Loading Please Wait !!!
જૂનાગઢના મહિલા રેસિડેન્ટ ડોક્ટરનું ડેન્ગ્યુથી કરુણ મોત!

7 દિવસના બદલે માત્ર 2 દિવસની રજા મંજૂર!

સવારે રિપોર્ટ નોર્મલ, રાત્રે અચાનક તબિયત લથડી!

પ્લેટલેટ કાઉન્ટ ઝડપથી ઘટતા સારવાર દરમિયાન નિધન!

સિટી ન્યુઝ @ જૂનાગઢ : મેડિકલ કોલેજના એનેસ્થેસિયા વિભાગમાં રેસિડેન્ટ ડોક્ટર તરીકે ફરજ બજાવતા ડો. સોનાલી ઓડેદરાનું ડેન્ગ્યુના કારણે મોત થયું છે, જેઓ શનિવારે ડેન્ગ્યુ થયા બાદ સોમવાર અને મંગળવાર એમ માત્ર 2 દિવસની રજા લઈને બુધવારે ફરી ડ્યુટી પર હાજર થયા હતા.

બુધવારે સવારે 10:16 વાગે સિવિલ હોસ્પિટલમાં કરાવેલા રિપોર્ટમાં પ્લેટલેટ કાઉન્ટ નોર્મલ આવતા હાશકારો થયો હતો, પરંતુ દિવસભરની ડ્યુટી બાદ રાત્રે ઘરે ગયા ત્યારે અચાનક તબિયત બગડતા અને ખેંચ આવતા તેમના ઓર્થોપેડિક સર્જન પતિ દ્વારા કલ્પ હોસ્પિટલ તથા રાત્રે 11 વાગ્યે કે.જે. હોસ્પિટલમાં લઈ જવાયા હતા.

કે.જે. હોસ્પિટલના ડો. રાહુલ માણેકના જણાવ્યા મુજબ અત્યંત ગંભીર સ્થિતિમાં વધુ સારવાર માટે રાજકોટ લઈ જવાનો નિર્ણય કરાયો હતો, પરંતુ જેતપુર પહોંચતા પહેલા જ તબિયત વધુ બગડતા જૂનાગઢ પરત લવાયા હતા અને સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન પ્લેટલેટ કાઉન્ટ ઝડપથી ઘટતા તેમનું નિધન થયું હતું.

સિવિલ હોસ્પિટલના મેડિસિન વિભાગના પ્રોફેસર ડો. ધ્રુમિલ કણસાગરાએ જણાવ્યું હતું કે ડેન્ગ્યુના આ તબક્કામાં ઓછામાં ઓછા 7 દિવસના આરામ અને નિરીક્ષણની જરૂર રહે છે, તથા તાવ ઉતર્યા બાદ પણ ભારે મહેનત ટાળીને પૂરતો શારીરિક આરામ લેવો અત્યંત આવશ્યક છે.

તબીબોના મતે એડીસ મચ્છર દ્વારા ફેલાતા ડેન્ગ્યુમાં અચાનક તાવ, માથા અને આંખો પાછળ દુખાવો, સાંધા-સ્નાયુમાં દુખાવો, ઉબકા-ઉલટી જેવા લક્ષણો દેખાય ત્યારે તુરંત તબીબી સંપર્ક કરી, પૂરતું પ્રવાહી લઈ અને જાતે પેઈનકિલર ટાળીને ડેન્ગ્યુ હેમરેજિક ફીવર કે શોક સિન્ડ્રોમ જેવી ગંભીર સ્થિતિથી બચવું જરૂરી છે.

 

ડેન્ગ્યુ સારવાર, આરામ અને સાવચેતીની તાકીદ

ડેન્ગ્યુના આ તબક્કામાં 2 દિવસના બદલે ઓછામાં ઓછા 7 દિવસનો આરામ અને નિરીક્ષણ જરૂરી છે. સવારે રિપોર્ટ નોર્મલ આવ્યા બાદ પણ પ્લેટલેટ્સ ઝડપથી ઘટી શકે છે અને હેમરેજિક ફીવર કે શોક સિન્ડ્રોમ જીવલેણ બની શકે છે. તુરંત ડોક્ટરનો સંપર્ક, પૂરતું પ્રવાહી, જાતે પેઈનકિલર ટાળવી અને તાવ ઉતર્યા બાદ 7 દિવસ આરામ અત્યંત મહત્વપૂર્ણ છે.