Loading Please Wait !!!
"કલોલમાં મધરાત્રે અગ્નિતાંડવ: ઓઈલ-ટાયરના ગોડાઉનમાં ભીષણ આગથી કરોડોનું નુકસાન"

લોકો જીવ બચાવવા ઘર છોડી ભાગ્યા - 8 ફાયર ફાઈટરોએ 2.5 લાખ લિટર પાણીનો મારો ચલાવ્યો.

મેજર કોલ જાહેર: કલોલ, કડી, IFFCO અને ONGC ની ટીમોએ સંભાળ્યો મોરચો.

સાવચેતીના ભાગરૂપે બાજુની હોસ્પિટલ ખાલી કરાવાઈ - સદનસીબે જાનહાનિ ટળી.

ગાંધીનગર: કલોલ શહેરના કર્મયોગી સોસાયટી વિસ્તારમાં ગઈકાલે મોડી રાત્રે લાગેલી ભીષણ આગને કારણે સમગ્ર પંથકમાં ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. એક ઓઈલ અને ટાયરના ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળતા કરોડો રૂપિયાનો મુદ્દામાલ જોતજોતામાં ખાખ થઈ ગયો હતો. આગ એટલી વિકરાળ હતી કે તેની જ્વાળાઓ દૂર-દૂર સુધી દેખાતી હતી, જેના કારણે રહેણાંક વિસ્તારના લોકો પોતાના જીવ બચાવવા અડધી રાત્રે ઘરની બહાર દોડી આવ્યા હતા.

ગાંધીનગર ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર રાજેશ પટેલે જણાવ્યું હતું કે, રાત્રે ત્રણ વાગ્યે મેજર કોલની વરદી મળતા જ તંત્ર હરકતમાં આવ્યું હતું. ઓઈલ અને ગ્રીસ જેવા જ્વલનશીલ પદાર્થો હોવાને કારણે સાદા પાણીની સાથે સ્પેશિયલ ફાયર ફાઈટિંગ ફોમનો મારો ચલાવવો પડ્યો હતો. કલોલ ઉપરાંત કડી, ઇફકો, ઓએનજીસી અને ગાંધીનગરથી કુલ 8 ફાયર ફાઈટરોની મદદ લેવામાં આવી હતી. અંદાજે 2.5 લાખ લિટર પાણીના મારા બાદ આગ પર કાબૂ મેળવી શકાયો હતો.

તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે આખા વિસ્તારનો પાવર સપ્લાય કાપી નાખવામાં આવ્યો હતો અને નજીકની હોસ્પિટલ તેમજ સોસાયટીના મકાનોને તાત્કાલિક ખાલી કરાવવામાં આવ્યા હતા. ટ્રાફિક અને ભીડને નિયંત્રિત કરવા માટે સર્વિસ રોડને પણ અવરજવર માટે બંધ કરી દેવાયો હતો. મામલતદાર અને ચીફ ઓફિસર સહિતના ઉચ્ચ અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચી સ્થિતિની સમીક્ષા કરી હતી.

સદનસીબે આ ભયાનક દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ગોડાઉનમાં રહેલા ટાયરો અને ઓઈલના જથ્થાને કારણે માલિકને કરોડોનું નુકસાન થયું છે. પ્રાથમિક દ્રષ્ટિએ આગનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું મનાઈ રહ્યું છે, જોકે એફએસએલ (FSL) ની તપાસ બાદ જ સાચું કારણ બહાર આવશે. કલાકોના હાઈ-વોલ્ટેજ ડ્રામા બાદ આગ શાંત પડતા સ્થાનિક રહીશોએ રાહતનો શ્વાસ લીધો હતો.