ગાંધીનગરમાં જમીન પચાવી પાડવાનું મોટું કૌભાંડ: નવી શરતની જમીન જૂની કરવાના બહાને ખેડૂત સાથે ₹2 લાખની છેતરપિંડી!
પેથાપુર પોલીસે ત્રણ શખ્સો સામે નોંધ્યો ગુનો - અભણ ખેડૂતની અજ્ઞાનતાનો લાભ લઈ સાડા ત્રણ વીઘા જમીન હડપી લીધી
ગોવિંદજી ઠાકોર સહિત 3 સામે છેતરપિંડીની ફરિયાદ - કલેક્ટર કચેરીમાં કામ કરાવવાના નામે ખેલાયો 'ગંદો ખેલ'
વર્ષ 2011 થી ચાલી રહેલા ષડયંત્રનો 12 વર્ષે થયો પર્દાફાશ - પેથાપુર પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો
ગાંધીનગર જિલ્લાના રાંધેજા ગામમાં એક અભણ ખેડૂતની અજ્ઞાનતાનો લાભ ઉઠાવી તેની કિંમતી જમીન પચાવી પાડવાનો સનસનીખેજ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. નવી શરતની જમીનને જૂની શરતમાં ફેરવી આપવાના બહાને ખેડૂત પાસેથી લાખો રૂપિયા પડાવ્યા બાદ આરોપીઓએ બનાવટી દસ્તાવેજોના આધારે જમીન પોતાના નામે કરી લીધી હોવાની ફરિયાદ પેથાપુર પોલીસ મથકે નોંધાઈ છે.
12 વર્ષ પહેલા શરૂ થયું હતું ષડયંત્ર ફરિયાદી ગોકળજી ઉર્ફે ગોફુરજી ઠાકોરની રાંધેજામાં સાડા ત્રણ વીઘા વડીલોપાર્જીત જમીન આવેલી છે, જે ગણોત ધારા મુજબ નવી શરતની હતી. વર્ષ 2011 માં આ જમીન જૂની શરતમાં ફેરવવા માટે તેમણે પરિચિત ગોવિંદજી ઠાકોરનો સંપર્ક કર્યો હતો. ગોવિંદજીએ કલેક્ટર કચેરીમાં વહીવટી કામ કરવાના બહાને ખેડૂત પાસેથી ₹2 લાખ પડાવ્યા હતા અને કામની સરળતા માટે પાવર ઓફ એટર્ની મેળવી લીધી હતી.
ખોટા અંગૂઠાના નિશાન અને બનાવટી દસ્તાવેજ વર્ષ 2023 માં ખેડૂતને જાણ થઈ કે તેમની જમીન જૂની શરતમાં ફેરવાઈ ગઈ છે, પરંતુ તપાસ કરતા પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. આરોપી ગોવિંદજીએ ખેડૂતની જાણ બહાર તેમની ખોટી સહીઓ અને અંગૂઠાના નિશાન કરી બનાવટી ડેક્લેરેશન તૈયાર કર્યું હતું. આ ખોટા દસ્તાવેજોના આધારે જમીનનો વેચાણ દસ્તાવેજ પોતાના નામે કરી લીધો હતો. ત્યારબાદ અન્ય આરોપી ધ્વ પટેલે આ જમીનનો જનરલ પાવર ઓફ એટર્ની દસ્તાવેજ કોઈ પણ ખરાઈ કર્યા વગર પોતાના નામે કરાવી લીધો હતો.
પેથાપુર પોલીસની કાર્યવાહી પોતાની સાથે થયેલા વિશ્વાસઘાત અને છેતરપિંડી મામલે ખેડૂતે પેથાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગોવિંદજી શનાજી ઠાકોર, શાંતિજી ગુલાબજી ઠાકોર અને ધ્વ ધર્મેશભાઇ પટેલ વિરુદ્ધ આઈપીસીની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે આ મામલે મહેસૂલી દસ્તાવેજોની ચકાસણી શરૂ કરી છે અને આરોપીઓની અટકાયત માટે ચક્રો ગતિમાન કર્યા છે. ગાંધીનગર પંથકમાં જમીન પચાવી પાડવાના આ કિસ્સાએ ખેડૂત આલમમાં ભારે રોષ જગાવ્યો છે.