અમદાવાદમાં PCB ના બેવડા દરોડા: લક્ઝરી કાર અને ચાની લારીમાંથી દારૂ ઝડપાયો
- વૈષ્ણોદેવી બ્રિજ અને વટવામાંથી કુલ 1,034 દારૂની બોટલો જપ્ત; બે સગા ભાઈઓની ધરપકડ.
- 28.47 લાખથી વધુનો મુદ્દામાલ કબજે; વટવામાં લિસ્ટેડ બુટલેગર પોલીસને થાપ આપી ફરાર.
- વટવા GIDC માં બંધ લારીમાંથી 627 બોટલો મળી; ફરાર બુટલેગર અજય રાજપુતની શોધખોળ તેજ.
સિટી ન્યુઝ @ અમદાવાદ : અમદાવાદ શહેરમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે PCB (પ્રીવેન્શન ઓફ ક્રાઈમ બ્રાન્ચ) એ બે અલગ-અલગ સ્થળોએ દરોડા પાડીને વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. સોલા વિસ્તારમાં એક લક્ઝુરિયસ કારમાંથી અને વટવામાં એક બંધ ચાની લારીમાંથી દારૂની બોટલો જપ્ત કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રથમ દરોડામાં, રાજસ્થાનના પાલીથી લક્ઝુરિયસ કારમાં દારૂ અમદાવાદ લવાતો હોવાની બાતમીના આધારે વૈષ્ણોદેવી બ્રિજ પાસે વોચ ગોઠવવામાં આવી હતી.
પોલીસે શંકાસ્પદ કારને અટકાવી તલાશી લેતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 407 બોટલો મળી આવી હતી. આ મામલે કારમાં સવાર બે સગા ભાઈઓ દિલીપકુમાર ચૌહાણ અને સંજયકુમાર મુલચંદ ચૌહાણની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે 3,26,708 રૂપિયાની કિંમતનો દારૂ અને લક્ઝરી કાર સહિત કુલ 28,47,708 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપીઓ રાજસ્થાનથી આ જથ્થો લાવ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
બીજા એક ઓપરેશનમાં, પીસીબીએ વટવા GIDC પોલીસ સ્ટેશનની હદમાં ફેઝ-2 માં આવેલા ટોરેન્ટ સબ સ્ટેશન પાસે દરોડો પાડ્યો હતો. અહીં પ્લોટ નંબર 251 થી 244 ની વચ્ચે આવેલી એક બંધ ચાની લારીની તપાસ કરતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. લારીની અંદર ગુપ્ત રીતે છુપાવેલો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે અહીંથી કુલ 627 બોટલો જપ્ત કરી છે, જેની બજાર કિંમત આશરે 2,55,174 રૂપિયા હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસ તપાસમાં ખુલ્યું છે કે વટવામાં પકડાયેલો આ દારૂનો જથ્થો લિસ્ટેડ બૂટલેગર ઉગ્રસેનસિંગ ઉર્ફે અજય રવિકરણસિંગ રાજપુત દ્વારા મંગાવવામાં આવ્યો હતો. જોકે, પોલીસ દરોડા દરમિયાન આરોપી અજય રાજપુત સ્થળ પરથી ફરાર થઈ જવામાં સફળ રહ્યો હતો. બુટલેગરે ચાની લારીનો ઉપયોગ દારૂના સ્ટોરેજ માટે કરીને પોલીસની નજરથી બચવા માટે નવો કીમિયો અપનાવ્યો હતો, જેનો આખરે પર્દાફાશ થયો છે.
હાલમાં પોલીસે ફરાર લિસ્ટેડ બૂટલેગરને ઝડપી પાડવા માટે વિવિધ ટીમો બનાવીને ચક્રો ગતિમાન કર્યા છે. બંને કિસ્સાઓમાં પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. અમદાવાદ પોલીસની આ કાર્યવાહીથી બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. પોલીસ આગામી દિવસોમાં પણ દારૂના વેચાણ અને હેરાફેરી અટકાવવા માટે દરોડા ચાલુ રાખશે તેવા સંકેત આપ્યા છે.