LRD ભરતીમાં મોટો પડાવ પાર: શારીરિક કસોટીનું પરિણામ જાહેર, 2.63 લાખ ઉમેદવારો પાસ; 14 જૂને લેખિત પરીક્ષા!
- 10 લાખમાંથી માત્ર અઢી લાખથી વધુ ઉમેદવારો મેદાન મારી ગયા - જાણો કઈ રીતે ઓનલાઇન ચેક કરવું તમારું નામ
- 21 જાન્યુઆરીથી શરૂ થયેલી શારીરિક કસોટીની યાદી જાહેર - હવે 14 જૂન (રવિવાર) ના રોજ યોજાશે અસલી જંગ.
- માજી સૈનિકો સહિત કુલ ઉમેદવારોનું લિસ્ટ જાહેર - કોઈ વાંધો હોય તો ગાંધીનગર ભરતી બોર્ડમાં રજૂઆત કરી શકાશે.
ગુજરાત રાજ્યમાં લોકરક્ષક દળ (LRD) અને પીએસઆઈ (PSI) ની ભરતી પ્રક્રિયા હવે તેના સૌથી નિર્ણાયક તબક્કે પહોંચી ગઈ છે. જાન્યુઆરી મહિનાથી શરૂ થયેલી શારીરિક કસોટીના અંતે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા સત્તાવાર પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. આશરે 10 લાખ ઉમેદવારોમાંથી 2.63 લાખ જેટલા ઉમેદવારોએ દોડ અને શારીરિક માપદંડોની કસોટી સફળતાપૂર્વક પાસ કરી છે
પારદર્શિતા માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ ભરતી બોર્ડ દ્વારા આ વખતે પ્રક્રિયાને સંપૂર્ણપણે નિષ્પક્ષ રાખવા માટે RFID Lap Data અને CCTV કેમેરાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. દરેક ઉમેદવારે કેટલા સમયમાં દોડ પૂરી કરી તેની સેકન્ડ વાઈઝ વિગત પરિણામમાં આપવામાં આવી છે. જે ઉમેદવારોને પોતાના પરિણામ સામે વાંધો હોય, તેઓ જરૂરી દસ્તાવેજો સાથે ગાંધીનગર ખાતે ભરતી બોર્ડની કચેરીએ લેખિતમાં રજૂઆત કરી શકશે.
હવે લેખિત પરીક્ષા પર સૌની મીટ શારીરિક કસોટીમાં પાસ થયેલા 2,63,344 ઉમેદવારો હવે 14 જૂન, 2026 ના રોજ લેખિત પરીક્ષા આપશે. આ પરીક્ષા રવિવારના રોજ યોજાશે, જેના માટે ઉમેદવારોને અત્યારથી જ જોરશોરથી તૈયારી શરૂ કરી દેવા સૂચના આપવામાં આવી છે. રાજકોટના અનેક કોચિંગ ક્લાસ અને લાઈબ્રેરીઓમાં અત્યારથી જ પોલીસ ભરતીની તૈયારી કરતા યુવાનોનો ધસારો જોવા મળી રહ્યો છે. 13,591 ખાલી જગ્યાઓ સામે હરીફાઈ ઘણી જ ટક્કરની રહેવાની છે.