PM ના કાર્યક્રમમાં બસોના તાયફાથી જનતા 45 ડિગ્રી તાપમાનમાં શેકાશે
- 10 અને 11 મેના રોજ રાજ્યભરમાં એસટી ટ્રીપો રદ થતા ખાનગી વાહનો મચાવશે લૂંટ
સિટી ન્યૂઝ@રાજકોટ : ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા અને મીડિયા કોર્ડીનેટર હેમાંગ રાવલે રાજ્ય સરકાર પર આકરા પ્રહાર કરતા જણાવ્યું છે કે, આગામી 11 મે 2026 ના રોજ સોમનાથ ખાતે વડાપ્રધાનના 'અમૃત મહોત્સવ / સોમનાથ સ્વાભિમાન પર્વ' કાર્યક્રમ માટે રાજ્યભરમાંથી 2040 એસટી બસો ફાળવી દેવામાં આવી છે. પ્રજાના ટેક્સના પૈસે ચાલતી બસોને સરકારી તાયફાઓમાં ધકેલી દેવાતા સામાન્ય જનતા અને મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડશે.
હાલ રાજ્યભરમાં 8550 એસટી બસોમાં અંદાજે 29 લાખ લોકો નિયમિત મુસાફરી કરે છે. વડાપ્રધાનના આ કાર્યક્રમને કારણે 10 અને 11 મેના રોજ એસટીની અનેક ટ્રીપો કેન્સલ થશે, જેનાથી મુસાફરો રઝળી પડશે. કોંગ્રેસે જનતાને અપીલ કરી છે કે ખૂબ જ જરૂરી હોય તો જ આ બે દિવસ દરમિયાન એસટીમાં મુસાફરી કરવી, અન્યથા 45 ડિગ્રીના કાળઝાળ તાપમાનમાં હેરાન પરેશાન થવાનો વારો આવશે. બસો રદ થવાના કારણે ખાનગી વાહન ચાલકો સરકારી તંત્રની મીઠી નજર હેઠળ ઉઘાડી લૂંટ ચલાવશે, જેમાં ખાસ કરીને મહિલાઓ, સિનિયર સિટીઝનો અને બાળકોની હાલત વધુ કફોડી બનશે.
પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં બધી જ નવી બસો ફાળવી દેવામાં આવી છે, જ્યારે પ્રજાને નસીબે ભંગાર અને ગમે ત્યારે બ્રેકડાઉન થઈ જાય તેવી ખખડધજ બસો મૂકવામાં આવી છે. હેમાંગ રાવલે જણાવ્યું હતું કે, સરકારે પોતાની પ્રસિદ્ધિ માટે અત્યાર સુધીમાં અંદાજે 600 કરોડ રૂપિયાનો ધુમાડો કર્યો છે અને 60000 થી વધુ બસોની સેવાઓ પ્રજા પાસેથી ઝુંટવી લીધી છે. 300 થી 350 કિલોમીટર દૂરથી બસો ખાલી મોકલીને ડીઝલનો મોટો વેડફાટ અને સરકારી નાણાંનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે.
કોંગ્રેસે માંગ કરી છે કે આવા રાજકીય કાર્યક્રમો માટે ચૂંટણીની જેમ ખાનગી વાહનો ભાડે રાખીને તેનું યોગ્ય ભાડું ચૂકવવું જોઈએ, અને એસટી તંત્રને આવા તાયફાઓમાંથી મુક્તિ આપવી જોઈએ. ગત વખતે વડાપ્રધાનના કાર્યક્રમમાં 5500 ટ્રીપો કેન્સલ કરીને 2000 બસો ફાળવવામાં આવી હતી. સરકારે આ પ્રકારના કાર્યક્રમો પેટે એસટી તંત્રને કેટલા નાણાં ચૂકવવાના બાકી છે, તેની સ્પષ્ટતા ગુજરાતની જનતા સમક્ષ કરવી જોઈએ તેવી ઉગ્ર માંગ ઉઠાવવામાં આવી છે.