મૂડમાં જોવા મળ્યા હતા. આ થાક ઉતારવા માટે આખો કાફલો ગાંધીનગરના પ્રખ્યાત ગોળા સેન્ટર પર ઉમટી પડ્યો હતો.
રાજકીય ગરમી બાદ ઠંડકનો સ્વાદ બપોરે 3 વાગ્યે શરૂ થયેલી UCC પરની મેરેથોન ચર્ચા રાત્રે પૂર્ણ થઈ હતી. જેવી ગૃહની કાર્યવાહી પૂરી થઈ કે તુરંત જ વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને અનેક ધારાસભ્યો ગાંધીનગરના ઘ-4 સર્કલ પાસે આવેલા ડિસગોલા સેન્ટર પહોંચ્યા હતા. અહીં નેતાઓએ પ્રોટોકોલ અને સુરક્ષાના ઘેરાને બાજુ પર મૂકીને સામાન્ય નાગરિકોની જેમ બરફના ગોળાની મજા માણી હતી.
ટીમ વર્ક અને આત્મીયતાના દ્રશ્યો આ અનૌપચારિક મુલાકાતમાં નેતાઓ વચ્ચે અદભૂત આત્મીયતા જોવા મળી હતી. વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને ધારાસભ્ય ભગા બારડ એક જ ડિશમાંથી ગોળો ખાતા કેમેરામાં કેદ થયા હતા, જે તેમની વચ્ચેના ગાઢ સંબંધોની ઝલક આપે છે. હર્ષ સંઘવી પણ હળવા મૂડમાં ધારાસભ્યો સાથે મજાક-મસ્તી કરતા જોવા મળ્યા હતા. મંત્રીઓને આ રીતે જાહેરમાં જોઈને ત્યાં હાજર સ્થાનિક લોકોમાં પણ ભારે કુતૂહલ અને ઉત્સાહ જોવા મળ્યો હતો.
UCC બિલની 7 કલાકની 'મેરેથોન' ઉલ્લેખનીય છે કે, આ બિલ પર ગૃહમાં બપોરે 3 વાગ્યાથી સતત 7 કલાક સુધી ઊંડાણપૂર્વક ચર્ચા ચાલી હતી. વિધાનસભાના ઇતિહાસમાં આ લાંબી બેઠકોમાંની એક રહી છે. વર્ષ 2019માં જ્યારે 17 કલાક સુધી ગૃહ ચાલ્યું હતું તેવો જ માહોલ ગઈકાલે પણ જોવા મળ્યો હતો. મહત્વના કાયદાકીય પડકારો અને ચર્ચાઓ પૂર્ણ કર્યા બાદ નેતાઓની આ 'ગોળા પાર્ટી' સોશિયલ મીડિયામાં પણ આકર્ષણનું કેન્દ્ર બની છે.