જામનગરમાં ચૂંટણી જંગની તૈયારી: ભાજપમાં ઉમેદવારી ફોર્મ લેવા પડાપડી, આજથી બે સ્થળે સેન્સ પ્રક્રિયાનો ધમધમાટ!
- વોર્ડ નં. 1 થી 16 ના દાવેદારોને સાંભળશે નિરીક્ષકો - ફ્રેન્ડ્સ હોલ અને શહેર ભાજપ કાર્યાલય ખાતે જામશે મેળાવડો
- ગઈકાલે સાંજે 7 વાગ્યા સુધી ફોર્મ વિતરણમાં ભારે ઉત્સાહ - હવે નિરીક્ષકો સામે દાવેદારો કરશે શક્તિ પ્રદર્શન
- 2 એપ્રિલના રોજ બે અલગ-અલગ સ્થળોએ નિરીક્ષણ - વોર્ડ વાઇઝ પેનલ બનાવવા હાઈકમાન્ડની કવાયત તેજ
આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને જામનગરનું રાજકારણ અત્યારે ચરમસીમાએ પહોંચ્યું છે. ભારતીય જનતા પાર્ટીએ જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે મૂરતિયા પસંદ કરવાની કવાયત તેજ કરી દીધી છે. ગઈકાલે સવારથી જ શહેર ભાજપ કાર્યાલય ખાતે ઉમેદવારી પત્રો મેળવવા માટે પાયાના કાર્યકરોથી માંડીને વર્તમાન કોર્પોરેટરોની લાંબી કતારો જોવા મળી હતી.
બે સ્થળોએ યોજાશે સેન્સ પ્રક્રિયા આજથી એટલે કે બીજી એપ્રિલથી પક્ષના નિરીક્ષકો દ્વારા દાવેદારોની ક્ષમતા અને તેમની લોકપ્રિયતા ચકાસવા માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ભીડને જોતા પક્ષે શહેરને બે ભાગમાં વહેંચી દીધું છે. વોર્ડ નંબર 1 થી 8 માટે ફ્રેન્ડ્સ હોલ ખાતે વ્યવસ્થા કરવામાં આવી છે, જ્યારે વોર્ડ નંબર 9 થી 16 ના દાવેદારો શહેર ભાજપ કાર્યાલય ખાતે પોતાની રજૂઆત કરી શકશે. નિરીક્ષકો દ્વારા કાર્યકરોના બાયોડેટા અને સ્થાનિક સમીકરણોની ઊંડી તપાસ કરવામાં આવશે.
ટિકિટ માટે ખેંચતાણની શક્યતા જે રીતે ગઈકાલે સાત વાગ્યા સુધી ફોર્મ લેવા માટે કાર્યકરોમાં હોડ જામી હતી, તેના પરથી સ્પષ્ટ છે કે આ વખતે ટિકિટ માટે પક્ષમાં ભારે ખેંચતાણ જોવા મળી શકે છે. રાજકોટની જેમ જામનગરમાં પણ ભાજપ 'નો-રિપીટ' થીયરી અપનાવે છે કે નવા ચહેરાઓને વધુ તક આપે છે, તે જોવું રસપ્રદ રહેશે. આ પ્રક્રિયા બાદ આગામી દિવસોમાં ભાજપ દ્વારા ઉમેદવારોના નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે, જેની પર સમગ્ર શહેરની મીટ મંડાયેલી છે.