Loading Please Wait !!!
કેશોદના પ્રથમ નાગરિક કોણ? નગરપાલિકાના નવા મહિલા પ્રમુખ માટે 5 નામોની જોરદાર ચર્ચા

  • બક્ષીપંચ મહિલા અનામત બેઠક પર ભાજપના પાંચ મૂરતિયા મેદાનમાં; કયા વોર્ડનું નસીબ ખુલશે?
  • જૂની થીયરી ચાલશે કે નવા સમીકરણો? શહેરના રાજકારણમાં અટકળોનો દોર શરૂ.
  • વોર્ડ નંબર 1, 3, 5, 8 અને 9 ના કાઉન્સિલરો વચ્ચે સ્પર્ધા; ભાજપ હાઈકમાન્ડ પર સૌની નજર

સિટી ન્યૂઝ @ કેશોદ : કેશોદ નગરપાલિકામાં અઢી વર્ષની મુદત પૂર્ણ થતા હવે નવા પ્રમુખની વરણી માટેની પ્રક્રિયા તેજ બની છે. આ વખતે પ્રમુખપદ બક્ષીપંચ (OBC) મહિલા માટે અનામત રાખવામાં આવ્યું હોવાથી ભાજપના ચૂંટાયેલા પાંચ મહિલા સભ્યો વચ્ચે સ્પર્ધા જામી છે. કયા વોર્ડના મહિલા સભ્યને શહેરના પ્રથમ નાગરિક બનવાનું બહુમાન મળશે તે અંગે અત્યારે સમગ્ર શહેરમાં ભારે ચર્ચા જાગી છે.

પક્ષ દ્વારા લેવામાં આવેલી સેન્સ પ્રક્રિયા દરમિયાન પાંચ મુખ્ય નામો ઉભરીને સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર એકમાંથી ભારતીબેન કામરિયા, વોર્ડ નંબર ત્રણમાંથી હેતલબેન માવદીયા, વોર્ડ નંબર પાંચમાંથી પ્રતિક્ષાબેન દેવળીયા, વોર્ડ નંબર આઠમાંથી ચંદ્રીકાબેન ભોપાળા અને વોર્ડ નંબર નવમાંથી દક્ષાબેન ભરડાના નામોની જોરશોરથી ચર્ચા ચાલી રહી છે. આ પાંચેય મહિલા ઉમેદવારો બક્ષીપંચ સમાજમાંથી આવે છે અને પોતપોતાના વોર્ડમાં મજબૂત પકડ ધરાવે છે.

કેશોદના રાજકીય વિશ્લેષકોમાં એ વાતની પણ ચર્ચા છે કે છેલ્લા બે ટર્મથી જે પદ્ધતિ અને થીયરી મુજબ પ્રમુખ નક્કી કરવામાં આવ્યા છે, તે જ પરંપરા આ વખતે જળવાશે કે પછી ભાજપ હાઈકમાન્ડ કોઈ નવા સમીકરણો કે પરિબળોને આધારે નિર્ણય લેશે. સામાન્ય રીતે પ્રાદેશિક સંતુલન અને આગામી ચૂંટણીઓના સમીકરણોને ધ્યાનમાં રાખીને નામ નક્કી કરવામાં આવતા હોય છે, ત્યારે આ વખતે કયા વોર્ડને પ્રાધાન્ય આપવામાં આવશે તેના પર સૌની નજર ટકેલી છે.

નગરપાલિકામાં સત્તાધારી પક્ષ ભાજપના મોવડી મંડળ દ્વારા આ પાંચેય દાવેદારોના બાયોડેટા અને તેમની કાર્યક્ષમતાની ચકાસણી કરવામાં આવી રહી છે. જૂથવાદ ન સર્જાય અને વિકાસના કામો વેગવંત બને તેવા મક્કમ નેતૃત્વની શોધ અત્યારે પક્ષ કરી રહ્યો છે. 6 થી 8 મે દરમિયાન ગાંધીનગરમાં યોજાનારી ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં કેશોદ સહિતની પાલિકાઓના પ્રમુખોના નામ પર આખરી મહોર મારવામાં આવશે.

કેશોદ શહેરના મતદારો અને કાર્યકર્તાઓમાં પણ આ નામોને લઈને ઉત્તેજના જોવા મળી રહી છે. શું કોઈ નવો ચહેરો બાજી મારશે કે પછી અનુભવી મહિલા સભ્યને જવાબદારી સોંપાશે? આ સવાલનો જવાબ હવે ગણતરીના દિવસોમાં મળી જશે. નવા મહિલા પ્રમુખ સામે શહેરના ટ્રાફિક, સફાઈ અને પાણી જેવા પાયાના પ્રશ્નો ઉકેલવાનો મોટો પડકાર હશે. અત્યારે તો કેશોદના ચોરે અને ચૌટે બસ એક જ ચર્ચા છે - "કોણ બનશે કેશોદના નવા પ્રમુખ?"