Loading Please Wait !!!
જામનગર પંચાયત ચૂંટણી પૂર્વે મોટું એલાન: જિલ્લા પંચાયત પ્રમુખ પદ પ્રથમ અઢી વર્ષ 'જનરલ' રહેશે

  • ગુજરાત સરકારનું નવું રોટેશન જાહેર - જામનગર અને જામજોધપુરમાં OBC અનામતનો દબદબો
  • કાલાવડમાં SC અનામત, જ્યારે જોડિયા અને લાલપુરમાં જનરલ બેઠક - જાણો સંપૂર્ણ વિગત
  • તાલુકા પંચાયતોમાં પણ જ્ઞાતિ સમીકરણો બદલાયા - ચૂંટણી પહેલા દાવેદારોમાં દોડધામ શરૂ

ગુજરાત સરકાર દ્વારા જામનગર જિલ્લા પંચાયત અને તેની હેઠળની છ તાલુકા પંચાયતોના પ્રમુખ પદ માટે આગામી પાંચ વર્ષનું રોટેશન જાહેર કરી દેવામાં આવ્યું છે. આ જાહેરાતની સાથે જ જામનગરના સ્થાનિક રાજકારણમાં જબરદસ્ત ગરમાવો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને જિલ્લા પંચાયત પ્રમુખનું પદ પ્રથમ અઢી વર્ષ માટે 'જનરલ' જાહેર કરવામાં આવતા અનેક રાજકીય દિગ્ગજોમાં પ્રમુખ બનવાની આશા જાગી છે.

સરકારના જાહેરનામા મુજબ, જામનગર જિલ્લા પંચાયતમાં પ્રથમ અઢી વર્ષ પ્રમુખ પદ જનરલ રહેશે, જ્યારે બાકીના અઢી વર્ષ મહિલા જનરલ પ્રમુખ તરીકેનું રોટેશન રહેશે. આ ફેરફારને કારણે આગામી ચૂંટણીમાં પક્ષોએ ઉમેદવારોની પસંદગીમાં નવા સમીકરણો ધ્યાને લેવા પડશે.

તાલુકા પંચાયતોમાં જ્ઞાતિવાર સમીકરણો: જિલ્લાની છ તાલુકા પંચાયતોમાં પણ મોટા ફેરફારો જોવા મળ્યા છે. જામનગર અને જામજોધપુર તાલુકા પંચાયત પ્રમુખ પદ માટે OBC અનામત જાહેર કરવામાં આવી છે. જામજોધપુરમાં બીજા અઢી વર્ષ મહિલા OBC પ્રમુખ બનશે. જ્યારે કાલાવડ તાલુકા પંચાયતમાં SC અનામત નું રોટેશન રહેશે, જેમાં બીજા ટર્મમાં SC મહિલા પ્રમુખની વરણી થશે.

બીજી તરફ, ધ્રોલ, જોડિયા અને લાલપુર તાલુકા પંચાયતના પ્રમુખ પદ પ્રથમ અઢી વર્ષ માટે જનરલ કેટેગરીમાં રાખવામાં આવ્યા છે. જોડિયામાં બીજા અઢી વર્ષ માટે મહિલા જનરલ અનામત લાગુ પડશે. નોંધનીય છે કે જામનગર જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યોની મુદત પૂર્ણ થઈ ચૂકી છે, જેથી હવે ટૂંક સમયમાં જ ચૂંટણીનો શંખનાદ ફૂંકાશે. ચૂંટાયેલા સભ્યો દ્વારા જ આ નવા રોટેશન મુજબ પ્રમુખની ચૂંટણી કરવામાં આવશે.

આ રોટેશન જાહેર થતા જ ગ્રામ્ય સ્તરે રાજકીય સોગઠાબાજી શરૂ થઈ ગઈ છે. જનરલ બેઠકો પર દાવેદારોની સંખ્યા વધુ હોવાથી પક્ષો માટે ઉમેદવાર નક્કી કરવા કપરા ચઢાણ સાબિત થશે.