ગુજરાત પોલીસના 'ચેક'નો રાષ્ટ્રીય ડંકો: 16 વર્ષ બાદ ઓલ ઇન્ડિયા પોલીસ ડ્યુટી મીટમાં જીત્યો 'ગોલ્ડ'!
- નાગપુરમાં યોજાયેલી સ્પર્ધામાં 45 દિગ્ગજ શ્વાનોને પાછળ છોડી ટ્રેકિંગમાં મેળવી સિદ્ધિ
- ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ સાથે ડબલ ધમાકા – DGP કે.એલ.એન. રાવે ડોગ હેન્ડલર રમેશ ખાંટને આપ્યા અભિનંદન
- 200થી વધુ શ્વાનો વચ્ચે યોજાયો હતો જંગ – કર્નલ ચંદનસિંહ રાઠોડની તાલીમ રંગ લાવી
ગુજરાત પોલીસના K9 સ્ક્વોડ માટે ગર્વ લેવા જેવી ક્ષણ આવી છે. રાજ્ય પોલીસના 'ચેક' નામના નર શ્વાને રાષ્ટ્રીય ફલક પર પોતાની ક્ષમતાનો પરચો આપતા 69મી ઓલ ઈન્ડિયા પોલીસ ડ્યુટી મીટમાં ગોલ્ડ મેડલ જીતી લીધો છે. માર્ચ અને એપ્રિલ 2026 દરમિયાન મહારાષ્ટ્રના નાગપુર ખાતે યોજાયેલી આ પ્રતિષ્ઠિત સ્પર્ધામાં 'ચેક' એ ટ્રેકિંગ કેટેગરીમાં દેશભરના 45 દિગ્ગજ પોલીસ શ્વાનોને પાછળ છોડીને સુવર્ણ ચંદ્રક પર કબજો કર્યો છે.
આ સફળતા એટલા માટે વિશેષ છે કારણ કે ગુજરાત પોલીસે પૂરા 16 વર્ષ બાદ આ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો છે. આજે ગાંધીનગર સ્થિત પોલીસ ભવન ખાતે રાજ્યના પોલીસ વડા (DGP) કે.એલ.એન. રાવે 'ચેક', તેના સમર્પિત હેન્ડલર રમેશ ખાંટ અને ડોગ ટ્રેનિંગ કન્સલ્ટન્ટ કર્નલ ચંદનસિંહ રાઠોડનું વિશેષ સન્માન કર્યું હતું. આ તકે DGPએ જણાવ્યું હતું કે આ સિદ્ધિ રાજ્ય પોલીસની અત્યાધુનિક તાલીમ અને શ્વાનોની તીક્ષ્ણ બુદ્ધિનું પરિણામ છે.
ટ્રેકિંગ ઉપરાંત 'ચેક' એ ઓવરઓલ કેટેગરીમાં પણ બ્રોન્ઝ મેડલ જીત્યો છે. આ નેશનલ ચેમ્પિયનશિપ માટે ગુજરાત પોલીસે કુલ નવ ડોગ્સની પસંદગી કરી હતી, જેમાંથી છ શ્વાને નાર્કોટિક્સ શોધ, વિસ્ફોટક તપાસ અને ટ્રેકિંગ જેવી વિવિધ ઈવેન્ટ્સમાં ભાગ લીધો હતો. ડોગ ટ્રેનિંગ કન્સલ્ટન્ટ ચંદનસિંહ રાઠોડે જણાવ્યું કે આ ગોલ્ડ મેડલ મેળવવા માટે છેલ્લા ઘણા મહિનાઓથી કડક તાલીમ અને વિશેષ આહારનું શેડ્યૂલ અનુસરવામાં આવ્યું હતું.
રાજ્યના વિવિધ જિલ્લાઓમાં હાલમાં આશરે 160 જેટલા પોલીસ શ્વાન કાર્યરત છે, જે ગુનાશોધનમાં પાયાની ભૂમિકા ભજવે છે. રાજકોટમાં પણ પોલીસ ડોગ સ્ક્વોડ અનેક જટિલ કેસો ઉકેલવામાં મદદરૂપ થઈ છે, ત્યારે 'ચેક'ની આ રાષ્ટ્રીય સફળતાથી સમગ્ર પોલીસ બેડામાં ઉત્સાહનો માહોલ છે. આ વિજય સાબિત કરે છે કે ટેકનોલોજીની સાથે સાથે કુદરતી રીતે તીક્ષ્ણ બુદ્ધિ ધરાવતા આ મૂંગા સાથીઓ આજે પણ સુરક્ષા અને તપાસમાં અનિવાર્ય છે.