Loading Please Wait !!!
"જામનગરમાં નરાધમોને કડક સજા: 13 વર્ષની સગીરા પર દુષ્કર્મ ગુજારનાર બે આરોપીઓને 20 વર્ષની સખત કેદ"

  • પોક્સો અદાલતનો ઐતિહાસિક ચુકાદો - તોસીફહુશેન અને સમીર ગજીયાને જેલભેગા કરી ₹4 લાખનું વળતર ચૂકવવા આદેશ
  • આરોપીઓના કારણે સગીરા બની હતી ગર્ભવતી - જામનગર સ્પેશિયલ પોક્સો કોર્ટે સમાજમાં દાખલો બેસે તેવી સજા સંભળાવી.
  • તોસીફહુશેન લાખા અને સમીરહુશેન ગજીયા દોષિત જાહેર - સરકારી વકીલ જમન ભંડેરીની ધારદાર દલીલો ગ્રાહ્ય રખાઈ

જામનગરની સ્પેશિયલ પોક્સો અદાલતે આજે એક ઐતિહાસિક ચુકાદો સંભળાવતા 13 વર્ષની સગીરા પર દુષ્કર્મ ગુજારનારા બે નરાધમોને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. આરોપીઓએ સગીરાને વીડિયો બતાવી દેવાની ધમકી આપી વારંવાર શારીરિક શોષણ કર્યું હતું, જેના કારણે માસૂમ બાળા ગર્ભવતી બની હતી.

શું હતી સમગ્ર ઘટના? કેસની વિગત મુજબ, મુખ્ય આરોપી તોસીફહુશેન લાખાએ વર્ષ 2021-22 દરમિયાન સગીરા સાથે તેની મરજી વિરુદ્ધ અનેકવાર શારીરિક સંબંધો બાંધ્યા હતા. આ દરમિયાન અન્ય આરોપી સમીરહુશેન ગજીયાએ આ કૃત્યનો વીડિયો પોતાની પાસે હોવાનું કહી સગીરાને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું. વીડિયો વાયરલ કરવાની ધમકી આપી સમીરે પણ સગીરાને પીંખી નાખી હતી. આ અત્યાચારના કારણે સગીરા ગર્ભવતી બની જતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો.

કોર્ટમાં પુરાવાઓનો ખડકલો સરકારી વકીલ જમન કે. ભંડેરીએ અદાલત સમક્ષ 10 સાક્ષીઓની જુબાની અને 40 જેટલા દસ્તાવેજી પુરાવાઓ રજૂ કર્યા હતા. તેમણે દલીલ કરી હતી કે આવા ગુનાઓ સમાજ માટે કલંક સમાન છે અને બાળાઓ પર તેની ગંભીર માનસિક અસર પડે છે. આરોપીઓને એવી સજા થવી જોઈએ કે જેથી અન્ય કોઈ આવું કૃત્ય કરતા સો વાર વિચાર કરે.

ન્યાયાધીશનો કડક ચુકાદો બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ ન્યાયાધીશ આર.પી. મોગેરાએ ગુનાની ગંભીરતાને ધ્યાને રાખી બંને આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા. કોર્ટે તોસીફહુશેન અને સમીરને 20-20 વર્ષની સખત કેદ અને દંડ ફટકાર્યો છે. આ સાથે જ ભોગ બનનાર બાળાના પુનઃવસન માટે સરકાર તરફથી ₹4,00,000 નું વળતર અપાવવાનો પણ મહત્વનો આદેશ કર્યો છે.