Loading Please Wait !!!
"કાલાવડ ભાજપમાં મોટું ગાબડું: કદાવર પાટીદાર નેતા નાનજીભાઈ ચોવટીયા 'આપ'માં સામેલ"

  • ગોપાલ ઇટાલિયાએ ખેસ પહેરાવી કરાવ્યો પ્રવેશ - "ભાજપને જાકારો આપવાનો સમય પાકી ગયો છે" ના નારા સાથે કેસરિયો ત્યાગ્યો
  • 30 વર્ષની ભાજપ સાથેની સફરનો અંત - સેંકડો કાર્યકરો સાથે આમ આદમી પાર્ટીમાં શક્તિપ્રદર્શન.
  • શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેનનો સાથ મળતા જામનગરમાં AAP મજબૂત - પાટીદાર મતોમાં મોટા ફેરફારના એંધાણ

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના રાજકારણમાં આજે એક મોટો વિસ્ફોટ થયો છે. છેલ્લા ત્રણ દાયકાથી ભાજપ સાથે જોડાયેલા અને વિસ્તારના મજબૂત પાટીદાર નેતા તરીકે જાણીતા નાનજીભાઈ ચોવટીયાએ કેસરિયો ત્યાગીને આમ આદમી પાર્ટીનું 'ઝાડુ' પકડી લીધું છે. કાલાવડમાં આયોજિત 'આપ' ની એક વિશાળ જાહેર સભામાં ગોપાલ ઇટાલિયાના હસ્તે તેમણે પાર્ટીનો ખેસ ધારણ કર્યો હતો. આ પ્રસંગે નાનજીભાઈએ હુંકાર કરતા જણાવ્યું હતું કે, "ભાજપને જાકારો આપવાનો સમય હવે આવી ગયો છે."

નાનજીભાઈ ચોવટીયાની રાજકીય કારકિર્દી અત્યંત પ્રભાવશાળી રહી છે. 1994માં યુવા ભાજપ પ્રમુખ તરીકે સફર શરૂ કરનાર નાનજીભાઈ 1995માં કાલાવડ તાલુકા પંચાયતના સભ્ય બન્યા હતા. ત્યારબાદ 1998 થી 2005 સુધી તેમણે તાલુકા ભાજપ પ્રમુખ તરીકે સંગઠનને મજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. 2010 થી 2015 દરમિયાન તેઓ જિલ્લા પંચાયત સભ્ય અને શિક્ષણ સમિતિના ચેરમેન પણ રહ્યા હતા. શિક્ષણ ક્ષેત્રે તેમના કાર્યોને કારણે તેઓ લોકોમાં અત્યંત લોકપ્રિય છે.

આ પક્ષ પલટાથી કાલાવડ ભાજપના સંગઠનમાં મોટું ગાબડું પડ્યું હોય તેમ જણાય છે. વ્યવસાયે ખેડૂત અને ઉદ્યોગપતિ એવા નાનજીભાઈ પાટીદાર સમાજમાં પણ ઊંડી પકડ ધરાવે છે. તેમના AAP માં જોડાવાથી આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને વિધાનસભાના સમીકરણો બદલાઈ શકે છે. નાનજીભાઈની સાથે તેમના અનેક ટેકેદારો અને પાયાના કાર્યકર્તાઓએ પણ આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો હતો, જેનાથી ભાજપ છાવણીમાં સોપો પડી ગયો છે.

ગોપાલ ઇટાલિયાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, નાનજીભાઈ જેવા અનુભવી અને જમીની નેતાના જોડાવાથી જામનગર જિલ્લામાં આમ આદમી પાર્ટી વધુ મજબૂત બની છે. હવે પરિવર્તનની લહેર ગામડાઓ સુધી પહોંચી રહી છે. બીજી તરફ, ભાજપના સ્થાનિક નેતાઓ આ મામલે મૌન સેવી રહ્યા છે, પરંતુ આંતરિક રીતે ડેમેજ કંટ્રોલ માટે કવાયત શરૂ કરી દેવામાં આવી છે. કાલાવડ પંથકના રાજકારણમાં આ ઘટનાક્રમ આવનારા દિવસોમાં નવા જૂના થવાના એંધાણ આપી રહ્યો છે.