Loading Please Wait !!!
રાજકોટમાં પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક અને સાંસદો વચ્ચે મહત્વપૂર્ણ બેઠક

  • નવી ટ્રેનો, સ્ટોપેજ, રૂટ વિસ્તરણ અને રેલવે પ્રોજેક્ટ્સ અંગે વિગતવાર ચર્ચા

સીટી ન્યૂઝ@રાજકોટ

પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક (જનરલ મેનેજર) રામાશ્રય પાંડેની અધ્યક્ષતામાં રાજકોટ ખાતે રાજકોટ અને ભાવનગર ડિવિઝનના સંસદીય વિસ્તારોના માનનીય સાંસદો સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન રેલવેને લાગતા વિવિધ પ્રશ્નો, નવી ટ્રેનો, સ્ટોપેજ, રૂટ વિસ્તરણ, ટ્રેનોના ફેરા વધારવા તેમજ માળખાકીય વિકાસના પ્રોજેક્ટ્સ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.

બેઠકની શરૂઆતમાં મહાપ્રબંધક પાંડેએ ઉપસ્થિત સાંસદોનું સ્વાગત કરી રાજકોટ અને ભાવનગર ડિવિઝનમાં મુસાફરોને ઉપલબ્ધ કરાવવામાં આવેલી નવી સુવિધાઓ અને રેલવેની તાજેતરની સિદ્ધિઓ અંગે માહિતી આપી હતી. ત્યારબાદ સાંસદોએ પોતાના સંસદીય વિસ્તારોની રેલવે સંબંધિત માંગણીઓ અને પ્રશ્નો રજૂ કરી મૂલ્યવાન સૂચનો આપ્યા હતા.

આ બેઠકમાં રાજકોટ અને ભાવનગર ડિવિઝનના કાર્યક્ષેત્રના કુલ છ સાંસદોએ ભાગ લીધો હતો, જેમાં પરશોત્તમભાઈ રૂપાલા, પૂનમબેન માડમ, રામભાઈ મોકરીયા, કેસરીદેવસિંહ ઝાલા, રાજેશભાઈ ચુડાસમા અને ભરતભાઈ સુતરીયા ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત સાંસદ ચંદુભાઈ શિહોરાના પ્રતિનિધિ પણ બેઠકમાં જોડાયા હતા.

બેઠકમાં રાજકોટ ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજર (DRM) ગિરિરાજ કુમાર મીના, ભાવનગર ડિવિઝનના DRM દિનેશ વર્મા તેમજ પશ્ચિમ રેલવેના અનેક વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન નાયબ મહાપ્રબંધક (જનરલ) ઉજ્જવલ દેવે કર્યું હતું.

મહાપ્રબંધક પાંડેએ બેઠક દરમિયાન જણાવ્યું હતું કે પશ્ચિમ રેલવે પોતાના કાર્યક્ષેત્રમાં મુસાફરોને વધુ સારી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા અને માળખાકીય વિકાસના કાર્યો ઝડપથી પૂર્ણ કરવા માટે સતત પ્રયત્નશીલ છે. હાલમાં ચાલી રહેલા વિવિધ મહત્વપૂર્ણ રેલવે પ્રોજેક્ટ્સ અંગે પણ તેમણે સાંસદોને માહિતગાર કર્યા હતા.

માનનીય સાંસદોએ પોતાના વિસ્તારોમાં ચાલી રહેલા રેલવે વિકાસકાર્યોની પ્રગતિ અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો અને મુસાફરોની સુવિધામાં વધુ વધારો થાય તે માટે વિવિધ રજૂઆતો પણ કરી હતી. બેઠકમાં રજૂ થયેલા મુદ્દાઓનો હકારાત્મક નિરાકરણ માટે રેલવે તંત્ર દ્વારા જરૂરી પગલાં લેવામાં આવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.