Loading Please Wait !!!
દવાના નામે ઝેર ! : રાજ્યમાં 1.21 કરોડનો નકલી જથ્થો ઝડપાયો

  • અમદાવાદ સહિત વડોદરા, સાવલી અને ભરૂચ જેવા સ્થળોએ ફાર્મા પેઢીઓ પર દરોડા
  • મેડિકલથી લઇ ફાર્મા કંપની સુધી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની તવાઇઃ અનેક ભોપાળા ખૂલ્યા
  • આયુર્વેદિક દવામાં એલોપેથિક ઘટકો મળ્યા : કોડીન ઘટક ધરાવતી સીરપનો મોટો જથ્થો મળ્યો
  • લાયસન્સ વગર દવાનું વેચાણ : પ્રિસ્ક્રિપ્શન વગર ઓનલાઇન ગેરકાયદે ઇન્જેક્શનનું  વેચાણ

    સિટી ન્યૂઝ@ગાંધીનગર : રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા વિવિધ સ્થળોએ દવાના નમૂનાઓનું સતત પરીક્ષણ કરી ભેળસેળ-વેચાણ કરતાં તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે અમદાવાદની ફાર્મા પેઢીઓ પરના દરોડામાં અંદાજે રૂ. ૧.૨૧ કરોડથી વધુ રકમનો શંકાસ્પદ દવાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત તંત્ર દ્વારા વડોદરા, સાવલી અને ભરૂચ જેવા સ્થળોએ ફાર્મા પેઢીઓ પર દરોડા પાડીને શંકાસ્પદ દવાનો જથ્થો જપ્ત કરીને કાર્યવાહી કરવામાં આવી છે.

    અમદાવાદ શહેરમાં પવન ફોર્મ્યુલેશન દ્વારા કોડીન ઘટક ધરાવતી સીરપનું મોટા પ્રમાણમાં સંગ્રહ કરવામાં આવતું હતું. તપાસ દરમિયાન સ્થળ પરમોટા પ્રમાણમાં નાર્કોટિક, આદત બનાવનારી અને દુરુપયોગ માટે સંવેદનશીલ દવાઓ મળી આવી હતી. આ ઉપરાંત તપાસ દરમિયાન ખરીદી અને વેચાણના રેકોર્ડમાં પણ ગંભીર પ્રકારની ક્ષતિઓ જોવા મળી હતી. અહી આશરે રૂ. ૭૬.૫૧ લાખ કરતાં વધુની કિંમતની દવાઓનો જથ્થો પ્રોહિબિટ કરવામાં આવ્યો હતો. 

    વધુમાં, અમદાવાદના મે. યુસુફ મેડીસીન્સ, ગોમતીપુર ખાતે HABBE AUJA નામની આયુર્વેદિક દવામાં એલોપેથિક ડાયક્લોફેનેક ઘટક મળી આવતા તેને સ્પૂરિયસ (બનાવટી) જાહેર કરી અંદાજિત રૂ. ૧૨ હજારની દવાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. Times Medicament Pvt. Ltd. મંજૂરી વિના જગ્યા બદલવા અને મોન્જારો ઇન્જેક્શનના બિલિંગમાં અનિયમિતતા બદલ રૂ. ૪.૬૦ લાખની દવાઓ જપ્ત કરવામાં આવી છે. મે. AEDMAX LIFECARE, AHMEDABAD દ્વારા REXCRON-T SYRUP-કોડીન સીરપના ગેરકાયદેસસર વેચાણ સાથે સંકળાયેલ પેઢીના પરવાના ૧૫ દિવસ માટે સ્થગિત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત Maxila Mediscience Pvt. Ltd. દ્વારા Tramadol અને Alprazolam જેવા સાયકોટ્રોપીક ઘટક ધરાવતી દવાઓનું ઉત્પાદન કરવામાં આવતું હતું.

    ALPHARD PHARMA કંપની એક્સ્પોર્ટ પરમિટ કાયમી રદ

    ઉપરાંત ભરૂચની ALPHARD PHARMA કંપની દ્વારા પણ 'ટાપેનટાડોલ હાઇડ્રોક્લોરાઇડ'ના ઊંચા ડોઝ ધરાવતી દવાઓનું ઉત્પાદન કરવામાં આવતું હતું. ભારત સરકાર દ્વારા એનઓસી રદ કરવામાં આવતા FDCA ગુજરાતે આ કંપનીની આ બનાવટ્ની એક્સ્પોર્ટ પરમિટ કાયમી રદ કરી છે.

    નશાકારક દવાના વેચાણ બદલ ઉત્પાદક પેઢીનું લાયસન્સ રદ 

    ઉપરાંત વડોદરાની M/S. AMICO FORMULATION LLP નામની દવા ઉત્પાદક પેઢી દ્વારા 'ટાપેનટાડોલ હાઇડ્રોક્લોરાઇડ' દવાના ઊંચા ડોઝનું ઉત્પાદન કરવામાં આવતું હતું. આ દવાઓનો આટલો ઊંચો ડોઝ તબીબી સારવારને બદલે માદક દ્રવ્ય તરીકે નશાના હેતુ માટે વપરાય તેવી પૂરી શક્યતા હોવાથી તંત્ર દ્વારા આ પેઢીની ઉત્પાદન પરમિટ તાત્કાલિક અસરથી રદ કરવામાં આવી છે.

        દવાના નમૂનાઓ પણ રીપોર્ટમાં ફેલ

         તંત્ર દ્વારા સાવલી તાલુકાના ઘંટીયાળ ગામે દરોડો પાડવામાં આવ્યો હતો. અહી તપાસ દરમિયાન M/S. AMICO FORMULATION LLP પેઢીના કુલ ૨૨ નમૂનાઓ લેવામાં આવ્યા હતા. જે પૈકી વડોદરાની લેબોરેટરી દ્વારા 'MIXACRIP CAPLETS'નો             નમૂનો "Not of Standard Quality" જાહેર કરવામાં  આવ્યો છે. અપ્રમાણસર જાહેર થયેલી દવાનો 'Stop Sale' અને 'Product Recall' માટે કંપનીને નોટિસ આપવામાં આવી છે તેમજ તમામ દવાનો જથ્થો હાલ સાવલી પોલીસ દ્વારા જપ્ત કરીને               કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે.