ગુજરાત વન વિભાગમાં 'સર્જિકલ સ્ટ્રાઈક': એ.પી. સિંઘને હેડ ઓફ ફોરેસ્ટ પદેથી હટાવી કોર્પોરેશનમાં મોકલાયા!
- જયપાલસિંઘને સોંપાયો વન વિભાગનો વધારાનો ચાર્જ - સચિવાલયના ગલિયારાઓમાં બદલીના ઘાએ મચાવી હલચલ
- સરકારના આકરા વલણથી વન વિભાગમાં ફફડાટ - સનદી અધિકારીઓના પોર્ટફોલિયોમાં ધરખમ ફેરફાર
- ડેપ્યુટી સેક્રેટરી સ્તરે પણ મોટા ફેરફાર - ભાવનગર સિવિલ ડિફેન્સમાં આસવ ગઢવીની ટ્રાન્સફર
ગુજરાત સરકાર દ્વારા વન વિભાગના વહીવટી માળખામાં ધરખમ ઉથલપાથલ કરવામાં આવી છે. રાજ્યના વન વિભાગના સર્વોચ્ચ પદ 'હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ' પર કાર્યરત એ.પી. સિંઘની અચાનક બદલી કરી દેવામાં આવતા સચિવાલયમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. એ.પી. સિંઘને હવે ગુજરાત સ્ટેટ ફોરેસ્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશનમાં મેનેજિંગ ડિરેક્ટર (MD) તરીકે નિમણૂક આપવામાં આવી છે, જે પદ મુખ્ય વિભાગના વડાની સરખામણીએ સાઈડ પોસ્ટિંગ માનવામાં આવે છે.
એ.પી. સિંઘની વિદાય બાદ વન વિભાગનો વધારાનો હવાલો જયપાલસિંઘને સોંપવામાં આવ્યો છે. આ ફેરબદલ માત્ર ટોચના સ્તરે જ સીમિત નથી રહ્યો, પરંતુ મધ્યમ કક્ષાના સનદી અધિકારીઓને પણ લપેટમાં લીધા છે. વન વિભાગના નાયબ સચિવ આસવ ગઢવીની બદલી ભાવનગર ખાતે ડેપ્યુટી કન્ટ્રોલર સિવિલ ડિફેન્સ તરીકે કરવામાં આવી છે. આ બદલીને પણ વહીવટી વર્તુળોમાં શિક્ષાત્મક અથવા સાઈડ પોસ્ટિંગ તરીકે જોવામાં આવી રહી છે.
તેવી જ રીતે, ઉપ સચિવ હિમાંશુ ગોહિલને વન વિભાગની જવાબદારીમાંથી મુક્ત કરીને સરકારી વકીલની કચેરીમાં મોકલી દેવાયા છે. વન વિભાગ જેવા મહત્વના વિભાગમાં એકસાથે આટલી મોટી ઉથલપાથલ પાછળના ચોક્કસ કારણો ભલે જાહેર કરવામાં આવ્યા નથી, પરંતુ અંદરખાને વહીવટી કામગીરીમાં મંદી અથવા કોઈ આંતરિક વિવાદ જવાબદાર હોવાનું મનાય છે.
રાજ્ય સરકારના આ કડક વલણથી અન્ય વિભાગોના અધિકારીઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે. ખાસ કરીને વન વિભાગના વડાને કોર્પોરેશનમાં મોકલી દેવાના નિર્ણયથી વહીવટી આલમમાં અનેક તર્ક-વિતર્ક વહેતા થયા છે. આગામી દિવસોમાં અન્ય વિભાગોમાં પણ આવા જ મોટા ફેરફારો થવાની શક્યતા સેવાઈ રહી છે.