Loading Please Wait !!!
વડાપ્રધાનની અપીલ અને મંત્રીઓનો ઠઠારો: ગુજરાતના નેતાઓ સાચી સાદગી ક્યારે અપનાવશે?

  • કાફલામાંથી બે ગાડીઓ ઘટાડવી એ કરકસર કે માત્ર રાજકીય દેખાડો? જનતામાં ઉઠતા સવાલ
  • આચાર્ય દેવવ્રતની સાદગીની પ્રશંસા, જ્યારે સત્તાના ગલિયારાઓમાં વીઆઈપી કલ્ચર યથાવત
  • નાના લોકાર્પણ માટે પણ હેલિકોપ્ટરના ઉડાણ; વર્ચ્યુઅલ યુગમાં પણ તાયફાઓનો શોખ અકબંધ

સિટી ન્યુઝ @ ગાંધીનગર

વૈશ્વિક સ્તરે ખાડી યુદ્ધની વધતી જતી સંભાવનાઓ અને ઈંધણના આસમાને પહોંચતા ભાવો વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને પેટ્રોલ-ડીઝલના કરકસરયુક્ત વપરાશની નમ્ર અપીલ કરી છે. જોકે, ગુજરાતમાં આ અપીલનું પાલન કરવાને બદલે માત્ર રાજકીય દેખાડો થઈ રહ્યો હોવાના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે. સત્તાના ગલિયારાઓમાં મંત્રીઓની જીવનશૈલી અને વીઆઈપી કલ્ચર હજુ પણ અકબંધ જોવા મળી રહ્યું છે.

તાજેતરમાં રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના સુરક્ષા કાફલામાંથી બે-ચાર ગાડીઓ ઓછી કરીને એવી છાપ ઉભી કરવાનો પ્રયાસ થયો હતો કે સરકાર ભારે કરકસર કરી રહી છે. પરંતુ વિશ્લેષકોનું માનવું છે કે આ માત્ર પ્રતીકાત્મક ફેરફાર છે. કાફલામાં ગાડીઓ ઘટવાથી વાસ્તવિક ખર્ચમાં કોઈ મોટો તફાવત આવતો નથી, કારણ કે મંત્રીઓનો પ્રોટોકોલ અને વૈભવી ગાડીઓનો મોહ યથાવત છે.

બીજી તરફ, ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે એક નવી રાહ ચીંધી છે. તેમણે જાહેરાત કરી છે કે યુદ્ધની સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી તેઓ જરૂર પડ્યે એસ.ટી. બસ કે રેલવેમાં મુસાફરી કરશે. રાજ્યપાલની આ સાદગી સામે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી જેવા મંત્રીઓ દ્વારા હજુ પણ નાના કાર્યક્રમો માટે હેલિકોપ્ટર અને મોંઘી કારોનો ઉપયોગ કરવામાં આવે છે, જે વિરોધાભાસી ચિત્ર ઊભું કરે છે.

ડિજિટલ ક્રાંતિના આ યુગમાં જ્યારે અનેક કાર્યો વર્ચ્યુઅલી થઈ શકે છે, ત્યારે માત્ર 'રીબન કટિંગ' (ઉદ્ઘાટન) માટે મંત્રીઓનો રાજ્યભરમાં પ્રવાસ અને તે માટે થતો ઈંધણનો ખર્ચ સરકારી તિજોરી પર વધારાનો બોજ નાખી રહ્યો છે. પ્રજાને સુફિયાણી સલાહ આપતા નેતાઓ જો પોતે રાજ્યપાલની જેમ સાદગી અપનાવી જનતાની વચ્ચે રહેશે, તો જ વડાપ્રધાનની અપીલનો સાચો હેતુ સિદ્ધ થશે. નહિતર, આ માત્ર એક રાજકીય નાટક બનીને રહી જશે તેવી ચર્ચા સચિવાલયમાં જોર પકડી રહી છે.