Loading Please Wait !!!
"ઝવેરાત બજારમાં LPGનું ગ્રહણ: ગેસની અછતથી દાગીનાનું ઉત્પાદન ઠપ્પ, હજારો કારીગરો બેકાર"

  • સોના-ચાંદીના ઘરેણાંના ઘડામણ ચાર્જમાં વધારો થવાની શક્યતા - ઇમિટેશન માર્કેટ પર પણ સંકટ.
  • રેણ કરવા અને સોનું ઓગાળવા માટે એલપીજી અનિવાર્ય - નાના કારીગરો કાળાબજારમાં મોંઘા સિલિન્ડર લેવા મજબૂર.
  • 30-40% હાથ બનાવટના દાગીના ગેસ આધારિત - ઇલેક્ટ્રિક ભઠ્ઠીઓ હોવા છતાં ઝીણવટભર્યા કામ અટક્યા.

મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધને કારણે સર્જાયેલી રાંધણ ગેસની અછત હવે માત્ર રસોડા સુધી સીમિત નથી રહી, પરંતુ તેની ગંભીર અસર દેશભરના બુલિયન અને જ્વેલરી માર્કેટ પર પણ પડી છે. અમદાવાદ અને રાજકોટ જેવા જ્વેલરી હબમાં એલપીજી સિલિન્ડરો ન મળવાને કારણે દાગીના બનાવવાની પ્રક્રિયા અત્યંત મુશ્કેલ બની છે. સોના-ચાંદી ઉપરાંત ઇમિટેશન જ્વેલરીના ઉત્પાદનમાં પણ મોટો વિક્ષેપ ઉભો થતા હજારો કારીગરોની આજીવિકા સામે પ્રશ્નાર્થ ચિન્હ લાગી ગયું છે.

સોની બજારના સૂત્રોના જણાવ્યા અનુસાર, ઘરેણાં બનાવવાની પ્રક્રિયામાં સોનું કે ચાંદી ઓગાળવા, તેને ચોક્કસ ઘાટ આપવા અને સૌથી મહત્વનું 'રેણ' (સોલ્ડરિંગ) કરવા માટે ગેસ આધારિત ગનનો જ ઉપયોગ થાય છે. આ માટે નાના અને મધ્યમ કદના સિલિન્ડરો વપરાતા હોય છે. પરંતુ હાલમાં સિલિન્ડરોની તીવ્ર અછતને કારણે નાના કારીગરોના કામ રઝળી પડ્યા છે. ઘણા કારીગરો કાળાબજારમાં ઊંચા ભાવે ગેસ ખરીદવા મજબૂર બન્યા છે અથવા તો પોતાનું કામ સંપૂર્ણપણે બંધ કરી દીધું છે.

રાજકોટની જાણીતી જ્વેલરી બ્રાન્ડના સંચાલકોના જણાવ્યા અનુસાર, ઘરેણાં બનાવવાની આખી સાયકલ હોય છે અને તેમાં ગેસ એક મહત્વની કડી છે. મોટા ઉત્પાદન એકમો પાસે ઇલેક્ટ્રિક ભઠ્ઠીઓ હોવાથી તેમને ખાસ વાંધો આવતો નથી, પરંતુ જ્વેલરીનું 30-40 ટકા કામ હાથ બનાવટનું હોય છે જે સંપૂર્ણપણે ગેસ પર નિર્ભર છે. ગેસના વિકલ્પ તરીકે કેટલાક કારીગરોએ કેરોસીન અને સ્ટવનો ઉપયોગ શરૂ કર્યો છે, પરંતુ તેમાં ફિનિશિંગ જાળવવું મુશ્કેલ બને છે. આ પરિસ્થિતિને કારણે આગામી દિવસોમાં દાગીનાના ઘડામણ (મેકિંગ) ચાર્જમાં વધારો થવો લગભગ નિશ્ચિત મનાય છે.

સોના-ચાંદીની સાથે ઇમિટેશન જ્વેલરી ઉદ્યોગ પર પણ આ સંકટના વાદળો ઘેરાયા છે. 60 ટકા જેટલી બ્રાસ જ્વેલરીમાં કાસ્ટિંગ મશીન કે ઇલેક્ટ્રિકનો ઉપયોગ થતો હોવા છતાં, ટાંકા લેવા અને નાનું-મોટું રિપેરિંગ કામ કરવામાં ગેસ ગન વગર ચાલતું નથી. હાલમાં સીઝન ન હોવાથી બજારમાં તેની તાત્કાલિક અસર વર્તાતી નથી, પરંતુ જો ગેસનો પુરવઠો સમયસર સામાન્ય નહીં થાય, તો આગામી લગ્નસરા અને તહેવારોની સીઝનમાં દાગીનાના શિડ્યુલ ખોરવાઈ જશે અને માર્કેટમાં નવા ઘરેણાંની અછત સર્જાઈ શકે છે.

ઉદ્યોગકારોની ચિંતા એ પણ છે કે નાના કારીગરો અને મોટા એકમો વચ્ચેનું અંતર વધી જશે. નાના કારીગરો જો કામ બંધ કરશે તો ઉદ્યોગની આખી ચેન અસ્તવ્યસ્ત થઈ જશે. રાજકોટમાં ઇમિટેશન જ્વેલરી સાથે જોડાયેલા સેંકડો પરિવારો અત્યારે આર્થિક સંકટમાં આવી ગયા છે. જો સ્થિતિમાં જલ્દી સુધારો નહીં થાય, તો ઇમિટેશન જ્વેલરીના ભાવમાં પણ 15 થી 20 ટકાનો વધારો જોવા મળી શકે છે. ઝવેરીઓ અને કારીગરો હવે સરકાર પાસે માંગ કરી રહ્યા છે કે ઉદ્યોગના હિતમાં ગેસનો પુરવઠો પ્રાથમિકતાના ધોરણે પૂરો પાડવામાં આવે.