Loading Please Wait !!!
જામનગર રાજકારણમાં ગરમાવો: BSP ના પૂર્વ કોર્પોરેટર ફુરકાન શેખે પંજો પકડ્યો, વિક્રમ માડમની હાજરીમાં પહેર્યો ખેસ!

  • વોર્ડ નંબર 6 ના પૂર્વ કોર્પોરેટર કોંગ્રેસમાં જોડાયા – લાંચ કેસમાં વિવાદિત નેતાની એન્ટ્રીથી ચર્ચાઓ તેજ
  • પૂર્વ સાંસદ વિક્રમ માડમે કરાવ્યો પક્ષ પ્રવેશ – એસીબી (ACB) ના કેસમાં સંડોવાયેલા નેતાએ બદલ્યો પક્ષ
  • દિગુભા જાડેજા સહિતના આગેવાનોએ આવકાર્યા – લાંચ લેતા રંગેહાથ ઝડપાયેલા નેતાના પક્ષપલટાથી રાજકારણ ગરમાયું

ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે રાજકીય સમીકરણો ઝડપથી બદલાઈ રહ્યા છે. જામનગર મહાનગરપાલિકાના રાજકારણમાં આજે એક મોટો ફેરબદલ જોવા મળ્યો છે. વોર્ડ નંબર ૬ ના બહુજન સમાજ પાર્ટી (BSP) ના પૂર્વ કોર્પોરેટર ફુરકાન શેખે આજે સત્તાવાર રીતે કોંગ્રેસનો ખેસ ધારણ કરી લીધો છે. શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે આયોજિત એક કાર્યક્રમમાં વરિષ્ઠ નેતાઓની હાજરીમાં તેમણે પક્ષપલટો કર્યો હતો.

પૂર્વ સાંસદ વિક્રમ માડમ અને જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજાએ ફુરકાન શેખને પક્ષમાં આવકારી તેમની રાજકીય સફરને કોંગ્રેસ સાથે આગળ વધારવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. જામનગરના વોર્ડ નંબર ૬ માં લઘુમતી મતો અને સ્થાનિક વર્ચસ્વ જાળવી રાખવા માટે કોંગ્રેસનો આ એક મોટો દાવ માનવામાં આવી રહ્યો છે. જોકે, આ પક્ષપલટાની સાથે જ શહેરના રાજકીય વર્તુળોમાં અનેક પ્રકારની ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે.

ફુરકાન શેખનો ભૂતકાળ વિવાદોથી ભરેલો રહ્યો છે. તેઓ જ્યારે કોર્પોરેટર પદે હતા ત્યારે એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા તેમને લાંચ લેતા રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હતા. આ ભ્રષ્ટાચારના કેસમાં તેઓ જેલની હવા પણ ખાઈ ચૂક્યા છે અને હાલમાં પણ તેમની સામે કાનૂની પ્રક્રિયા ચાલુ છે. એક તરફ કોંગ્રેસ ભ્રષ્ટાચાર મુદ્દે સત્તાધારી પક્ષને ઘેરવાનો પ્રયાસ કરે છે, ત્યારે બીજી તરફ લાંચ કેસમાં સંડોવાયેલા નેતાને પક્ષમાં સ્થાન આપતા રાજકીય વિશ્લેષકો આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે.

ચૂંટણીના આરે પક્ષમાં નવા ચહેરાઓ ઉમેરવાની લ્હાયમાં કોંગ્રેસની છબી પર કેવી અસર પડશે તે જોવું રહ્યું. શું ફુરકાન શેખના જોડાવાથી કોંગ્રેસને વોર્ડ નંબર ૬ માં ફાયદો થશે કે પછી વિરોધ પક્ષો ભ્રષ્ટાચારના મુદ્દે કોંગ્રેસ પર પ્રહારો કરશે તે આગામી દિવસોમાં સ્પષ્ટ થશે. હાલ તો જામનગરના રાજકારણમાં આ 'ખેસ બદલી' નો મામલો ચર્ચાના કેન્દ્રમાં છે.