સેવાકાર્યોથી સ્વ. વિજયભાઈ રૂપાણીને ભાવાંજલિ અપાઈ
- પ્રથમ પુણ્યતિથિએ જૈન વિઝન દ્વારા વિવિધ સેવાકીય કાર્યક્રમો યોજાયા
- જૈન વિઝન દ્વારા ભજન, ભોજન, જીવદયા અને માનવતાલક્ષી પ્રવૃત્તિઓ
સીટી ન્યૂઝ@રાજકોટ
રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજયભાઈ રૂપાણીની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે જૈન વિઝન સંસ્થા દ્વારા વિવિધ સેવાકીય અને માનવતાલક્ષી કાર્યક્રમો યોજી તેમને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી આયોજિત કાર્યક્રમોમાં ભજન, ભોજન, જીવદયા અને સામાજિક સેવાની પ્રવૃત્તિઓ દ્વારા દિવંગત આત્માઓને સ્મરણાંજલિ પાઠવવામાં આવી હતી.
જૈન વિઝનના સંયોજક મિલન કોઠારીએ જણાવ્યું હતું કે સ્વ. વિજયભાઈ રૂપાણી એક મહાન વ્યક્તિત્વ હતા અને તેમની ખોટ ક્યારેય પૂરી થઈ શકે તેમ નથી. તેમના જીવનમૂલ્યોને યાદ રાખી સમાજસેવાના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
રોયલ પાર્ક સ્થિત જૈન સંઘ, ઓમાનવાલા ઉપાશ્રય અને સી.એમ. પૌષધશાલામાં ચતુર્વિધ સંઘની ઉપસ્થિતિમાં નમસ્કાર મહામંત્રના જાપનું આયોજન કરવામાં આવ્યું હતું. જાપ પૂર્ણ થયા બાદ પ્રભાવના પણ આપવામાં આવી હતી.
આ પ્રસંગે અંજલીબેન રૂપાણી, મેયર ડૉ. નેહલ શુક્લ, ધારાસભ્ય ડૉ. દર્શિતાબેન શાહ, ભાજપ અગ્રણી ધનસુખભાઈ ભંડેરી, પૂર્વ મેયર બીનાબેન આચાર્ય, ઋષભ રૂપાણી, જૈન અગ્રણી સી.એમ. શેઠ, અંશ ભારદ્વાજ તથા કાશ્મીરાબેન નથવાણી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
જૈન વિઝન મહિલા વિંગ દ્વારા રાજકોટ મહાજનશ્રીની પાંજરાપોળ ખાતે અબોલ જીવોને ૨૫૦ કિલો લાડવા અને ૧૦૦ કિલો ચણા અર્પણ કરી જીવદયાનું કાર્ય કરવામાં આવ્યું હતું. વિરાણી મૂક-બધિર શાળાના દિવ્યાંગ બાળકોને મિષ્ટાન્ન ભોજન પણ કરાવવામાં આવ્યું હતું.
આ ઉપરાંત રોટી અભિયાન અંતર્ગત ઝૂંપડપટ્ટી અને જરૂરિયાતમંદ લોકોને ભોજન પહોંચાડવામાં આવ્યું હતું. જૈન ભોજનાલયમાં એક દિવસના ભોજનનો લાભ લેવામાં આવ્યો હતો તેમજ શ્રી રામચરિત ફાઉન્ડેશન ટ્રસ્ટ મારફતે જરૂરિયાતમંદોને ભોજન અને ટિફિન વિતરણ કરવામાં આવ્યું હતું.
બોલબાલા ટ્રસ્ટના અન્નપૂર્ણા રથ મારફતે ગરીબ અને નિરાધાર લોકોને ભોજન આપવામાં આવ્યું હતું. સાથે જ કે.કે.વી. ચોક પાસે છાસ વિતરણ કાર્યક્રમ યોજી લોકોને ગરમીમાં રાહત પહોંચાડવામાં આવી હતી. આ રીતે જૈન વિઝન સંસ્થાએ સેવા અને માનવતાના કાર્યો દ્વારા સ્વ. વિજયભાઈ રૂપાણી તથા અન્ય દિવંગત આત્માઓને ભાવાંજલિ અર્પણ કરી હતી.