Loading Please Wait !!!
માણસામાં તસ્કરોનો આતંક: એક જ રાતમાં માર્કેટ યાર્ડની 17 અને લોદરામાં 4 દુકાનોના તાળા તૂટ્યા

 

  • મધરાતે સુરક્ષા વ્યવસ્થા ભેદી તસ્કર ટોળકી ત્રાટકી; સીસીટીવી ફૂટેજ અને ફિંગર પ્રિન્ટના આધારે તપાસ શરૂ

  •  ગલ્લાઓમાંથી રોકડ રકમની લૂંટ અને સામાન વેરવિખેર; વેપારી સંગઠનોમાં ભારે રોષ અને આક્રોશ

  •  વહેલી સવારે વેપારીઓ ચોંકી ઉઠ્યા; ડોગ સ્ક્વોડ અને એક્સપર્ટ્સની ટીમ ઘટનાસ્થળે, મુદ્દામાલની ગણતરી ચાલુ

    ગાંધીનગર જિલ્લાના માણસા પંથકમાં ગત રાત્રે તસ્કરોએ તરખાટ મચાવી પોલીસની સુરક્ષા વ્યવસ્થાને ખુલ્લો પડકાર ફેંક્યો છે. તસ્કર ટોળકીએ એક જ રાતમાં માણસા માર્કેટ યાર્ડની 17 થી વધુ દુકાનો તેમજ લોદરા ગામની 4 દુકાનોના તાળા તોડી ચોરીને અંજામ આપતા સમગ્ર જિલ્લામાં ચકચાર મચી ગઈ છે. લાઇનબદ્ધ દુકાનોના શટર તોડી તસ્કરો લાખોની રોકડ રકમ લઈ ફરાર થઈ ગયા છે.

    ઠંડા કલેજે ચોરીને અંજામ આપ્યો પ્રાપ્ત વિગતો અનુસાર, 17 એપ્રિલની મધરાતે તસ્કરોએ પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે માર્કેટ યાર્ડમાં પ્રવેશ કર્યો હતો. કોઈ પણ ડર વગર તસ્કરોએ એક પછી એક લાઈનસર 17 થી વધુ દુકાનોના તાળા તોડ્યા હતા. આજે વહેલી સવારે જ્યારે વેપારીઓ માર્કેટ યાર્ડ પહોંચ્યા ત્યારે લાઈનબદ્ધ દુકાનોના તાળા તૂટેલા અને શટર અધખુલ્લા જોઈ ચોંકી ઉઠ્યા હતા. અંદર તપાસ કરતા ગલ્લાઓમાંથી રોકડ રકમની ચોરી થઈ હોવાનું અને માલ-સામાન વેરવિખેર હાલતમાં મળી આવ્યો હતો.

    માણસા અને લોદરામાં તરખાટ માત્ર માર્કેટ યાર્ડ જ નહીં, તસ્કરોએ માણસા તાલુકાના લોદરા ગામને પણ નિશાન બનાવ્યું હતું. અહીં પણ 4 દુકાનોના તાળા તોડી ચોરી કરવામાં આવી હતી. આ ઘટનાને પગલે વેપારીઓમાં ભારે રોષ અને ફફડાટ જોવા મળી રહ્યો છે. વેપારીઓનો આક્ષેપ છે કે પોલીસનું નાઈટ પેટ્રોલિંગ માત્ર કાગળ પર જ છે, જેના કારણે તસ્કરો આટલી મોટી સંખ્યામાં દુકાનોને નિશાન બનાવવામાં સફળ રહ્યા છે.

    ઉચ્ચ સ્તરીય તપાસ શરૂ ઘટનાની જાણ થતા જ માણસા પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. કેસની ગંભીરતાને જોતા ડોગ સ્ક્વોડ, ફિંગર પ્રિન્ટ એક્સપર્ટ્સ અને સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે. હાલમાં પોલીસે ભોગ બનનાર વેપારીઓની યાદી તૈયાર કરી કુલ કેટલા મુદ્દામાલની ચોરી થઈ છે તેની વિગતો મેળવવાની તજવીજ શરૂ કરી છે. પોલીસે શંકાસ્પદ લોકોની પૂછપરછ અને નાકાબંધી કરી તસ્કરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.