Loading Please Wait !!!
જામનગરનો 'VIP' વોર્ડ નંબર 5: જ્યાં મંત્રી રિવાબા અને સાંસદ પૂનમબેન રહે છે, ત્યાં જનતા સુવિધાથી ખુશ કે ખાડાથી પરેશાન?

  • હાઈ-પ્રોફાઈલ વોર્ડમાં મતદારોનો મિશ્ર પ્રતિસાદ – ક્યાંક પાણી-લાઈટની વાહ-વાહી, તો ક્યાંક ટ્રાફિક અને મચ્છરોના ત્રાસથી રોષ
  • 22,646 મતદારો કોને આપશે સત્તા? – મહિલા સુરક્ષા અને સફાઈ મુદ્દે સંતોષ, પણ આંતરિક રસ્તાઓ અને ટ્રાફિકે વધારી ચિંતા
  • નીલકમલ ચોકડી પાસે મચ્છરોનો ઉપદ્રવ અને લારી-ગલ્લાના ખડકલાથી લોકો ત્રાહિમામ – ઓક્સિજન પાર્કની આશાએ મોટી ઉંમરના લોકો ખુશ

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે ત્યારે જામનગર મહાનગરપાલિકાનો વોર્ડ નંબર ૫ સમગ્ર શહેરમાં ચર્ચાનું કેન્દ્ર છે. આ વોર્ડમાં રાજ્યમંત્રી રિવાબા જાડેજા, સાંસદ પૂનમબેન માડમ અને શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી જેવા દિગ્ગજ નેતાઓના નિવાસસ્થાન આવેલા છે. હાઈ-પ્રોફાઈલ નેતાઓના આ વિસ્તારમાં વિકાસની સ્થિતિ કેવી છે તે જાણવા જ્યારે જનતા વચ્ચે પહોંચ્યા ત્યારે મિશ્ર પ્રતિભાવો સાંભળવા મળ્યા હતા.

મહિલા સુરક્ષા અને સ્વચ્છતામાં મોટો સુધારો વોર્ડની મહિલાઓ પાયાની સુવિધાઓથી ખાસી સંતુષ્ટ જોવા મળી રહી છે. અવનીબેન ત્રિવેદી અને મનીષાબેન મહેતાના જણાવ્યા મુજબ, અગાઉ જે પાણીની સમસ્યા હતી તે નવી પાઈપલાઈન નંખાતા દૂર થઈ છે અને હવે રોજ સમયસર પાણી મળે છે. મહિલા સુરક્ષા અને સરકારની યોજનાઓથી દીકરીઓ આગળ વધી રહી છે. સ્વચ્છતાના મામલે 'ડોર-ટુ-ડોર' કચરા સંગ્રહની ગાડીઓ સંગીતના તાલે નિયમિત આવતી હોવાથી વિસ્તારમાં ચોખ્ખાઈ જળવાઈ રહે છે. આ ઉપરાંત, વડીલો માટે મંજૂર થયેલો 'ઓક્સિજન પાર્ક' ટૂંક સમયમાં શરૂ થવાની આશાએ લોકોમાં ખુશી છે.

બિસ્માર રસ્તા અને મચ્છરોનો ત્રાસ હજુ યથાવત બીજી તરફ, વોર્ડના કેટલાક વિસ્તારોમાં જનતાનો આક્રોશ પણ જોવા મળ્યો છે. રામદેવભાઈ ઓડેદરા અને ઉત્સવ પંડ્યાના જણાવ્યા મુજબ, આંતરિક રોડ-રસ્તાની હાલત અત્યંત ખરાબ છે અને છેલ્લા ૫ વર્ષથી મોટા ખાડાઓનું કોઈ નિરાકરણ આવ્યું નથી. નીલકમલ ચોકડી પાસે ભરાયેલા પાણીને કારણે મચ્છરોનો ભારે ત્રાસ છે, જેનાથી બીમારી ફેલાવાનો ભય રહે છે. જોકે શહેરમાં ઓવરબ્રિજ બનવાથી મેઈન રોડ પર ટ્રાફિક હળવો થયો છે, પરંતુ માર્કેટ નવી જગ્યાએ શિફ્ટ થઈ હોવા છતાં આંતરિક રસ્તાઓ પર લારી-ગલ્લાઓના ખડકલાને કારણે ટ્રાફિકની સમસ્યા વણસી છે.

ચૂંટણીનું ગણિત અને જનતાની માંગ વોર્ડ નંબર ૫ માં કુલ ૨૨,૬૪૬ મતદારો છે, જેમાં સ્ત્રી અને પુરુષ મતદારોનું પ્રમાણ લગભગ સમાન છે. આ વખતે મતદારો માત્ર પક્ષ નહીં પરંતુ 'સ્થાનિક' ઉમેદવારની માંગ કરી રહ્યા છે જે તેમની વચ્ચે રહે અને પ્રશ્નો સાંભળે. બિસ્માર રસ્તાઓનું નવીનીકરણ, બંધ સ્ટ્રીટ લાઈટો અને ચોમાસામાં ઉભરાતી ગટરો આ વખતે ચૂંટણીમાં નિર્ણાયક મુદ્દા બનશે. નેતાઓના ગઢમાં જનતાનો આ મિશ્ર પ્રતિભાવ આગામી ચૂંટણીમાં કેવા પરિણામો લાવશે તે જોવું રસપ્રદ રહેશે.