"નસવાડીના નારધા જંગલોમાં આગનું તાંડવ: હજારો વૃક્ષો બળીને ખાખ, વન્યજીવોના અસ્તિત્વ સામે જોખમ"
- ડુંગરાળ વિસ્તારમાં ભીષણ આગ વિકરાળ બની - કુદરતી સંપત્તિનો સોથ વળ્યો છતાં તંત્ર ઊંઘમાં
- પવનની ગતિએ આગને આપી રફ્તાર - વન વિભાગની નિષ્ક્રિયતા સામે સ્થાનિકોમાં ભારે રોષ
- ધુમાડાના ગોટેગોટાથી પર્યાવરણને મોટું નુકસાન - કલાકો વીત્યા છતાં આગ બુઝાવવાની કામગીરી ઠપ્પ
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં આવેલા નારધા ગામના જંગલ અને ડુંગરાળ વિસ્તારમાં રવિવારે ભીષણ આગ ફાટી નીકળતા પર્યાવરણ પ્રેમીઓ અને સ્થાનિકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. અચાનક લાગેલી આ આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા હજારોની સંખ્યામાં અમૂલ્ય વૃક્ષો અને વનસ્પતિ બળીને ખાખ થઈ ગયા છે. ડુંગરો પર લાગેલી આ આગના ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી જોઈ શકાતા હોવાથી લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, નારધા ગામની સીમમાં આવેલા ડુંગરો પર લાગેલી આગ પવનની તેજ ગતિને કારણે જંગલના ઊંડા વિસ્તારોમાં ઝડપથી પ્રસરી રહી છે. આ આગમાં જંગલની જૈવ-વિવિધતાને મોટું નુકસાન પહોંચ્યું છે. હજારો નાના-મોટા વૃક્ષો અગનજ્વાળાઓમાં લપેટાઈ ગયા છે, જેના કારણે જંગલમાં વસતા પશુ-પક્ષીઓ અને વન્યજીવોના અસ્તિત્વ સામે પણ ગંભીર જોખમ ઊભું થયું છે. વન્યજીવો જીવ બચાવવા સુરક્ષિત સ્થળોએ ભાગી રહ્યા હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.
આ ભીષણ હોનારત વચ્ચે વન વિભાગની નિષ્ક્રિયતા સામે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે જંગલ વિસ્તારમાં અવારનવાર આગ લાગવાની ઘટનાઓ બનતી હોવા છતાં વન વિભાગ દ્વારા કોઈ આગોતરા પગલાં કે ફાયર સેફ્ટીની વ્યવસ્થા કરવામાં આવતી નથી. આગ લાગ્યાના કલાકો વીતી ગયા હોવા છતાં તંત્ર દ્વારા આગ પર કાબૂ મેળવવાની કોઈ નક્કર કામગીરી જમીન પર દેખાતી નથી. તંત્રની આ લાપરવાહીને કારણે કુદરતી સંપત્તિ રાખમાં ફેરવાઈ રહી છે.
હાલમાં નારધા પંથકના ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે, કારણ કે જો આગ પર વહેલી તકે કાબૂ મેળવવામાં નહીં આવે, તો આગ પવનની દિશામાં આગળ વધીને આસપાસના ખેતરો અને રહેણાંક વિસ્તારો સુધી પહોંચી શકે છે. જંગલની આ આગને બુઝાવવા માટે વન વિભાગ અને ફાયર બ્રિગેડની ટીમ સક્રિય થાય અને વધુ નુકસાન અટકે તેવી પ્રબળ માંગ ઉઠી રહી છે.