ATSનું મધરાત્રે મેગા ઓપરેશન: ગુજરાત-રાજસ્થાન બોર્ડર પરથી ₹25 કરોડનું ડ્રગ્સ ઝડપાયું, પાકિસ્તાની કનેક્શન ખુલ્યું!
- હાઈવે 68 પર ફિલ્મી ઢબે નાકાબંધી કરીને 5 કિલો 'મેથામ્ફેટામાઈન' જપ્ત - બારમેરના બે શખસોની ધરપકડ
- મસાત સઓ મુબારકે પાકિસ્તાનથી મોકલ્યું હતું ડ્રગ્સ - ઇકો કારમાં છુપાવેલી પીળી થેલીમાંથી મળ્યું સફેદ ઝેર
- જેસલમેર-બનાસકાંઠા હાઈવે પર વોચ ગોઠવીને બે સ્મગલરોને દબોચ્યા - વોટ્સએપ ચેટ અને વીડિયોમાં મોટા ખુલાસા
ગુજરાત અને રાજસ્થાન એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) એ એક અત્યંત ગુપ્ત અને સફળ ઓપરેશનમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સ્મગલિંગ નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. પાકિસ્તાન સરહદેથી ભારતમાં ઘુસાડવામાં આવેલ અંદાજે ૨૫ કરોડ રૂપિયાની કિંમતનો ૫ કિલો 'મેથામ્ફેટામાઈન' ડ્રગ્સનો જથ્થો ગુજરાત-રાજસ્થાન બોર્ડર નજીકથી જપ્ત કરવામાં આવ્યો છે. આ મામલે રાજસ્થાનના બારમેરના બે શખસોની ધરપકડ કરી પાકિસ્તાની કનેક્શનનો ખુલાસો થયો છે.
ગુજરાત એટીએસને મળેલી ચોક્કસ બાતમીના આધારે, જેસલમેર અને બનાસકાંઠાને જોડતા નેશનલ હાઈવે ૬૮ પર સઘન વોચ ગોઠવવામાં આવી હતી. ૬ એપ્રિલ ૨૦૨૬ ની સાંજે વાહન ચેકિંગ દરમિયાન એક શંકાસ્પદ ઇકો કારને આંતરીને તપાસ કરતા, તેમાંથી પીળા રંગની થેલીમાં સંતાડેલો ૫ કિલો ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કારમાં સવાર શંકરરામ રમેશરામ અને સલમાન લાલાખાનને રંગેહાથ ઝડપી લીધા હતા.
આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે કે, આ ડ્રગ્સ પાકિસ્તાનના થારપારકર વિસ્તારમાં રહેતા 'મસાત સઓ મુબારક' નામના સ્મગલરે સરહદ પાર કરાવીને બારમેર જિલ્લામાં ડ્રોપ કર્યું હતું. આરોપીઓ આ જથ્થો મેળવીને ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાં ડિલિવરી આપવાના હતા. તપાસ એજન્સીઓએ આરોપીઓના મોબાઈલમાંથી વોટ્સએપ ચેટ અને ડ્રગ્સ ડિલિવરીના વીડિયો પણ કબજે કર્યા છે.
હાલમાં બંને આરોપીઓ સામે રાજસ્થાનના બારમેર સદર પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. એટીએસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે ગુજરાતમાં આ ડ્રગ્સ કોને સપ્લાય કરવાનું હતું અને આ ઇન્ટરનેશનલ નેટવર્કમાં અન્ય કેટલા લોકો સામેલ છે. સરહદી વિસ્તારોમાં ડ્રોન અથવા અન્ય માધ્યમથી ડ્રગ્સ ઘુસાડવાની આ પદ્ધતિ સામે હવે સુરક્ષા એજન્સીઓ વધુ સતર્ક બની છે.