કૈલાશ માનસરોવર યાત્રા પર નેપાળનો આડોડાઈ: લિપુલેખ માર્ગે વિરોધ
- પીએમ બાલેન શાહે ભારત અને ચીનને મોકલી ડિપ્લોમેટિક પ્રોટેસ્ટ નોટ
- સુગૌલી સંધિનો હવાલો આપી ભારત-ચીન સામે નેપાળે નોંધાવ્યો સખત વાંધો
- અમારી મંજૂરી વિના લિપુલેખમાં વેપાર કે યાત્રા મંજૂર નથી : નેપાળી વિદેશ મંત્રાલય
કાઠમંડુ | સિટી ન્યૂઝ : ચીન સાથે વર્ષ 2020માં થયેલા ગલવાન સંઘર્ષના પાંચ વર્ષ બાદ ફરી શરૂ થઈ રહેલી કૈલાશ માનસરોવર યાત્રા વિવાદના વમળમાં ફસાઈ છે. ભારતના વિદેશ મંત્રાલયે જૂન 2026થી શરૂ થનારી આ ધાર્મિક યાત્રા માટે નોંધણી પ્રક્રિયા શરૂ કરી દીધી છે અને ચીને પણ તેને મંજૂરી આપી છે. જોકે, આ દરમિયાન નેપાળના નવા વડાપ્રધાન બાલેન શાહે ઉત્તરાખંડના લિપુલેખ માર્ગેથી આ યાત્રાના સંચાલન સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. નેપાળે આ મુદ્દે ભારત અને ચીન બંને દેશોને સત્તાવાર પત્ર લખીને પોતાનો વાંધો વ્યક્ત કર્યો છે.
નેપાળની બાલેન સરકારે ભારત અને ચીનને ડિપ્લોમેટિક પ્રોટેસ્ટ નોટ મોકલીને સ્પષ્ટ કર્યું છે કે ઉત્તરાખંડ નજીક આવેલો લિપુલેખ વિસ્તાર તેમનો અભિન્ન ભાગ છે. નેપાળના વિદેશ મંત્રાલયના પ્રવક્તા લોકબહાદુર પૌડેલ ક્ષેત્રીએ જણાવ્યું હતું કે, લિપુલેખના માર્ગે કૈલાશ માનસરોવર યાત્રા ચલાવવાની યોજના સામે નેપાળને સખત વાંધો છે. નેપાળનું કહેવું છે કે તેમની પૂર્વ મંજૂરી વિના કોઈપણ પડોશી દેશને આ ક્ષેત્રનો ઉપયોગ રસ્તો બનાવવા, વેપાર કરવા કે તીર્થયાત્રા માટે કરવાનો અધિકાર નથી.
નેપાળના વિદેશ મંત્રી શિશિર ખનાલે આ બાબતે સ્પષ્ટતા કરતા કહ્યું કે, આ પ્રોટેસ્ટ નોટ મોકલવાનો નિર્ણય કોઈ એક નેતાનો વ્યક્તિગત નિર્ણય નથી, પરંતુ નેપાળના તમામ રાજકીય પક્ષો સાથે વ્યાપક ચર્ચા કર્યા બાદ લેવામાં આવ્યો છે. નેપાળ દ્વારા જાહેર કરાયેલી પ્રેસ નોટમાં દાવો કરવામાં આવ્યો છે કે વર્ષ 1816ની સુગૌલી સંધિ મુજબ મહાકાલી નદીના પૂર્વમાં આવેલા લિમ્પિયાધુરા, લિપુલેખ અને કાલાપાની વિસ્તાર નેપાળની સરહદમાં આવે છે, તેથી ત્યાં ભારતની કોઈપણ પ્રકારની પ્રવૃત્તિ ગેરકાયદેસર છે.
બાલેન સરકારે અગાઉ પણ અનેક વખત ભારત સરકારને આ વિસ્તારમાં બાંધકામ કે પ્રવૃત્તિઓ ન કરવા વિનંતી કરી હતી, પરંતુ હવે તેમણે ઔપચારિક રીતે આંતરરાષ્ટ્રીય સ્તરે વિરોધ નોંધાવ્યો છે. બીજી તરફ, ભારતીય વિદેશ મંત્રાલયના આયોજન મુજબ આ વર્ષે જૂન અને ઓગસ્ટ દરમિયાન 1,000 પ્રવાસીઓ 50-50ના જૂથમાં આ યાત્રા પૂર્ણ કરવાના છે. આ યાત્રા માટે સિક્કિમના નાથૂ લા અને ઉત્તરાખંડના લિપુલેખ એમ બે માર્ગો નિર્ધારિત કરવામાં આવ્યા છે, જેની ઓનલાઈન નોંધણી આગામી 19 મે સુધી ચાલશે.
હાલમાં ભારત અને ચીન વચ્ચેના સંબંધોમાં ધીમે ધીમે સુધારો થઈ રહ્યો છે અને યાત્રા માટે બંને દેશો સહમત છે, ત્યારે નેપાળનો આ વિરોધ રાજદ્વારી સ્તરે નવી ગૂંચવણો ઉભી કરી શકે છે. હજારો શ્રદ્ધાળુઓની આસ્થા સાથે જોડાયેલી આ યાત્રા નિર્વિઘ્ને પૂર્ણ થશે કે કેમ, તે હવે ભારત અને નેપાળ વચ્ચેના આગામી દિવસોના ડિપ્લોમેટિક વાર્તાલાપ પર નિર્ભર રહેશે. નેપાળના આ કડક વલણને કારણે સરહદી વિસ્તારોમાં ફરી એકવાર તણાવ વધવાની શક્યતા સેવાઈ રહી છે.