અમદાવાદના ઈસનપુરમાં મેગા ડિમોલિશન: 160થી વધુ ગેરકાયદે બાંધકામો જમીનદોસ્ત
- આંબા તળાવની 26,000 ચોરસ મીટર સરકારી જમીન ખુલ્લી કરાવવા તંત્રની કડક કાર્યવાહી
- ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ઈસનપુરમાં બુલડોઝર ગર્જ્યા, કાચા-પાકા મકાનો તોડી પડાયા
- મોની હોટેલ નજીક આંબા તળાવને ઊંડું કરવા માટે AMC અને તંત્રની લાલ આંખ
સિટી ન્યુઝ @ અમદાવાદ
અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા ઈસનપુરમાં સરકારી જમીન પરના ગેરકાયદે બાંધકામો અને દબાણો સામે મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા કડક હાથે મેગા ડિમોલિશનની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. રાજ્ય સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીના તળાવોમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા લોકોને દૂર કરી તળાવનો અસલી કબજો લેવાની આ ઝુંબેશથી સમગ્ર પૂર્વ વિસ્તારમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે. આ કવાયતના ભાગરૂપે દક્ષિણ ઝોનના લાંભા વોર્ડમાં આવેલા ઈસનપુર વિસ્તારની મોની હોટેલવાળી ગલીમાં, શાક માર્કેટ પાસેના આંબા તળાવની આશરે ૨૬,૦૦૦ ચોરસ મીટર કિંમતી જગ્યાને ખુલ્લી કરાવવા માટે તંત્રએ કમર કસી છે.
મળતી વિગતો મુજબ, આંબા તળાવની અંદર આશરે ૧૬૦થી વધારે નાના-મોટા કાચા તેમજ પાકા મકાનોના ગેરકાયદેસર બાંધકામો ખડકાઈ ગયા હતા, જેમાં લોકો વર્ષોથી વસવાટ કરી રહ્યા હતા. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવીને આ તમામ ગેરકાયદે આશિયાનાઓને તોડી પાડવાની શરૂઆત કરવામાં આવી છે. જોકે, આ કાર્યવાહી દરમિયાન સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ અને ગમગીની જોવા મળી રહી છે. બેઘર બનેલા કેટલાક પરિવારોએ રડતા-રડતા વિરોધ નોંધાવ્યો છે કે, "અમે મકાન વગર રોડ પર રખડીશું અને અહીંયા જ પડ્યા રહીશું."
મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, શહેરમાં વિવિધ વિસ્તારોમાં આવેલી તળાવોની જમીનો પર મોટા પાયે દબાણો થઈ ગયા છે, જેને મુક્ત કરાવીને તળાવોને ઊંડા કરવાની મહત્ત્વની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. ઈસનપુરમાં આ કાર્યવાહી પૂર્વે જ લોકોને નોટિસ આપીને મકાનો ખાલી કરી દેવા કડક સૂચના આપવામાં આવી હતી. તંત્રએ માનવતાવાદી અભિગમ અપનાવતા એ પણ સ્પષ્ટ કર્યું છે કે જે નાગરિકો પાસે ત્યાં વર્ષોથી વસવાટ કરતા હોવાના કાયદેસરના પુરાવા હશે, તેમની પાસેથી ફોર્મ ભરાવીને નિયમ મુજબ વૈકલ્પિક આવાસની વ્યવસ્થા કરી આપવામાં આવશે.
તળાવોને ઊંડા કરી જળસંચય વધારવાનો AMCનો માસ્ટર પ્લાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાથ ધરાયેલા આ મેગા ડિમોલિશનનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર જમીન ખુલ્લી કરાવવાનો નથી, પરંતુ ચોમાસા પૂર્વે શહેરના પરંપરાગત તળાવોને દબાણમુક્ત કરીને તેમને ઊંડા કરવાનો છે. આંબા તળાવની ૨૬,૦૦૦ ચો.મી. જગ્યા ખુલ્લી થવાથી જળસંચયની ક્ષમતા વધશે અને આસપાસના વિસ્તારોમાં ભૂગર્ભ જળના સ્તર ઊંચા લાવવામાં મોટી મદદ મળશે.